Get The App

નવી મુંબઈ ફળબજારમાં કેરીની આવક 56 હજાર ટન ઘટી

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
નવી મુંબઈ ફળબજારમાં કેરીની આવક 56 હજાર ટન ઘટી 1 - image

પ્રતિકૂળ હવામાનનો જોરદાર ફટકો

અત્યારે કચ્છની કેસર તેમજ આંધ્ર અને કર્ણાટકની આફૂસ કેરી આવી રહી છે

મુંબઈપ્રતિકુળ હવામાનને લીધે આ વખતે કાંેકણ સહિત દેશભરમાં કેરીના ઉત્પાદનને જોરદાર ફટકો પડયો હતો. પરિણામે નવી મુંબઈની જથ્થાબંધ ફળ બજારમાં આ વખતે ગયા વર્ષની સરખામણીએ કેરીની આવકમાં ૫૬ હજાર ટનનો ધરખમ ઘટાડો થયો હતો. ગયા વર્ષે આ સમયગાળામાં ૧.૪ લાખ ટનથી વધુ કેરીની આવક થઈ હતી.

અત્યારે કેરીની સિઝન લગભગ પૂરી થવા આવી છે. કોંકણની રત્નાગિરી અને સિંધુદુર્ગની આફૂસ કેરી આવતી બંધ થઈ ગઈ છે. આવી જ રીતે ગુજરાતની કેસર કેરીની સિઝન પૂરી થવાની આરે છે. અત્યારે જુન્નરની શિવનેરી આફૂસ, કચ્છની કેસર અને આંધ્ર- કર્ણાટકની આફૂસ કેરી આવી રહી છે. આવી જ રીતે ઉત્તર પ્રદેશથી દશહરી કેરી આવી રહી છે. નવી મુંબઈ માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે દક્ષિણના રાજ્યોમાંથી કેરીની આવક દસ- બાર દિવસમાં પૂરી થઈ જશે.

નવી મુંબઈની માર્કેટમાં છેલ્લાં ચાર મહિના દરમ્યાન માત્ર ૪૬ ટકા કેરીની આવક થઈ હતી. પરિણામે ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકો ત્રણેય ઘટકોએ સહન કરવું પડયું હતું.

એ.પી.એમ.સી.માં વ્યાપારી પ્રતિનિધિ સંજય પાનસરેએ જણાવ્યું હતું કે મુંબઈ બજાર સમિતીમાં કોંકણી આફૂસ કેરીની સિઝન પૂરી થઈ છે. પ્રતિકુળ હવામાને કેરીની સિઝન પર માઠી અસર કરી હતી.