ક્રિતી સેનનની બિલ્ડિંગમાં શખ્સ દ્વારા લિફ્ટને નુકસાન, અશ્લીલ ચેનચાળા
આ જ બિલ્ડિંગમાં જાવેદ જાફરી, કે.એલ રાહુલનું પણ ઘર
કારમાં આવેલો શખ્સ માનસિક અસ્થિર હોવાનો પણ દાવોઃ ૧૯મી જૂનની ઘટના પરથી હવે પડદો ઊંચકાયો
મુંબઈ - સૈફ અલી ખાન પર હુમલા બાદ બોલીવૂડ સેલિબ્રિટીની નિવાસસ્થાનમાં ઘૂસી જવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. બાંદરાના પાલીહિલ ખાતે અભિનેત્રી ક્રિતી સેનનની હાઇ સિક્યુરિટી ધરાવતી બિલ્ડિંગમાં એક શખસ ઘૂસી ગયો હતો. તેણે લિફ્ટને નુકસાન પહોંચાડયું અને કેમેરા સામે અશ્લીલ ચેનચાળા કર્યા હતા.
ખાર પોલીસે આ મામલામાં કેસ નોંધ્યો હતો. એક દાવો એવો છે કે આ શખ્સ માનસિક રીતે અસ્થિર હતો અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બનાવને લીધે બોલીવૂડ અભિનેતા-અભિનેત્રીની સુરક્ષાને લઇને ફરી સવાલ ઉભો થયો છે.બાંદરાના પાલી હિલ સ્થિત સંધુ પેલેસમાં ક્રિતી સંનન, જાવેદ જાફરી અને કે એલ રાહુલ સહિતના સેલિબ્રિટીઓ રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ૧૯મી જૂનની છે પરંતુ હવે તે પ્રકાશમાં આવી છે. રાતે એક વાગ્યાની આસપાસઅભિનેત્રીની બિલ્ડિગમાં પહેલા ગેટમાં પીળી કારમાં એક અજાણી વ્યક્તિએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. તેણે બિલ્ડિંગના ૧૭માં માળે આવેલા ફલેટમાં જવાનો દાવો કર્યો હતો. તેને બેઝમેન્ટ-૨માં કાર પાર્ક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તેણે કાર બેઝમેન્ટ-૧માં છોડી દીધી હતી.
સુરક્ષા કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ વ્યક્તિએ પછી તેની કારની ચાવી ગાર્ડને આપી અને કહ્યું કે તે વૉશરૃમમાં જઇ રહ્યો છે. તેણે પાછા ફર્યા પછી જણાવ્યું કે તે ૧૪માં માળે જઇ રહ્યો છે.
ગાર્ડે ઇન્ટરકોપ દ્વારા ફલેટમાં રહેવાસીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને કોઇ જવાબ મળ્યો નહતો.
આ સખસે અચાનક દાવો કર્યો કે તે ૧૭માં માળે જઇ રહ્યો છે. આમ તે વારંવાર પોતાને કયા ફલોર પર જવાનું છે તે અંગેનું નિવેદન બદલી રહ્યો હોવાથી સિક્યુરિટી ગાર્ડને શંકા ગઇ હતી. તેણે અન્ય ગાર્ડને બોલાવ્યો હતો અને બંનેએ આ શખ્સને બિલ્ડિંગમાંથી હાંકી કાઢયો હતો.
બીજા દિવસે સવારે બિલ્ડિંગની લિફ્ટ કામ કરતી ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી સીસીટીવી ફુટેજની તપાસણી કરવામાં આવી હતી.
દરમિયાન જાણવા મળ્યું કે તે શખસે લિફ્ટ કેબિનની અંદર મોટા પથ્થરો મૂક્યા હતા. તેમજ તેણે સિક્યુરિટી કેમેરા તરફ અયોગ્ય હાવભાવ કર્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કારના નંબરથી તે શખસની ઓળખ કરી હતી.
પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કદાચ તે શખસની માનસિક સ્થિતિ સારી નહોતી. હાલમા તે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો.
ખાર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૪(૨), ૩૨૪ (૪), હેઠળ કેસ નોંધી વધુ તપાસ આદરી હતી.
અગાઉ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસણખોરી કરી અભિનેતા પર હુમલો કરવામાં આવ્યો હતો જેના લીધે સૈફને ગંભીર ઇજા થઇ હતી, આ સિવાય સલમાન ખાનના નિવાસસ્થાન પર પણ ગોળીબાર કરાયો હતો. આ બનાવ બાદ ફરી બોલીવૂડ સેલિબ્રિટીઓની બિલ્ડિંગમાં સિક્યુરિટી બાબતે પોલમપોલ ઉજાગર થઈ છે.