mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સુપ્રીમની અદબ જાળવો, ચોક્કસ ટાઈમલાઈન નક્કી કરોઃ મહારાષ્ટ્રના સ્પીકરની ઝાટકણી

Updated: Sep 19th, 2023

સુપ્રીમની અદબ જાળવો, ચોક્કસ ટાઈમલાઈન નક્કી કરોઃ મહારાષ્ટ્રના સ્પીકરની ઝાટકણી 1 - image


ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ધીમી પ્રક્રિયાથી સુપ્રીમ  કોર્ટ નારાજ

ઝડપી નિર્ણયની અપેક્ષા હતી પણ હજુ કાંઈ થયું નથી હવે અમારો આદેશ છે કે એક સપ્તાહમાં કોઈ ટાઈમલાઈન નક્કી કરવામાં આવેઃ બેમુદ્દતી કાર્યવાહી ન ચાલે

મુંબઈ :  શિવસેનાના બંને જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા કે કેમ તે બાબતે અરજીઓનો નિકાલ ચોક્કસ સમયમર્યાદામાં કરવાનો આદેશ મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરને સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયો છે. સ્પીકાર દ્વારા ધીમી ગતિએ ચાલતી કામગીરીની સુપ્રીમે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે  સુપ્રીમ કોર્ટની અદબ અને ગૌરવ જાળવવાં જોઈએ. બેમુદ્દત કાર્યવાહી થયા કરે એવું ન ચલાવી લેવાય. ઝડપી નિર્ણયની અમારી અપેક્ષા હતી પરંતુ બહજુ કશું થયું નથી. હવે અમારો આદેશ છે કે સ્પીકરે આગામી એક સપ્તાહમાં કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી દેવાની રહેશે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડ તથા ન્યામૂર્તિ જે.બી. પારડીવાલા તથા ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચે સ્પીકરને બહુ કડક શબ્દોમાં આ તાકીદ કરી હતી. 

કોર્ટના આદેશ અનુસાર સ્પીકરે યોગ્ય સમયમાં કાર્યવાહી કરીને નિર્ણય લેવો જોઈએ. બંધારણીય સત્તા વાપરીને અપાયેલા નિર્દેશોનું સન્માન રાખવામાં આવે એવી અપેક્ષા છે.  સુપ્રીમ કોર્ટનું ગૌરવ અને આદમ જાળવવું જોઈએ. અમે હવે  આદેશ આપીએ છીએ કે એક સપ્તાહમાં સ્પીકર દ્વારા  પોતે કેટલા સમયમાં આ પ્રક્રિયા હાથ ધરશે તેના નિર્દેશો જારી કરવામાં આવે અને પ્રક્રિયા પૂર્ણ કરવા સમયરેખા નક્કી કરવામાં આવે.પ્રક્રિયા પૂર્ણ કરવા માટે શું સમયરેખા નક્કી કરવામાં આવે છે, એના વિશે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જાણ કરવાની રહેશે,એમ બેન્ચે નિર્દેશ આપ્યા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના પક્ષના બે જૂથના ધારાસભ્યોને ગેરલાયક  ઠેરવવાની અરજીઓની સ્પીકર સમક્ષ ચાલુ થયેલી સુનાવણીમાં આ અરજીઓનો ઝડપથી નિકાલ કરવાની અરજીની  સુનાવણી ચાલી રહી હતી. જુલાઈમાં કોર્ટે વિધાનસભા નાયબ સ્પીકરનો આ સંબંધી જવાબ માગ્યો હતો.

રાજ્યમાં ગત વર્ષે જુલાઈમાં  શિવસેનામાં બે ફાંટા પડતાં સત્તા પરિવર્તન થયું હતું. તે વખતે સીએમ એકનાથ શિંદે સહિત તેમના જૂથના ૧૬ ધારાસભ્યોએ ઉદ્ધવ જૂથના તત્કાલીન દંડક સુનીલ પ્રભુએ આપેલા વ્હિપનો ભંગ કર્યો છે કે કેમ અને તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ કે કેમ તે બાબતે સુનાવણી ચાલી રહી છે. જોકે, બાદમાં અસલી શિવસેના શિંદે જૂથની હોવાનો ચુકાદો આવ્યા બાદ શિંદે જૂથે વળતી અરજી કરતાં ઠાકરે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મુદ્દે પણ નોટિસ અપાઈ છે. 

સુપ્રીમ કોર્ટે ગત મે માસમાં એક ચુકાદામાં  ઉદ્ધવ સરકારને વિશ્વાસ મત લેવાનું સૂચવવાના રાજ્યપાલનાં પગલાંને ગેરકાયદેસર ઠેરવ્યું હતું પરંતુ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મુદ્દો વિધાનસભા સ્પીકર પર છોડયો હતો. જોકે, સ્પીકરે આ મુદ્દો તત્કાળ હાથ ધર્યો ન હતો. 

બાદમાં એનસીપીના નેતા અજીત પવાર પ્રફુલ પટેલ, છગન ભુજબળ જેવા આઠ ધારાસભ્યો સાથે એકનાથ શિંદે જૂથમાં જોડાઈ ગયા બાદ તરત જ ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય સુનીલ પ્રભુએ  સુપ્રીમમાં અરજી કરી સ્પીકર આ ધારાસભ્યોની પાત્રતા બાબતે ઝડપી ફેંસલો કરે તેવી દાદ માગી હતી. 

અરજીમાં પ્રભુએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ૧૧ મેના રોજ સ્પીકરને નિર્દેશ આપીને યોગ્ય સમયમાં અપાત્રતાની અરજીઓનો નિર્ણય લેવા જણાવ્યું હતું. આમ છતાં હજી આવા કોઈ પગલાં હજી લેવાયા નહોવાનું અરજીમાં જણાવ્યું હતું.

બંધારણ હેઠળ ન્યાય આપવા અપાત્રતાના મુદ્દે સ્પીકરે ઝડપથી નિર્ણય આપવો જોઈએ, એમ  પ્રભુની અરજીમાં જણાવ્યું હતું. અપાત્રતાની કાર્યવાહી પર નિર્ણય આપવામાં સ્પીકરની નિષ્ક્રિયતા બંધારણની દ્રષ્ટીએ અનુચિત છે એવી દલીલ થઈ હતી. 

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે સ્પીકરે પોતાની સમક્ષ વિચારાધીન અપાત્રતાની અરજીઓનો નિકાલ કરવો જોઈએ પણ હજી કંઈ થયું હોવાનું જણાતું નથી.

સ્પીકર (ભાજપના રાહુલનાર્વેકર) વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતંં કે બંધારણીય હોદ્દા પર હોવા છતાં પોતાનો ઉપહાસ થઈ રહ્યો છે.

બળવાખોર શિવસેના ધારાસભ્યોમાંના કેટલાંક વતી હાજર વકિલે આરોપ કર્યો હતો કે એવું ચિત્ર રજૂ થઈ રહ્યું છે કે બંધારણીય ઓથોરિટી અરજીઓ દબાવીને બેઠી છે.

પ્રભુ વતી વરિષ્ઠ વકિલ કપિલ સિબલે જણાવ્યું હતુ કે આ કેસમાં સ્પીકર ટ્રિબ્યુનલની જેમ કામ કરે છે.

કોર્ટે આ કેસની સુનાવણી બે સપ્તાહ બાદ રખાશે એમ જણાવીને કેટલો સમય લાગશે એ જણાવો. આમ બેમુદત ચાલુ રાખી શકાય નહીં, એમ કોર્ટે જણાવ્યુંહતું. કોર્ટે સ્પીકરને પ્રક્રિયા ફાસ્ટટ્રેક પર ચલાવવા નિર્દેશો આપ્યા હતા.


Gujarat