સર્વત્ર ધોધમાર વરસાદ સાથે આખરે ચોમાસાની મુંબઈમાં દમામભેર એન્ટ્રી

આજથી
ચાર દિવસ મુંબઈ, થાણે, નવી મુંબઈ, વિરારમાં
ભારે વરસાદની આગાહી
સીઝનમાં
પહેલીવાર મુંબઈમાં ચોમાસાનો અસલી મિજાજ જોવા મળતાં મુંબઈગરાં રાજી રાજી ઃ રાજ્યના
૬૦ ટકા વિસ્તારો આવરી લીધા
મુંબઇ -
હવામાન વિભાગે એવી
સત્તાવાર જાહેરાત કરી છે કે આજે ૨૦૨૬ની ૨૩, જૂને
નૈઋત્યની વર્ષા ઋતુનું ભીનું ભીનું આગમન
મુંબઇમાં થઇ ગયું છે. છેલ્લા ત્રણેક દિવસથી મુંબઇમાં પ્રિ -મોન્સુ
શાવર્સનો માહોલ સર્જાયો હતો. સાથોસાથ તમામ કુદરતી પરિબળો પણ સાનુકુળ બની
રહ્યાં હોવાથી ચોમાસાનું મુંબઇ આગમન
થયું છે.
સાથોસાથ
મહારાષ્ટ્રના વિદર્ભના વર્ધામાં પણ ચોમાસાનું આગમન થયું છે. આજે
મેઘરાજાની સવારી મહારાષ્ટ્રના ૬૦ ટકા કરતાં પણ વધુ વિસ્તારમાં ફરી વળી છે. હાલ નૈઋત્યના ચોમાસાની ઉત્તર રેખા દહાણુ, વર્ધા, રાયપુર, દલ્તોનગંજ, મોતીહારી પરથી
પસાર થઇ રહી છે. હાલ તમામ કુદરતી પરિબળો ભરપૂર
સાનુકુળ હોવાથી મેઘરાજાની સવારી અરબી સમુદ્રના ઉત્તર હિસ્સામાં વધુ આગળ વધીને ગુજરાત
સહિત મહારાષ્ટ્રના વધુ વિસ્તારો, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ,ઝારખંડ, બિહારના કેટલાક
વિસ્તારોમાં પણ આગળ વધે તેવી શક્યતા છે.
આજે
વહેલી સવારે મુંબઇનાં પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંનું ગગન ભીનું થયું હતું. આકાશ
વરસાદી વાદળોથી જબરું ગોરંભાયું છે.
વરસાદી માહોલથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને ઉકળાટથી
મુંબઇગરાં એમ કહો કે હેરાનપરેશાન થઇ ગયાં હતાં. આવા ભારે અકળામણના સંજોગોમાં મુંબઇઆખું ચોમાસાની ચાતક નજરે રાહ જોઇ રહ્યું
હતું. આજે ૧૭ દિવસ બાદ મુંબઇનું ગગન ખરેખર ભીનું થયું
હોવાથી મુંબઇગરાંનાં મનમાં એમ કહો કે હરખની હેલી ચડી છે. આજે સવારે શહેરની ઘણી
હાઉસિંગ સોસાયટીઓમાં બાળકો અને મોટેરાં સુદ્ધાં વરસાદી આનંદ માણવા રસ્તા પર નીકળી
પડયાં હતાં. સહુના ચહેરા પર આનંદ
છલકાતો હતો.એકબીજાંને વરસાદની વધાઇ આપતા
જોવા મળ્યાં હતાં.
ગઇકાલે
૨૨, જૂને કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૬ અને લઘુત્તમ
તાપમાન ૨૫.૮ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન
૩૪.૬ અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન
વિભાગ( મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર
જનરલ બીક્રમ સિંહે ગુજરાત સમાચારને
એવી માહિતી આપી છે કે હાલ ચોમાસાનાં તમામ
કુદરતી પરિબળો ભરપૂર સક્રિય પણ છે અને સાનુકુળ પણ છે. હાલ નૈઋત્યના ભરપૂર ભેજવાળા
પવનો વાતાવરણના પટ્ટાના ૧.૫ કિલોમીટરના અંતરે અતિ ઘટ્ટ બન્યા છે. સાથોસાથ, વાતાવરણના નીચેના પટ્ટામાં જેટ સ્ટ્રીમ( જેટ સ્ટ્રીમ એટલે
વાતાવરણના ઉપરના પટ્ટામાં સાંકડા હિસ્સામાં વહેતો હવાનો પ્રવાહ. હવાનો આ પ્રવાહ ૨૦૦થી ૪૦૦ કિલોમીટરની ભારે તોફાની ગતિએ પૂર્વથી પશ્ચિમ દિશા ભણી વહે છે. જાણે
હવાની તોફાની નદી વહેતી હોય તેવું દ્રશ્ય સર્જાય) આ જેટ સ્ટ્રીમ સોમાલિયાના
સમુદ્રના ઉત્તર હિસ્સામાંથી પસાર થઇ રહ્યો છે.
ઉપરાંત,
હાલ વરસાદી વાદળો બનવાની કુદરતી પ્રક્રિયા સાનુકુળ થઇ છે. સાથોસાથ
બંગાળના ઉપસાગરના ઉત્તર અને મધ્ય હિસ્સા ઉપર ૪.૫ થી ૫.૮ કિ.મી. ના અંતરે અપર એર
સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર છે.એટલે કે આ પરિબળથી બંગાળના અખાતમાંથી ભેજનો વિપુલ જથ્થો પશ્ચિમ
ભારત તરફ આવશે.
આ
તમામ સાનુકુળ કુદરતી પરિબળોની સાનુકુળ અને
તીવ્ર અસરથી આવતા ચાર દિવસ(૨૪થી ૨૭, જૂન) દરમિયાન કોંકણની
આખી સમુદ્રપટ્ટી પરનાં મુંબઇ,થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાાં રસતરબોળ વરસાદ વરસશે.
આવતીકાલે
૨૪, જૂને
મુંબઇમાં મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન( ૩૦-૪૦ કિ.મી.) સાથે ભારે વર્ષા થવાની
શક્યતા છે.જ્યારે ૨૫થી ૨૭, જૂન દરમિયાન મુંબઇમાં મધ્યમ વર્ષા થશે. જોકે આ જ દિવસ
દરમિયાન થાણે અને પાલઘરમાં મધ્યમ, જ્યારે રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વર્ષા(યલો -- ઓરેન્જ એલર્ટ)
થવાની સંભાવના છે.
મધ્ય મહારાષ્ટ્રના પુણે,સાતરા, સાંગલી,કોલ્હાપુર, સોલાપુરમાં
પણ ગાજવીજ અને તીવ્ર પવન સાથે રસતરબોળ
વરસાદની આગાહી છે.જ્યારે મરાઠવાડામાં પણ સંતોષજનક વર્ષા થવાની સંભાવના છે. જોકે વિદર્ભમાં મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ્ર પવન સાથે હળવો વરસાદી માહોલ
સર્જાય તેવાં એંધાણ છે.









