Mumbai

મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષાની તારીખ જાહેર

By GS TEAM
14 Sep 20251 min read
મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષાની તારીખ જાહેર

સોમવારથી ઓનલાઈન અરજી કરી શકાશે

ધો.૧ થી ૮માં શિક્ષક પદ માટે આ પરીક્ષા ફરજિયાત

મુંબઇ -  મહારાષ્ટ્ર સ્ટેટ એક્ઝામિનેશન કાઉન્સિલે મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા-૨૦૨૫ એ ૨૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ યોજવાની ઘોષણા કરી છે. આ પરીક્ષા રાજ્યની વિવિધ સ્કૂલોમાં ધો. ૧ થી પાંચ (પેપર-૧) અને ધો.૬ થી ૮ (પેપર-ટુ) ના શિક્ષક પદ માટે આવશ્યક છે.

આ પરીક્ષા માટે ૧૫ સપ્ટેમ્બરથી ૩ ઑક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ૧૦મી નવેમ્બરથી ૨૩ નવેમ્બર દરમ્યાન વિદ્યાર્થીઓને હોલટિકીટ આપવામાં આવશે. મહાટીઈટી પરીક્ષા તમામ મેનેજમેન્ટની સરકારી, બિનસરકારી, કાયમ બિનઅનુદાનિત શાળા તેમજ તમામ બોર્ડ અને માધ્યમના ધો.૧ થી ૮ના શિક્ષકો માટે અનિવાર્ય હોય છે. 

પરીક્ષા સંબંધિત વિગતવાર માહિતી, પૂરક માહિતી, સૂચના, ઓનલાઈન ફોર્મ પ્રક્રિયા, ફી ભરવાની પ્રક્રિયા, પરીક્ષાનું ટાઈમટેબલ અને અન્ય આવશ્યક વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવાઈ છે.

પેપર-૧ની પરીક્ષા સવારે ૧૦.૩૦ થી બપોરે ૧ દરમ્યાન તો પેપર-ટુની પરીક્ષા તે જ દિવસે બપોરે ૨.૩૦ થી સાંજે ૫ાંચ સુધી થશે. પ્રશાસકીય કારણસર ટાઈમટેબલમાં બદલાવ થઈ શકે છે. જે ઉમેદવારો બંને પેપરની પરીક્ષા આપવા માગતા હશે, તેમને એક જ પરીક્ષા કેન્દ્ર મળશે તેમજ તેમણે અલગથી અરજી કરવાની જરુર નથી.