સરકારી પરિપત્રક જાહેર
નિયમનું ઉલ્લંઘન કરનાર શાળાને નોટિસ અને રુપિયા એક લાખ સુધીના દંડની
જોગવાઈ
મુંબઇ
- મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં એક સરકારી ઠરાવ (જીઆર) બહાર પાડયો છે,
જેમાં રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ ૧ થી ૧૦ સુધી મરાઠી ભાષા ફરજિયાત
રીતે ભણાવવી જરૃરી બનાવવામાં આવી છે. આ નિયમ તમામ બોર્ડ, માધ્યમ
અથવા સંચાલન હેઠળ હોય તે છતાં લાગુ પડશે. આ નિર્ણય મહારાષ્ટ્ર કોમ્પલ્સરી ટીચિંગ
એન્ડ લર્નિંગ ઓફ મરાઠી લેંગ્વેજ એક્ટ, ૨૦૨૦ હેઠળ અમલમાં
મૂકાયો છે, જેના દ્વારા મરાઠી ભાષાનું મહત્વ જાળવવાનો ઉદ્દેશ
છે.
આ નિયમનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે દંડની જોગવાઈ પણ
અમલમાં મૂકી છે. નિયમનું ઉલ્લંઘન કરતી શાળાઓને પહેલા નોટિસ આપવામાં આવશે અને
નિર્ધારિત સમયગાળામાં જવાબ આપવાનો રહેશે. જો શાળા સંતોષકારક જવાબ નહીં આપે, તો તેને
રુપિયા ૧ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. સતત ઉલ્લંઘન થાય તો શાળાની માન્યતા રદ
કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે, જે ગંભીર પગલું માનવામાં આવે
છે.
આ ઉપરાંત, દરેક શાળામાં પાત્ર મરાઠી શિક્ષકોની નિમણૂક ફરજિયાત
બનાવવામાં આવી છે અને નિયમના અમલીકરણ માટે મલ્ટી-લેવલ મોનિટરિંગ સિસ્ટમ ઉભી
કરવામાં આવી છે. વિભાગીય ઉપનિર્દેશક (શિક્ષણ) દ્વારા દેખરેખ રાખવામાં આવશે અને
સમયાંતરે તપાસ કરવામાં આવશે. આ પગલાં દ્વારા રાજ્યભરમાં મરાઠી ભાષાના પ્રચાર અને
પ્રસારને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.


