Get The App

મુલુંડમાં પત્નીને આત્મહત્યા માટે પ્રવૃત કરવાના આરોપસર પતિ સામે ગુનો નોંધાયો

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
મુલુંડમાં પત્નીને આત્મહત્યા માટે પ્રવૃત કરવાના આરોપસર પતિ સામે ગુનો નોંધાયો 1 - image

પતિએ જ હત્યા કરી હોવાનો પિયરપક્ષનો આરોપ

લગ્નેતર સંબંધના કારણે આત્મહત્યા કરી હોવાની પત્નીએ સ્યુસાઈડ નોટ લખી હોવાનો પતિનો દાવો પણ પિયરપક્ષે ફગાવ્યો

મુંબઇ: મુલુંડ  પોલીસે પત્નીને આત્મહત્યા માટે પ્રવૃત કરવાના આરોપસર એક ૪૦ વર્ષીય પુરુષ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃત મહિલાના પરિવારે આરોપ કર્યો હતો કે તેના પતિએ તેની હત્યા કરી અને પોતે બનાવટી સુસાઇડ નોટ તૈયાર કરી હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતે પોલીસ સૂત્રોનુસાર ગત આઠમી નવેમ્બરના રોજ મહિલા સોનાલી (૪૦) તેના ઘરે મૃતાવસ્થામાં મળી આવી હતી ત્યારબાદ તેના પતિએ તેના મૃત્યુની જાણ તેના પરિવારજનોને કરી હતી. મૃતકના પતિએ દાવો કર્યો હતો કે તે એક સુસાઇડનોટ છોડી ગઇ છે જેમા તેણે લગ્નેત્તર સંબંધોની કબૂલાત કરી જીવન ટુંકાવી રહી હોવાનું જણાવ્યું છે. 

આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દંપતિના લગ્ન ૨૦૧૪માં થયા હતા અને તેમને બે બાળકો પણ છે. આરોપી જે એક આધ્યાત્મિક સંગઠનનો સ્વયંસેવક છે તે સતત તેની પત્નીના ચારિત્ર્ય બાબતે શંકા કરી તેનું અન્યત્રે અફેર હોવાની શંકાના આધારે તેની નિયમિત પણે હેરાનગતિ કરતો હતો.

પીડિતના ભાઇ સ્વપ્નિલએ પોલીસને જણાવ્યું હતું કે ૨૩ ઓક્ટોબરના રોજ દિવાળી દરમિયાન તે બહેનને મળવા તેના ઘરે ગયો ત્યારે ઘરે કોઇ નહોતું અને ઘર બંધ હતું. જ્યારે તેના પતિ વિજયને ફોન કર્યો ત્યારે તેને મુલુંડ સ્ટેશન નજીક મળવાનું કહેવામાં આવ્યું હતું. આ સમયે બહેન- બનેવી મળવા આવ્યા ત્યારે તેણે બહેનના શરીર પર ઇજાના નિશાન જોયા હતા. જ્યારે તેની માતાએ તેના પતિને આ ઇજાઓ વિશે પૂછયું ત્યારે તે કોઇ બોલ્યો નહોતો અને પત્નીને સાથે લઇ ત્યાંથી નીકળી ગયો હતો. 

૮ નવેમ્બરના રોજ મહિલાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધા બાદ મૃતકના પરિવારજનોએ મુલુંડ પોલીસનો સંપર્ક કરી આ આત્મહત્યા નહી પણ હત્યા હોવાનો આરોપ કરી યોગ્ય કાર્યવાહીની માગણી કરી હતી ત્યારબાદ મુલુંડ પોલીસે પતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮ (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ કેસ નોંધ્યો હતો. મૃતકના પરિવારજનોએ સુસાઇડ નોટની ફોરેન્સિક તપાસની માંગ કરી છે. મૃતકનો પરિવારજનોએ એવો આરોપ કર્યો હતો કે તેમની પુત્રીની હત્યાને આત્મહત્યામાં ખપાવવા આરોપી પતિએ જ બનાવટી સુસાઇડ નોટ તૈયાર કરી હોવાની તેમને શંકા છે.