સાઈબર ક્રાઈમ પાછળ મુખ્યત્વે બદલો અને જાતીય સતામણી કારણભૂત: સર્વે
- સાઈબર ક્રાઈમનાં સૌધી વધુ કેસ મુંબઈમાં નોંધાયા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 1 ડીસેમ્બર, 2017, શુક્રવાર
ભારતમાં તમામ શહેરોની સરખામણીમાં ૨૦૧૬માં મુંબઈમાં સાઈબર ક્રાઈમના સૌથી વધુ ૯૮૦ કેસ નોંધાયા છે, ત્યાર બાદ બેન્ગલુરુમાં ૭૬૨ કેસ અને જયપુરમાં ૫૩૨ કેસ નોંધાયા છે. ૯૮૦ કેસોમાંથી ૨૦૭ કેસ મહિલાના વિનયભંગ સંબંધી છે, જ્યારે ૩૯ કેસ જાતીય શોષણ સંબંધી છે. મુંબઈના ૬૪૯ કેસમાં બદલાની ભાવના હતી, જ્યારે બેન્ગ્લુરુમાં ૫૮૪ કેસમાં આ બાબત કારણભૂત હતી.
મોટાભાગના કેસ ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ નોંધાયા છે જ્યારે માત્ર ૨૪ જ આઈટી એક્ટ હેઠળ નોંધાયા છે. ગયા વર્ષે છ કેસ ડેટા ચોરીના નોંધાયા હતાા જ્યારે ૧૫ કેસ ફોજદારી વિશ્વાસઘાતના હતા અને સાત કેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ફ્રોડના હતા. ૭૧૧ કેસ ઠગાઈ અને ૨૨ છેતરપિંડીના હતા.
ઓનલાઈન વ્યવહાર વધી રહ્યા છે, ડેબિટ અને ક્રેડિટ કાર્ડની છેતરપિંડી વધી રહી છે. મુંબઈ ટેકસેવી શહેર હોવાથી સૌથી વધુ લક્ષ્ય બને છે. સાઈબર ગુનેગારોને કોઈ પકડી શકતું નથી એટલે તે વારંવાર ગુના આચરે છે.આંતરરાષ્ટ્રીય સ્તરે પોલીસને જવલ્લે જ સહકતાર મળતો હોવાથી આવું બને છે, એમ સાઈબર નિષ્ણાતોનું કહેવું છે.
૨૦૧૬માં ૪૦૨ કેસોમાંથી માત્ર ચાર કેસની સુનાવણી પૂરી થઈ છે. બેમાં સજા થઈ છે અને બાકીનામાં મુક્તિ થઈ છે. મુંબઈમાં વણઉકેલાયેલા કેસની સંખ્યા પણ વધુ ૩૯૮ છે.