90 વર્ષીય પિતાની ધૂ્રજતા હાથે પુત્રને અંતિમ વિદાય આપતાં અનેક આંખો સજળ બની
કેપ્ટન સુમિત સભરવાલના અંતિમ સંસ્કાર વખતે ભારેખમ વાતાવરણ
મે ડેનો કોલ આપનારા સુમિત સભરવાલના અંતિમ સંસ્કારમાં પાયલોટ્સ, ક્રૂ મેમ્બર્સ, અગ્રણીઓ ઉમટયા
મુંબઇ - અમદાવાદમાં ગયા અઠવાડિયે ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના પાયલટ ઇન કમાન્ડ કેપ્ટન સુમિત સભરવાલના અંતિમ સંસ્કાર આજે મુંબઇમાં કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સંબંધીઓ, સ્થાનિક રહેવાસીઓ, મિત્રો તેમને શ્રદ્ધાંજલી આપવા માટે ઉમટી પડયા હતા. વિમાન દુર્ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી તેમના મૃતદેહ અમદાવાદથી મુંબઇ લાવવામાં આવ્યા હતા. સુમિત સભરવાલના ૯૦ વર્ષીય પિતા પુષ્કરાજે ધૂ્રજતા હાથે અને સજળ આંખે પુત્રને અંતિમ વિદાય આપી ત્યારે ઉપસ્થિત અનેક લોકોની આંખો પણ ભીની થઈ હતી.
૫૬ વર્ષીય સુમિત સંભરવાલના અંતિમ સંસ્કાર પરિવારના સભ્યોની હાજરીમાં અંધેરી નજીક ચલાકા સ્થિત ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.
સભરવાલના અવશેષો સાથેના કાસ્કેટ એક ફ્લાઇટ દ્વારા વહેલી સવારે મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા તેની પવઇ વિસ્તારમાં જલવાયુ વિહારના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો.આ સમયે વાતાવરણ ભારે ગમગીન અને ભારેખમ બની ગયું હતું.
સભરવાલના ઘણા મિત્રો, સંબંધીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ શ્રદ્ધાંજલી આપવા માટે તેમના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા. ઉદ્યોગપતિ નિરંજન હિરાનંદાની અને સ્થાનિક ધારાસભ્ય દિલીપ લાંડે સભરવાલ સહિતના આગેવાનો સુમિત સભરવાલના નિવાસસ્થાને અંજલિ આપવા પહોંચ્યા હતા. આ સમયે સ્વર્ગસ્થ પાયલટના ૯૦ વર્ષીય વૃદ્ધ પિતા પુષ્કરાજ સભરવાલ ભાંગી પડયા હતા તેમણે હાથ જોડીને રડતી આંખે અને ગમગીન ચહેરે પુત્રને અંતિમ અંજલિ આપી હતી ત્યારે તેમના પરિવારજનોએ તેમને માંડ માંડ સાચવ્યા હતા.
ત્યારબાદ પાયલટના પાર્થિવ દેહ લઇને શબવાહિની ચકાલા ખાતેના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ માટે રવાના થઇ હતી. અંતિમવિધિમાં સભરવાલ સાથે કામ કરનારા એર ઈન્ડિયાના પાયલોટ્સ તથા ક્રૂ મેમ્બર્સ, પરિવારજનો, મિત્રો સહિતના લોકો જોડાયા હતા. સવારે ૧૧ વાગ્યાની આસપાસ અંતિમ વિધિ સંપન્ન થઈ હતી.
૨૪૨ પ્રવાસી અને ક્રૂ મેમ્બરને લઇને લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઇ- ૧૭૧ ગત ૧૨ જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થઇ ગઇ હતી. વિમાનમાં એક પ્રવાસી સિવાય દરેક વ્યક્તિના મોત થયા હતા. આ ઉપરાંત બહાર ૨૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
પનેવલમાં મૈથિલી પાટિલની અંતિમ યાત્રામાં રાધે રાધેના નાદ વચ્ચે અશ્રુ વહ્યાં
એર ઇન્ડિયાની ક્રૂ મેમ્બર મૈથિલી પાટીલના મૃતદેહને પનવેલના નિવાસસ્થાને લાવવાંમાં આવ્યો હતો. આજે શોકમય વાતાવરણમાં તેની અંતિમ વિધિ કરાઇ હતી. આ સમયે પરિવારના રાધે...રાધે... હરે કૃષ્ણા, હરે કૃષ્ણા હરે હરેના પોકારોથી લોકોની આંખોમાં આંસુ ધસી આવ્યાં હતાં.
ડીએનએ મેચિંગ દ્વારા તેના મૃતદેહની ઓળખ કર્યા પછી શરીરના અવશેષો અમદાવાદમાં તેના સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા. અને મંગળવારે સવારે વિમાન દ્વારા મુંબઇ લાવવામાં આવ્યા હતા. તેઓ આજે સવારે ૭ વાગ્યે મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાંથી પનવેલમાં ન્હાવા ગામમાં તેમના ઘરે ગયા હતા. મૈથિલીના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મૈથિલીની વિદાય આપવા માટે તેની શાળાના સિક્ષકો, અને વિદ્યાર્થીઓ પણ હાજર હતા. ત્યારે દરેક વ્યક્તિની આંખોમાં આસું હતા. તે છેલ્લા બે વર્ષથી એર ઇન્ડિયામાં ક્રૂ મેમ્બર તરીકે કામ કરી રહી હતી.
મુલુંડની કેબિન સુપરવાઇઝર શ્રદ્ધા ધવનને દીકરીએ આખરી વિદાય આપી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૧૭
દુર્ભાગ્યપૂર્ણ એર ઇન્ડિયા ફલાઇટના કેબન સુપરવાઇઝર શ્રદ્ધા ધવનના પાર્થિવ શરીરની તેમના મુલુંડમાં ઘરે લાવવામાં આવ્યું હતું. મુલુંડમાં નિષાદ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ અને એર ઇન્ડિયાના ઘણા વરિષ્ઠ સેવારત અને નિવૃત્ત અધિકારીઓ પરિવારને ટેકો આપવા માટે આવ્યા હતા. પછી અંતિમ સંસ્કારે કરવાનો નિર્ણય લીધો હતો.
શ્રદ્ધાના પિતા માધવ ધવને શબપેટીને આ કેબિન સુપરવાઇઝરે ખરીદેલા ફલેટમાં લઇ જવાનો આગ્રહ કર્યો ત્યારે વાતાવરણ શોકમય બની ગયુ ંહતું.
૪૦ વર્ષીય શ્રદ્ધાની ૧૫ વર્ષીય પુત્રી સૂન્ન થઇ ગઇ હતી. તેણે માત્ર એક માતા જ નહીં પરંતુ એક મિત્ર પણ ગુમાવી હતી. જે હંમેશા તેના જીવનમાં તેની પડખે ઉભી રહી હતી.
ઘરે ધાર્મિક વિધિઓ કર્યા પછી શ્રદ્ધાના નશ્વર શરીરને નજીકના સ્મશાનમાં લઇ જવામાં આવ્યું અને અંતિમ સંસ્કાર કરાયા હતા. શ્રદ્ધાના પતિ સાથે પુત્રીએ અંતિમ વિધિ કરી હતી. ત્યારે લોકો પોતાના આસું રોકી શક્યા નહીં.