Mumbai

મરાઠા આંદોલનકારીઓને આજે આઝાદ મેદાન પર વધુ 1 દિવસની પરવાનગી

By GS TEAM
31 Aug 20252 mins read
મરાઠા આંદોલનકારીઓને આજે આઝાદ મેદાન પર વધુ 1 દિવસની પરવાનગી

દક્ષિણ મુંબઇનો વ્યવહાર ઠપ

મુંબઇગરાઓએ સતત ત્રીજા દિવસે હેરાનગતી વેઠવી પડશે

મુંબઈ -  મરાઠાને અનામત મળવું જ જોઇએ એવા આગ્રહ સાથે આઝાદ મેદાનમાં મરાઠા નેતા મનોજ જરાંગે છેડેલા આંદોલનને આવતીકાલે વધુ એક દિવસ પરવાનગી મળતા ત્રીજા દિવસે પણ મુંબઇગરાને બાનમાં રાખશે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બે દિવસમાં આ બીજી વખત મુંબઇ પોલીસને આંદોલનના આયોજકોને પરવાનગી આપવી પડી છે.

વહેલી સવારે આઝાદ મેદાન પોલીસને જરાંગેના આંદોલન સ્થળ આઝાદ મેદાનમાં બીજા દિવસ માટે મંજૂરી આપવા માટે અરજી મળી હતી. કારણ કે મેદાન પર આંદોલન કરવા માટે અંતિમ તારીખ આજે સાંજે ૬ વાગ્યા સુધીની હતી.

અરજી પર કાર્યવાહી કરતા આયોજકોને વધુ એક દિવસ જરાંગેનો વિરોધ પ્રદર્શન કરવા માટે આઝાદ  મેદાનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

દક્ષિણ મુંબઇમાં જરાંગેના હજારો મરાઠા સમર્થકો ઉમટી પડયા હોવાથી ખાસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની આસપાસનો તેમજ છેક મેટ્રો સિનેમા, ચર્ચગેટ, ફોર્ટ વિસ્તારનો ટ્રાફિક લગભગ ખોરવાઇ ગયો હતો.

આ કાર્યકર્તાઓ માંગણી કરી રહ્યા છે કે બધા મરાઠાઓને કુણબી તરીકે માન્યતા આપવામાં  આવે. જેનો સમાવેશ ઓબીસી કેટેગરીમાં થાય છે. આને લીધે તેઓ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત માટે પાત્ર બનશે.

જરાંગે પાટીલના આંદોલનના પગલે દક્ષિણ મુંબઇનો ટ્રાફિક ઠપ છે. લોકોના હાલ બેહાલ થાય છે. લોકોને ટેક્સી, કેબ સહિત પોતાના વાહનો મરીન ડ્રાઇવથી આગળ લાવી શકતા નથી.

મરાઠા કાર્યકર્તા રસ્તાઓ ઠેરો જમાવીને બેઠા છે. રસ્તા પર જમવાનું રાંઘવુ, જમવું, રસ્તા પર પથારી પાથરીને સૂઇ રહેવું આથી લોકોને  ભારે હાલાકી વેઠવી પડે છે. આવતીકાલે પણ આ  સમસ્યા યથાવત રહેશે.

હવે આવતીકાલે સરકાર મરાઠા આંદોલનકર્તા સામે શું પગલાં લે છે તેના પર વિપક્ષ અને જનતાની નજર છે.