Mumbai

મરાઠા આંદોલનથી સાઉથ મુંબઈમાં અંધાંધૂંધી

By GS TEAM
30 Aug 20253 mins read
મરાઠા આંદોલનથી સાઉથ મુંબઈમાં અંધાંધૂંધી

રસ્તા, બસો બંધ, સ્ટેશનો હાઉસફૂલ, લાખો નોકરિયાતો, વેપારીઓ  રઝળ્યા, સરકારે તમાશો જોયો 

સાયન પનવેલ હાઈવે ફ્રી વે બંધ કરવા પડયા, ઈસ્ટર્ન એક્સપ્રેસ વે, અટલ સેતુ, કોસ્ટલ રોડ પર વાહનોની કતારો

સામાન્ય મુંબઈગરાં માટે પોલીસે રસ્તા બંધ કર્યા,  બેસ્ટએ બસો બંધ કરી, રેલવેએ સ્ટેશન આવવા ન પાડીઃ સરકારી  વિભાગો આંદોલનકારીઓને શરણ

મુંબઇ -  મરાઠા સમુદાયને અનામતની માગણી સાથે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે આજથી ઉપવાસ આંદોલન શરુ કરવા આવેલા મરાઠા નેતા મનોજ જરાંગે સાથે તેમના હજારો કાર્યકરો સાઉથ મુંબઈમાં ઉમટી પડતાં આજે  સમગ્ર સાઉથ મુંબઈ જામ થઈ ગયું  હતું. પોલીસે મુંબઈગરાઓ માટે રસ્તા બંધ કર્યા હતા. બેસ્ટએ બસો  બંધ કરી હતી. સેન્ટ્રલ રેલવેએ લોકોને સીએસટી નહિ આવવા અપીલ કરી હતી. આમ, સરકારી વિભાગો અને એજન્સીઓ આંદોલનકારીઓને તાબે થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. સવારથી લાખો લોકો હેરાન થયા હતા પરંતુ સરકારે દિવસભર તમાશો જોયા કર્યો હતો. 

મહારાષ્ટ્રના દૂર દૂરના ગામોમાંથી વાહનો ભરીને આવેલા મરાઠા આંદોલનકારીઓની અવરજવર માટે સાયન પનવેલ હાઈવે તથા ઈસ્ટર્ન ફ્રી વે સવારથી જ અન્ય વાહનો માટે બંધ કરી દેવા  પડયા હતા. આ તમામ ટ્રાફિક ઈસ્ટર્ન એક્સપ્રેસ વે ઉપરાંત અટલ સેતુ તથા કોસ્ટલ રોડ તરફ વળ્યો હતો. બીજી તરફ બહારગામની અને લોકલ ટ્રેનોમાં પણ હજારો આંદોલનકારીઓ સીએસટી સ્ટેશને પહોંચ્યા હતા. સીએસટી અને બીએસટી હેડ ક્વાર્ટર વચ્ચેના વિશાળ ચોક, મંત્રાલય, નરિમન પોઈન્ટ, ફોર્ટ સહિતના સાઉથ મુંબઈના વિસ્તારોમાં હજારો આંદોલનકારીઓ એકઠા થતાં  રસ્તા બંધ કરવા પડયા હતા, બેસ્ટ બસો બંધ કરી દેવી પડી હતી. સેન્ટ્રલ રેલવેએ પ્રવાસીઓને સીએસટી સ્ટેશન નહિ આવવા અપીલ કરવી પડી હતી. સવારે સાઉથ મુંબઈની ઓફિસો તથા બજારોમાં નોકરી તથા કામધંધા માટે આવેલા લોકો આ ભીડમાં અટવાઈ પડયા હતા. મુંબઈની રફતારને જાણે કે બ્રેક વાગી ગઈ હતી. 

પનવેલ, અટલ સેતુ, વાશીપુલ, ફ્રી વે, ઇસ્ટર્ન એક્સપ્રેસ વે પર પીક અવર્સમાં ટ્રાફિક જામ થતા મુંબઇગરા પરેશાનઅટલ સેતુ પુલ, વાશી પુલ, ફ્રી વે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મરાઠા સમુદાયના આંદોલનકર્તાના ધાડે ધાડા ઉમટી પડયા હતા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. હજારોની સંખ્યામાં ભગવા ધ્વજ, ટોપીઓ અને સ્કાર્ફ લહેરાવીને સૂત્રોચાર કરતાં મરાઠા સમુદાયઓ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ નજીક આવેલા આઝાદ મેદાન પર ઉમટી પડયા હતા. વહેલી સવારથી જ ટ્રેનોમાં ભારે ભીડ એ રસ્તા પણ જામ થતાં તથા દાદરથી આગળ બસો બંધ કરી દેવાતાં  અન્ય લાખો મુંબઈગરા પરેશાન થઈ ગયા હતા. 

ટ્રાફિક વિભાગે શહેરના કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર માટે બંધ કરી દીધા હતા. જોકે જરાંગે એ તેમના સમર્થકોને મુંબઇના શિસ્ત જાળવવાની પણ અપીલ કરી હતી. તેમમે તેમને અસુવિધા ટાળવા નિયુક્ત સ્થળોએ તેમના વાહનો  પાર્ક કરવા અને બે કલાકમાં   રસ્તાઓ ખાલી કરવા કહ્યું હતું. આઝાદ મેદાન પહોંચ્યા પછી મનોજ જરાંગે બેમુદત ઉપવાસ શરૃ કરી દીધા હતા. જ્યાં સુધી શાસક મહાયુતિ ગઠબંધન અમારી માંગ સ્વીકારશે નહિં ત્યાં સુધી ભૂખ હડતાળ પાછી નહિં ખેંચાય એમ જરાંગેએ જણાવ્યું હતું.