1.12 લાખ સીટ્સ ૨.૮૯ લાખ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરશે
સોમવારે પુણેમાં સેન્ટ્રલાઈઝ્ડ પદ્ધતિએ લોટરી જાહેર થશે, સીટ્સ ખાલી રહે તો વધારાના રાઉન્ડ પણ લેવાય તેવી શક્યતા
મુંબઇ - મહારાષ્ટ્રમાં આરટીઈ (શિક્ષણાધિકાર) પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૬-૨૭ હવે મહત્વપૂર્ણ તબક્કે પહોંચી છે, જેમાં ૬ એપ્રિલ ૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યે પુણે ખાતે ઓનલાઈન લોટરી ડ્રો યોજાશે. આ કમ્પ્યુટરાઇઝ્ડ લોટરી દ્વારા ખાનગી શાળાઓમાં ૨૫% અનામત સીટ્સ પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ડ્રો પુણેના વિદ્યા પ્રાધિકરણમાં કેન્દ્રિય રીતે યોજાશે અને રાજ્યભરમાંથી અરજી કરનાર લગભગ ૨.૮૯ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો નિર્ણય કરશે.
આરટીઈ પ્રવેશ પ્રક્રિયા આથક રીતે નબળા વર્ગ (ઈડબ્લ્યુએસ) અને વંચિત જૂથોના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાની તક આપે છે. ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષ માટે મહારાષ્ટ્રમાં ૮,૦૦૦થી વધુ શાળાઓમાં ૧.૧૨ લાખથી વધુ બેઠકો ઉપલબ્ધ છે. જેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી હતી, જેમાં માતા-પિતાએ પોતાની પસંદગીની શાળાઓ પસંદ કરી હતી, ખાસ કરીને ૧ કિમીની આસપાસની શાળાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રવેશ સંપૂર્ણપણે પારદર્શક લોટરી પદ્ધતિથી થાય છે, જેમાં કોઈ ઇન્ટરવ્યુ કે પરીક્ષા લેવામાં આવતી નથી.
લોટરી ડ્રો પછી, પસંદગી યાદી ઓનલાઈન જાહેર કરવામાં આવશે, અને માતા-પિતા સત્તાવાર પોર્ટલ પર પરિણામ ચકાસી શકશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને એલોટમેન્ટની માહિતી આપવામાં આવશે અને તેમને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. જો કેટલીક બેઠકો ખાલી રહે તો વેઇટિંગ લિસ્ટ અથવા વધારાના રાઉન્ડ પણ જાહેર થઈ શકે છે. સંબંધિત અધિકારીઓએ માતા-પિતાને જરૃરી દસ્તાવેજો તૈયાર રાખવા અને નિયમિત અપડેટ ચકાસવા માટે સલાહ આપી છે, કારણ કે સમયસર વેરિફિકેશન કરાવવું અને શાળામાં હાજરી આપવી પ્રવેશ માટે અનિવાર્ય છે.


