હાઈ સિક્યોરિટી ઝોનમાંથી ચોરી
મુંબઈ - ગ્રાઉન્ડ ફલોરની ઓફિસમાં ફાઈલની ફોટો કોપી છોડી દેવામાં આવી
દક્ષિણ મુંબઈમાં મંત્રાલયમાંથી પ્રતિષ્ઠિત સમાજ સુધારક મહાત્મા ફુલેના જીવન પર આધારિત ફિલ્મના નિર્માણ સંબંધિત ફાઈલ ગુમ થઈ જતા પોલીસે કેસ નોંધી તપાસ શરૃ કરી છે. ફાઈલની જગ્યાએ ફોટોકોપી છોડી દેવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે 'ડીજીઆઈપીઆર ડીરેકટોરેટ જનરલ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન)ના સિનિયર આસિસ્ટન્ટ ડાયરેક્ટર સાગર કાંબળેએ ફરિયાદ નોંધાવવા મરીનડ્રાઈવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.
ફરિયાદ મુજબ મહાત્મા જયોતિરાવ ફુલેના જીવન પર આધારિત ફિલ્મના નિર્માણ સંબંધિત એક ફાઈલ મંત્રાલયમાં ગ્રાઉન્ડ ફલોરમા આવેલી ઓફિસમાં રાખવામાં આવી હતી. તે ગુમ થઈ ગઈ હતી. આ ફાઈલની જગ્યાએ એની ફોટોકોપી છોડી દેવામાં આવી હતી.
ફરિયાદીએ મૂળ ફાઈલ વિશે પૂછપરછ કરી હતી. ત્યારે ઓફિસ સ્ટાફે કહ્યું કે તેઓ આ વિશે જાણતા નથી એ ફોટોકોપી કરેલી ફાઈલ સાથે કામ કરી રહ્યા છે. ત્યારબાદ કાંબળેએ તેમને વરિષ્ઠ અધિકારીઓને ગુમ થયેલી ફાઈલ વિશે જાણ કરી હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે ફાઈલમાં ૧ જાન્યુઆરી, ૨૦૧૭ અને ૩૧ માર્ચ ૨૦૨૦ વચ્ચેના કેટલાક મૂળ દસ્તાવેજો પણ હતા.
પોલીસે કાંબળેની ફરિયાદના આધારે મહારાષ્ટ્ર પબ્લિક રેકોર્ડસ એક્ટ હેઠળ અજાણી વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે.


