Get The App

મુંબઈમાં ઑગસ્ટમાં મલેરિયા, ડેંગ્યુ, લેપ્ટોના દર્દીઓ વધ્યા

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈમાં ઑગસ્ટમાં મલેરિયા, ડેંગ્યુ, લેપ્ટોના દર્દીઓ વધ્યા 1 - image


હેપેટાઈટિસ અને ગેસ્ટ્રોના દર્દીઓ  ઘટયા

મુંબઈ - ઑગસ્ટ મહિને થયેલા મૂસળધાર વરસાદ અને ત્યારબાદ વચ્ચે વચ્ચે થઈ રહેલાં વરસાદને લીધે મુંબઈમાં મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, લેપ્ટો તેમજ હેપેટાઈટીઝના દર્દીઓની સંખ્યામાં મોટાપાયે વધારો થયો છે. તેમાંય મલેરિયાના દર્દીઓએ દોઢ હજારનો તો ડેંગ્યુના દર્દીઓએ એક હજારનો આંકડો પાર કર્યો છે.  

ગત ત્રણ મહિનામાં આ બીમારીઓના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો હોવા  છતાં ઝાડા કે જુલાબના દર્દીઓમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈમાં વરસાદના અનિશ્ચિત સ્વરુપને લીધે ગત ત્રણ મહિનામાં ચોમાસુ રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાંય મચ્છરો દ્વારા ફેલાતાં રોગમાં ઑગસ્ટ મહિને જબરો ઉછાળો જોવા મળ્યો છે.

આ  વર્ષે જૂન - જુલાઈની તુલનાએ ઑગસ્ટમાં તમામ રોગોમાં વધારો જોવા મળ્યો છે. મલેરિયાના જૂનના ૮૮૪ તો જુલાઈમાં ૧૨૯૪ જ્યારે ઑગસ્ટમાં ૧૫૫૫ દર્દી નોંધાયા હતા. લેપ્ટોના જૂનમાં ૩૬, જુલાઈમાં ૪૩ અને ઑગસ્ટમાં ૨૨૭ દર્દી તો ચિકનગુનિયાના જૂનમાં ૨૧, જુલાઈમાં ૧૨૯ અને ઑગસ્ટમાં ૨૨૦ દર્દી નોંધાયા હતા. ડેંગ્યુના જૂનમાં ૧૦૫, જુલાઈમાં ૭૦૮ અને ઑગસ્ટમાં ૧૧૫૯ દર્દી અને હેપેટાઈટિસના જૂનમાં ૭૮ જુલાઈમાં ૨૫૬ અને ઑગસ્ટમાં ૧૯૭  દર્દી નોંધાયા હતા. દરમ્યાન, ગેસ્ટ્રોના જૂનમાં ૯૩૬, જુલાઈમાં ૬૬૯ અને ઑગસ્ટમાં ૫૯૨ દર્દી નોંધાતાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.


Tags :