Get The App

ધુરંધર ટુની રીલિઝમાં ટેકનિકલ છબરડાથી અનેક શો કેન્સલ

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
ધુરંધર ટુની રીલિઝમાં ટેકનિકલ છબરડાથી અનેક શો કેન્સલ 1 - image

દેશભરમાં થિયેટરો પર ધમાલ, આદિત્ય ધરે માફી માગી    

અનેક સ્થળે  શોમાં વિલંબઃ કેટલીય જગ્યાએ સમૂળગા કેન્સલ થતાં રિફંડ અપાયુું

મુંબઈ -  રણવીર સિંહની બહુ પ્રતિક્ષિત ફિલ્મ 'ધુરંધર ટુ'ના આજે યોજાયેલા  પેઈડ પ્રિવ્યૂ દરમિયાન ટેકનિકલ છબરડો થતાં અનેક થિયેટરો સુધી ફિલ્મનું કન્ટેન્ટ પહોંચ્યુું જ ન હતું. આથી મુંબઈ, દિલ્હી સહિત કેટલાંય સ્થળોએ શો શરુ થવામાં ભારે વિલંબ થયો હતો. કેટલાંય થિયેટરો પર તો શો સમૂળગા  કેન્સલ કરવા પડયા હતા. 

નિર્માતા આદિત્ય ધરે  ટેકનિકલ ખામીની વાત સ્વીકારી હતી અને લોકોની જાહેર માફી માગી હતી. 

સંખ્યાબંધ લોકોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું  કે તેઓ શો ના સમયે થિયેટર પર પહોંચ્યા ત્યારે થિયેટર મેનેજમેન્ટએ ફિલ્મ હજુ મળી નથી તેમ જણાવી શોમાં વિલંબ થશે તેમ કહ્યું હતું. કેટલાંક સ્થળે આશરે પોણા કલાકથી એક કલાક તો ક્યાંક બે કલાકના વિલંબ બાદ શો શરુ કરાયા હતા. જોકે, તે દરમિયાન આ વિલંબથી ઉશ્કેરાયેલા લોકો થિયેટરના સ્ટાફ સાથે બોલાચાલી પર ઉતરી આવ્યા હતા. કેટલાંક થિયેટર  સંચાલકોઓ તો સાંજના શો રદ કરવાનો જ નિર્ણય લઈ લીધો હતો. કેટલાય લોકોએ જણાવ્યુું હતું કે ફિલ્મ આમ પણ ચાર કલાક લાંબી છે આથી તેઓ એ રીતે દિવસભરનું આયોજન કરીને આવ્યા હતા. પરંતુ, શો મોડા  શરુ થતાં કે રદ થતાં તેમનો દિવસ વેડફાયો છે. 

સૌથી વધારે અંધાધૂંધી સાઉથમાં થઈ હતી. અહીં  તમિલ અને તેલુગુ ભાષામાં ડબ થયેલુું વર્ઝન દર્શાવવામાં આવનાર હતી. પરંતુ, કહે છે કે ડબિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી. આથી, સાઉથના મોટાભાગનાં શહેરોમાં શો કેન્સલ રહ્યા હતા. કેટલાંક સ્થળે થિયેટર સંચાલકોએ લોકોને સબટાઈટલ્સ સાથે હિન્દી વર્ઝન જોવા સમજાવ્યા હતા પરંતુ લોકોએ તેનો ઈન્કાર કર્યો હતો. 

ફિલ્મના સર્જક આદિત્ય ધરે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી દર્શકોની માફી માગી હતી. તેણે જોકે દાવો કર્યો હતો કે મોટાભાગનાં સ્થળે  હિન્દી શો શરુ કરવામાં કોઈ ખાસ મુશ્કેલી પડી  નથી. પરંતુ, દિલ્હી, મુંબઈ સહિતના કેટલાંય સ્થળોના દર્શકોએ સોશિયલ મીડિયા પર  લખ્યું હતું કે તેમના શો સમયસર શરુ થયા નથી. મુંબઈના બાંદરા ખાતેના એક થિયેટરમાં સ્ટાફ લોકોને સાંજના શો ને બદલે  મોડી રાતના શો જોવા આવવા વિનંતી કરતો જોવા મળ્યો હતો.