વિદેશ મંત્રાલયનું પાર્સલ હોવાનો દાવો કરી 14 કરોડના ગાંજાની દાણચોરી
મુંબઈ એરપોર્ટ પર ભેજાબાજ પ્રવાસી ઝડપાયો
કવર પર વિદેશ મંત્રાલયના સિક્કા અને ટેપઃનકલી ટોપ સિક્રેટ દસ્તાવેજો પણ હતા
મુંબઈ - મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ દ્વારા ૧૪.૭૩ કરોડના ૧૫ કિગ્રા ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયનું ડિપ્લોમેટિક પાઉચ લગાડેલાં એક પેકેટમાં આ ગાંજો છૂપાવવામાં આવ્યો હતો.
બેંગ્કોકથી એક પ્રવાસી આ ગાંજો લઈને આવ્યો હતો. તેણે પોતાની પાસેનું પેકેટ રાષ્ટ્રીય સલામતી સાથે સંકળાયેલો ડિપ્લોમેટિક સામાન હોવાનો દાવો કરી પસાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ગાંજો વિદેશ મંત્રાલયના સિક્કા ધરાવતાં કવર્સમાં સંતાડાયેલો હતો. તેના પર વિદેશ મંત્રાલયનું માર્કિગ ધરાવતી ટેપ પણ લગાડેલી હતી. પ્રવાસીની ટ્રોલી બેગમાં અલગ અલગ યુએનડીડીડસી તથા ટોપ સિક્રેટ મિશન રિપોર્ટના નકલી દસ્તાવેજો પણ મૂકવામાં આવ્યા હતા.
આ પ્રવાસી સામે એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી.