ચાલકોની પરીક્ષા નહિ લેવાય, લાયસન્સ પણ નહીં છિનવાય
તમામ કમર્શિઅલ પેસેન્જર વાહનોના ચાલકો માટે મરાઠી ફરજિયાત પણ અમલની નવી તારીખ આજે જાહેર કરાશેઃ યુનિયનોનું આંદોલન સ્થગિત
મુંબઈ - રિક્ષા તથા ટેક્સી ચાલકો માટે ફરજિયાત મરાઠી મુદ્દે સરકારે પોતાનું વલણ નરમ બનાવી હવે ડ્રાઈવરોની કોઈ પરીક્ષા નહિ લેવાય કે મરાઠી નહીં જાણતા હોવાને કારણોસર કોઈનું લાયસન્સ પણ રદ નહીં થાય તેવી સંમતિ આપી છે. જોકે, સરકાર ફરજિયાત મરાઠીના અમલ માટેની સમયમર્યાદા લંબાવવા બાબતે આવતીકાલે કોઈ જાહેરાત કરશે.
રિક્ષા તથા ટેક્સી ચાલકો માટે પહેલી મેથી મરાઠી ફરજિયાત કરાશે, રસ્તાઓ પર જ આરટીઓ ઈન્સ્પેક્ટરો દ્વારા ચાલકોનાં મરાઠી જ્ઞાાનની પરીક્ષા લેવાશે જેમને મરાઠી નહીં આવડે તેમનાં લાયસન્સ રદ કરાશે તેવી ચિમકી અગાઉ પરિવહન પ્રધાન પ્રતાપરાવ સરનાઈકે આપી હતી. આ જાહેરાતના ભારે ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. વિવિધ વર્ગોમાંથી વિરોધનો સૂર ઉઠયો હતો તો બીજી તરફ રિક્ષા તથા ટેક્સી ચાલક યુનિયનોએ પણ તા. ચોથીમેએ આંદોલનની ચિમકી આપી હતી. ખુદ સરનાઈકના જ પક્ષ શિવસેનાના કેટલાક નેતાઓ ઉપરાંત એનડીએના સાથી પક્ષોએ પણ ફરજિયાત મરાઠીના નામે કોઈની રોજગારી છિનવાવી ન જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો.
આજે રિક્ષા-ટેક્સી ચાલકોનાં સંગઠનો, પરિવહન અધિકારીઓ તથા પરિવહન મંત્રીની એક બેઠક યોજાઈ હતી. તેમાં યુનિયનોએ આ નિર્ણય છ મહિના સુધી સ્થગિત રાખવા માગણી કરી હતી. તે બાબતે સરનાઈકે જણાવ્યું હતું કે તમામ કમર્શિયલ પેસેન્જર વાહનોના ચાલકો માટે મરાઠી ભાષાની જાણકારી ફરજિયાત જ છે પરંતુ તેના અમલની મહેતલ લંબાવવા મુદ્દે પરિવહન વિભાગ આવતીકાલે કોઈ નિર્ણય જાહેર કરશે.
જોકે, તેમણે કહ્યું હતું કે રિક્ષાચાલકોની કોઈ પરીક્ષા લેવાશે નહીં કે આ મુદ્દે કોઈના લાયસન્સ પણ રદ નહીં થાય.
આ બેઠકમાં ઉપસ્થિત યુનિયનના નેતા શશાંક રાવે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે સરકારે સકારાત્મક વલણ દાખવ્યું છે અને ફરજિયાત મરાઠી મુદ્દે કોઈ ઉગ્ર કાર્યવાહી નહીં કરાય તેવી ખાતરી આપી છે.
સરકારે વિવિધ મરાઠી ભાષા સંગઠનોને ડ્રાઈવરોને મરાઠી શીખવવા જણાવ્યું છે અને યુનિયને પણ આ બાબતે સહકારની ખાતરી આપી છે.
સરકાર સાથે બેઠક બાદ સાંજે કેશવ ગોર મેમોરિયલ ટ્રસ્ટ હોલ ખાતે યોજાયેલી યુનિયનની બેઠકમા આગામી ચોથી મેનું આંદોલન મોકૂફ રાખવા નિર્ણય લેવાયો હતો.
સ્ટેશનો બહાર રિક્ષાઓની સંખ્યા ઘટી
અસંખ્ય રિક્ષાચાલકો મુંબઈ છોડી વતન જતા રહ્યા
મેનાં પ્રથમ સપ્તાહ સુધી કેવી સ્થિતિ રહે છે તે જોયા પછી પાછા આવશે
સરકારે પહેલી મેથી ફરજિયાત મરાઠી કરવાનું માંડી વાળ્યું છે પરંતુ તે પહેલાં જ મુંબઈના અનેક રિક્ષાચાલકો પોતાની રિક્ષા સાથે જ વતન પરત જતા રહ્યા હોવાનું જાણવા મળે છે. તેના કારણે રેલવે સ્ટેશનો બહાર તથા અન્યત્ર રિક્ષાઓની સંખ્યા પણ ઘટી ગઈ છે.
કુર્લા વિસ્તારના કેટલાક રિક્ષાચાલકોએ જણાવ્યું હતું કે પહેલી મેથી ટ્રાફિક પોલીસ કે આરટીઓ કે અન્ય રાજકીય કાર્યકરો હેરાન કરશે તેવી દહેશત હોવાથી કોઈ અનિચ્છનીય સ્થિતિ ટાળવા માટે અસંખ્ય રિક્ષાચાલકો પોતાના વતન જતા રહ્યા છે. તેઓ હાલ થોડા દિવસો ત્યાં જ રિક્ષા ફેરવશે. મેનાં પ્રથમ સપ્તાહ સુધી ફરજિયાત મરાઠીના અમલ બાબતે કેવી સ્થિતિ પ્રવર્તે છે તેની માહિતી મેળવ્યા બાદ જ મુંબઈ પરત આવવાનો નિર્ણય કરશે. ચાલકોના જણાવ્યા અનુસાર તેમને ડર છે કે આ બહાને રાજકીય કાર્યકરો તથા પોલીસ તેમની પાસેથી બિનજરુરી પૈસા પડાવશે અને હેરાન કરશે.


