સંખ્યાબંધ કારખાનાંઓએ ઉત્પાદન ઘટાડયું
ફેક્ટરીઓ બંધ પડતાં કે કામ ઘટતાં તથા તે ઉપરાંત રસોઈ અને ભોજનના વિકલ્પો ઘટતાં મોટી સંખ્યામાં કામદારો વતન જતા રહ્યા
મુંબઇ - ગેસની અછતના કારણે કલ્યાણ-ડોમ્બિવલી તથા અંબરનાથ સહિત મુંબઈ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં અને કારખાનાં બંધ પડયાં છે અથવા તો ઉત્પાદન ઘટાડી દેવાયું છે. તેના કારણે આ ફેક્ટરીઓમાં કામ કરનારા કામદારો મોટી સંખ્યામાં તેમના વતન પરત જતા રહ્યા છે.
ઔદ્યોગિક એકમોમાં એલપીજી/ પીએનજી જથ્થો જરૃરતથી અડધો મળી રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદન ઘટવા પાછળ આ પણ એક કારણ છે. કેટલાક મોટા એકમો પોતાના સ્ટાફ માટે કેન્ટીનનું સંચાલન કરતા હોય છે પણ તેમને પણ એલપીજી પુરવઠો મળી રહ્યો ન હોવાથી બંધ કરવાનો વખત આવ્યો છે.
કલ્યાણ- અંબરનાથ ઔદ્યોગિક વિસ્તારમાં ૫૦૦૦ મેન્યુફેક્ચરીંગ યુનિટસ છે જેમાં ૨,૦૦,૦૦૦ પર પ્રાંતીય કામદારો કામ કરે છે. અંબરનાથ એમઆઇડીસીમાં ૧૮૦૦ જેટલા યુનિટસ છે જેમાંથી ૭૦ ટકા એન્જિનિયરિંગ અને ૩૦ ટકા કેમિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટસ છે. વેલ્ડિંગ, કટિંગ, મેલ્ટિંગ વિગેરે કામ માટે એલપીજી/ પીએનજી ગેસ પુરવઠાની જરૃર પડે છે જેની અછત ચાલી રહી છે.
કલ્યાણ ડોમ્બિવલી અને અંબરનાથ એમઆઇડીસી વિસ્તારમાંથી ત્રણ લાખ જેટલા કામદારો પોતાના વતન ચાલ્યા ગયા છે. એલપીજીની શોર્ટેજના કારણે કેટલાક રેસ્ટોરાં સંચાલકોએ પણ પોતાના કામદારોને વતન રવાના કરી દીધા છે. જે કામદારો હજુ અહીં રહી ગયા છે તેમને લાકડાના અથવા કોલસાના ચૂલા પર રસોઇ કરવી પડે છે. જેમાં વધુ સમય જાય છે. કોલસાના ભાવ બમણાં થઇ ગયા હોવાથી તેમને રાંધવું પરવડતું પણ નથી. પંદર દિવસથી કામદારો લાકડા પર રસોઇ કરવામાં સમય બગાડી રહ્યા છે અને હવે થાકી ગયા છે. દસ કલાક કામ કર્યા પછી ઘરે આવીને રાંધવામાં વધુ પ્રયત્નો લાગે છે અને ખર્ચાળ પણ નીવડે છે.
એક નિષ્ણાતે કહ્યું કે સુરતમાં ઉદ્યોગપતિઓ કામદારો માટે કમ્યુનિટી કીચન્સ (જાહેર રસોડાં) ચાલુ કર્યા છે. જે કામદારોને રોકવાનો ઉમદા પ્રયાસ છે. સુરતના અન્ય મિલમાલિકોએ પણ કામદારોને ટિફિન પહોંચાડી રહ્યા છે. પ્રોડક્શન ધમધમતુ રાખવા કન્ટીગ્સ પ્રોસેસ ઉદ્યોગોએ આવા પ્રયાસો કરવા પડે છે જે નાના, મધ્યમ કદના ઉદ્યોગો માટે સંભવ નથી.


