Mumbai

મહારાષ્ટ્ર એસટીને પાંચ વર્ષમાં ડબલ કરતાં વધુ 10324 કરોડની ખોટ

By GS TEAM
24 Jun 20252 mins read
મહારાષ્ટ્ર એસટીને પાંચ વર્ષમાં ડબલ કરતાં વધુ 10324 કરોડની ખોટ

લાલ પરી તરીકે ઓળખાતી બસના વહિવટમાં લાલિયાવાડી

છેલ્લાં ૪૫ વર્ષમાં માત્ર આઠ  જ વર્ષમાં નફોઃ હજુ વર્ષો સુધી ખોટ રહેશેઃ કર્મચારીઓનાં ૨૫૦૦ કરોડની પીએફ-ગ્રેચ્યુટી પણ બાકી

મૂંબઈ - મહારાષ્ટ્ર એસટીની ખોટ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦,૩૨૪ કરોડ થઈ ગઈ છે. ૨૦૧૮-૧૯માં ખોટ ૪૬૦૩  કરોડ હતી. આમ પાંચ વર્ષમાં ખોટ બમણાં કરતાં પણ વધી છે. રાજ્યની એસટીએ છેલ્લાં ૪૫ વર્ષમાં ફક્ત આઠ જ નાણાંકીય વર્ષમાં નફો દર્શાવ્યો છે. આ ખોટ હજુ પણ આગામી કેટલાંક વર્ષો ચાલુ રહેવાની ધારણા આજે પ્રગટ કરાયેલાં શ્વેત પત્રમાં વ્યક્ત કરાઈ છે. 

શ્વેતપત્ર પ્રગટ કરતાં એસટીના ચેરમેન અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે  કબૂલ્યું હતું કે એસટી ટૂંક સમયમાં મોટા નુકસાનમાંથી બહાર આવે તેની શક્યતા ઓછી છે. પરંતુ નાણાકીય પરિસ્થિતિમાં સુધારો લાવવાના પ્રયાસો ચાલુ છે. જેમાં વધુ બસો શરૃ કરવા અને આવક વધારવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. 

એસટીએ સરનાઇકની હાજરીમાં બહાર પાડેલા શ્વેતપત્રમાં  જણાવાયા મુજબ ૨૦૨૩-૨૪માં ખોટ ૧૦૩૨૪ કરોડની ખોટ હતી.  ગત નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૨૧૭ કરોડનું અનઓડિટેડ નુકસાન થઈ ચૂક્યું છે.આથી ખોટનો સિલસિલો હજુ ચાલુ રહેશે. 

એસટી પાસે પહેલાં એક લાખ કર્મચારીઓનો કાફલો અને ૧૮૫૦૦ બસો હતી અને હવે ૧૪૫૦૦ બસો અને ૮૭ હજાર કર્મચારીઓ જ છે. બસો ઓછી છે. તેમાં પણ જૂની બસો વારંવાર બ્રેકડાઉન થાય છે. કેટલાક રુટ પર ખોટ જતી હોવા છતાં પણ સામાજિક જવાબદારીને કારણે તે ચાલુ રાખવા પડે છે. એસટીને પર્યાપ્ત ભાડાં વધારાની છૂટ મળતી નથી. આ ઉપરાંત ખાનગી બસોને કારણે પણ નુકસાન થાય છે.એસટીએ માત્ર સાલ ૧૯૮૭-૮૮, ૧૯૯૦-૯૧, ૧૯૯૪-૯૫, ૧૯૯૫-૯૬, ૨૦૦૬-૦૭, ૨૦૦૭-૦૮, ૨૦૦૮-૦૯ અને ૨૦૦૯-૧૦ના નાણાકીય વર્ષમાં જ નફો કર્યો છે. 

આવક વધારવા એસટી નવી પાંચ હજાર બસો દર વર્ષે ખરીદવાની છે. આ ઉપરાંત તેની જગ્યાઓનો કમર્શિઅલ ઉપયોગ કરશે. શ્વેતપત્રમાં કબૂલાયું છે તેમ એસટીએ માર્ચ ૨૦૨૫ની સ્થિતિએ ૩૫૦૦ કરોડ ચૂકવવાના બાકી નીકળે છે. કર્મચારીઓને પીએફ પેટે ૧૨૬૨ કરોડ ચૂકવવાના બાકી છે. ગ્રેચ્યુટ પેટે ૧૧૧૪.૮૯ કરોડ ચૂકવવાના બાકી છે. ડીઝલ તથા ગેસ સપ્લાયના ૨૧૭ કરોડનાં બિલો બાકી છે.