Mumbai

ચૂંટણીને વાંકે અનેક મરાઠી, ગુજરાતી નાટકના શો રદ્દ કરવા પડશે

By GS TEAM
26 Dec 20252 mins read
ચૂંટણીને વાંકે અનેક મરાઠી, ગુજરાતી નાટકના શો રદ્દ કરવા પડશે

ઈલેક્શન સ્ટાફ ટ્રેનિંગ માટે નાટયગૃહોનો ઉપયોગ કરાશે

થિએટર નિર્માતાઓને ૪૦ થી ૫૦ લાખના નુકશાનનો દાવો; અમારી પાસે અન્ય શ્રેષ્ઠ વિકલ્પ નથી ઃ ચૂંટણી અધિકારી

મુંબઇ -  મુંબઈ, થાણે, કલ્યાણ, નવી મુંબઈ અને પુણેમાં અનેક થિએટરો આગામી થોડા દિવસો સુધી પાલિકાની ચૂંટણીની તૈયારીઓ અને સ્ટાફ ટ્રેનિંગ માટે આરક્ષિત રહેશે. જેને કારણે વર્ષના અંતની સિઝન માટે મોટી સંખ્યામાં નિર્ધારિત મરાઠી, ગુજરાતી નાટકો રદ્દ કરવામાં આવશે. થિએટર નિર્માતાઓનો અંદાજ છે કે, ૨૦ થી વધુ શો રદ્દ થશે, જેના પરિણામે ૪૦થી ૫૦ લાખ રુપિયાનું નુકશાન થશે. 

૧૫  જાન્યુઆરીએ યોજાનારી પાલિકા ચૂંટણીની તૈયારીઓએ વેગ પકડયો છે. આ પ્રક્રિયાના ભાગરુપે બોરીવલીમાં પ્રબોધનકર ઠાકરે નાટયમંદિર, પાર્લે પૂર્વમાં દીનાનાથ મંગેશકર નાટયગૃહ અને મુલુન્ડ સ્થિ કાલિદાસ સભાગૃહ સહિત શહેરના અન્ય મુખ્ય પાલિકા સંચાલિત થિએટરોમાં ચૂંટણી તાલીમ કાર્યક્રમો યોજાશે. આ નાટયગૃહો એવા છે જ્યાં વ્યાપકપણે પ્રથમ નંબરે મરાઠી અને ત્યારબાદ ગુજરાતી નાટયપ્રયોગો તથા અન્ય કાર્યક્રમો થતાં હોય છે.

સમયપત્રક મુબજ, ૨૯ થી ૩૧ ડિસેમ્બર તથા બીજી જાન્યુઆરી તથા પાંચમીથી આઠમી જાન્યુઆરીના રોજ સવારે ૧૦ થી સાંજે પાંચ વાગ્યા સુધી દિવસભર અનેક સ્લોટમાં ઈલેક્શન સ્ટાફ ટ્રેનિંગ યોજાશે. પરિણામે આ દિવસે આયોજિત રિહર્સલ અને અન્ય કાર્યક્રમો રદ્દ કરાયા છે. થાણે, નવી મુંબઈ અને પુણે સ્થિત થિએટરોમાં પણ આવી જ વ્યવસ્થા કરાઈ છે. 

થિએટર મેનેજમેન્ટ પાસે નાટયની તારીખો પાછી ખેંચવાનો અધિકાર છે. તેમ છતાં પાલિકાએ પહેલાં અન્ય વિકલ્પોનો પણ વિચાર કરવો જોઈએ. કારણ નાટયના શો એકથી બે મહિના પહેલાં બૂક થઈ જતાં હોય છે અને ટિકીટોનું વેચાણ પણ ૧૫ દિવસ પહેલાં શરુ કરી દેવાતું હોય છે. તેમાંય કેટલાંક શો હાઉસફૂલ જતાં હોય ત્યારે આમ અચાનક શો રદ્દ કરવાથી થિએટર સંચાલકો, ટેક્નિકલ સ્ટાફ, કલાકારો, નિર્માતાઓ બધાને નુકશાન વેઠવું પડે છે અને પ્રેક્ષકોને પણ સમજાવીને પૈસાં પરત કરવા પડે છે તથા નારાજગી વહોરી લેવી પડતી હોય છે.

જોકે આ બાબતે ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલીવાર ટ્રેનિંગ માટે નાટયગૃહોનો ઉપયોગ થઈ રહ્યો હોય તેવું નથી. આ પૂર્વે પણ આમ થયું જ છે. અમારે એક સાથે ૫૦૦ લોકોને સમાવવાના હોય ત્યારે થિએટર એજ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ અમારી સામે હોય છે.