પીડિતાએ બૂમાબૂમ ન કરી હોવાથી સંમતિ હોવાની દલીલ ફગાવાઈ
પ્રેમી સાથે લોજમાં ગયેલી યુવતીને બ્લેકમેઈલ કરીને અન્ય લોજમાં લઈ જઈ દુષ્કૃત્ય કર્યું
મુંબઈ - નવી મુંબઈની કોર્ટે ૨૦૧૬માં પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને મહિલા પર બળાત્કાર કરવાના કેસમાં ૪૪ વર્ષીય સિક્યોરિટી ગાર્ડને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
બેલાપુર કોર્ટે એડિશનલ સેશન્સ જજ પરાગ સાનેએ આરોપી સાગર ધુલપને કસૂરવારઠેરવીને દસ વર્ષની કેદ અને પોલીસ તરીકેની ખોટી અઓળગ આપવા બદલ બે વર્ષ અને ખંડણી માટે ત્રણ વર્ષની કેદ સંભળાવી હતી. તમામ સજા એક સાથે ભોગવવાની રહેશે અને ૧૫૦૦નો દંડ ફટકાર્યો છે.
૧૩ ફેબુ્રઆરી ૨૦૧૬ના રોજ પીડિતા અને તેનો મિત્ર કુર્લાની લોજમાં ગયા હતા જ્યાં આરોપીએ પોલીસ હોવાનું જણાવીને તેમને આંતર્યા હતા.આરોપીએ પીડિતાની માતાપિતાને જાણ કરવાની ધમકી આપી હતી. પીડિતા ૨૨ વર્ષની હતી અને તેની પાસે ૩૦ હજાર માગ્યા હતા. આરોપી તેને બળજબરી તુર્ભેની લોજમાં લઈ ગયો અને બળાત્કાર કર્યો હતો. મહિલાએ જાહેર સ્થળે મદદ માટે બૂમો નહીં પાડતાં તેની સંમતિ હોવાની દલીલ કોર્ટે ફગાવી હતી.
ફરિયાદીની વય અને કેસની વિગતને ધ્યાનમાં લેતાં બચાવપક્ષની દલીલ કેસને રદ કરવા પુરતી નથી કેમ કે આરોપીએ પોતાને પોલીસ ઓળખાવ્યો હતો આથી પીડિતાએ બૂમો પાડી નહોતી, એમ કોર્ટે નોંધ કરી હતી.


