મહાવિતરણની 3 દિવસની હડતાલ શરુઃ વીજ પુરવઠો ખોરવાઈ જવાની આશંકા

વીજ પુરવઠા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાયાનો તંત્રનો દાવો
વસઈ વિરાર, કલ્યાણ, ડોંબિવલી, થાણે નવી મુંબઈ ઉપરાંત મુલુંડ-ભાંડુપની વીજગ્રાહકો ચિંતામાં ઃ પાણી પુરવઠાને અસરના મેસેજ વહેતા થયા
મુંબઈ - રાજ્યભરમાં મહાવિતરણના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ પર ઉતર્યા છે. તેના કારણે મહાવિતરણ થકી વીજળી મેળવતા વસઈ વિરાર, થાણે, નવી મુંબઈ, કલ્યાણ ડોંબિવલી ઉપરાંત મુંબઈના મુલુંડ અને ભાંડુપના વીજગ્રાહકોમમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાનો હોવાના મેસેજીસ વહેતા થતાં ચિંતા પ્રસરી હતી. જોકે, મહાવિતરણના દાવા અનુસાર આશરે ૬૦થી ૬૫ ટકા કર્મચારીઓ જ આ હડતાલમાં જોડાયા છે અને વીજ પુરવઠો ખોરવાય નહિ તે સુનિશ્ચિત કરવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્થાનિક નાગરિકોમાં વીજળીના અભાવે વોટર વર્ક્સ નહિ ચાલતાં પાણી પુરવઠાની પણ તકલીફ પડશે તેવા મેસેજીસ પણ વહેતા થયા હતા. મોબાઈલ ચાર્જ કરી રાખવા તથા ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરી રાખવા સહિતની સૂચનાઓ પણ આવા મેસેજોમાં અપાઈ હતી. ખાનગીકરણ અને પુનર્ગઠનના નિર્ણય સામે મહારાષ્ટ્રભરમાં ૨૩ મહાવિતરણ સંગઠનોમાંથી ૭ સંગઠનોએ હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળ ૯ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આમાં વસઈમાં મહાવિતરણના કાયમી અને કરાર આધારિત કર્મચારીઓનો સમાવેશ થાય છે. વિવિધ માંગણીઓ માટે વસઈ-ઈસ્ટમાં મહાવિતરણ કાર્યાલય સામે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
કર્મચારીઓ દ્વારા વિવિધ માગણીઓ કરવામાં આવી રહી છે, જેમાં મહાવિતરણ, મહાપારેષણ અને મહાનિમત કંપનીઓમાં કર્મચારીઓનું પુનર્ગઠન અને મહાપારેષણ હેઠળ જળવિદ્યુત પ્રોજેક્ટ્સના ખાનગીકરણનો વિરોધ, મહાનિમત હેઠળ ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બોલી (્ ટીજીસીબી ), મહાવિતરણના ૩૨૯ સબ-સ્ટેશનનું ખાનગીકરણ, સમાંતર વીજ લાઇસન્સનો વિરોધ, રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલી પેન્શન યોજનાનો અમલ અને ખાલી જગ્યાઓની ભરતીનો સમાવેશ થાય છે. અમે ૨૨ સપ્ટેમ્બરથી સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છીએ. એક્શન કમિટી સાથે ચર્ચા કરવા છતાં અમારી માંગણીઓ પૂર્ણ ન થતાં અમે ત્રણ દિવસની હડતાળ બોલાવી છે. ઉપરાંત, મહાવિતરણ કોઈપણ મૂડીવાદી પાસે ન જાય તે માટે આ અમારો પ્રયાસ છે, એમ વસઈ સર્કલ સેક્રેટરી સંજય તિડકેએ જણાવ્યું હતું. છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષથી, અમે કામણ ખાતે સ્વિચિંગ સેન્ટર સ્થાપવા માટે તુંગારેશ્વર પટ્ટામાં જમીન માંગી રહ્યા છીએ. પરંતુ, અમને તે મળી નથી. જોકે, વીજળી ઉત્પાદન માટે તાત્કાલિક ખાનગી કંપનીને જમીન આપવામાં આવી હતી. જે ખૂબ જ ખોટું છે, એમ મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ વીજળી બોર્ડના પ્રમુખ નીતિન પાટીલે જણાવ્યું હતું.
વીજ પુરવઠા પર કોઈ અસર નહીં..
એમએસડી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, ત્રણ દિવસની હડતાળ દરમિયાન વીજ પુરવઠા પર કોઈ અસર નહીં પડે. ઉપરાંત, આ સમય દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને વિવિધ એજન્સીઓમાંથી કામ કરતા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, એમએસડીના ૧૧૩ વીજ સેવકો અને ચારથી આઠ ઇજનેરો પણ કાર્યરત છે. મહાવિતરણ એન્જિનિયર સંજય ખંડારેએ જણાવ્યું છે કે, વસઈ વિરાર શહેરના ૩૦ સબસ્ટેશન પર કર્મચારીઓ પણ હાજર રહેશે. ઉપરાંત, શહેરમાં વીજળી ગુલ થવાની સ્થિતિમાં, જરૃરી વિદ્યુત વાયર અને સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. ઉપરાંત, એક ટોલ-ફ્રી નંબર જારી કરવામાં આવ્યો છે જેથી નાગરિકોને વીજ પુરવઠા અંગે કોઈ ફરિયાદ હોય તો તેમનો સંપર્ક કરી શકે. નાગરિકો આ ટોલ-ફ્રી નંબર ૭૮૭૫૭૬૦૬૦૨ પર સંપર્ક કરી શકે છે અને ફરિયાદ નોંધાવી શકે છે.