મહારાષ્ટ્ર સરકારે 33000 કરોડના વિવિધ કંપની સાથે કરાર કર્યા
મૈત્રી પોર્ટલ દ્વારા ઉદ્યોગપતિઓને વિવિધ મંજૂરીઓ ઝડપભેર મળી જશે
વિવિધ ક્ષેત્રની ૧૭ કંપની રાજ્યમાં ૩૩,૦૦૦ નોકરીનું સર્જન કરશે
મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે સંખ્યાબંધ કંપની સાથે કરાર કર્યા હતા. જેમણે રૃા.૩૩,૭૬૮.૮૯ કરોડનું રોકાણ કરવાનો ઈરાદો જાહેર કર્યો હતો. ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક વેહિકલ્સ સ્ટીલ, સોલર ઉર્જા, ડિફેન્સ, બાયોટેકનોલોજિ, સિમેન્ટ વગેરે ક્ષેત્રની અગ્રગણ્ય કંપનીઓએ મહારાષ્ટ્ર સરકાર સાથે શુક્રવારે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કર્યું હતું. વિવિધ ઉદ્યોગોને મંજૂરી, જમીન ફાળવણી વિગેરે ઝડપભેર મળી શકે તે માટે મૈત્રી પોર્ટલ ઉપલબ્ધ રહેશે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં ઉદ્યોગો માટેનું વીજદરો માટે નવો ટેરિફ પ્લાન અમલમાં મૂકાશે. જેમાં વીજળીના દરોમાં ક્રમશઃ ઘટાડો થશે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં વીજળીના દરો સરેરાશ વાર્ષિક ૯%ના દરે વધતા હતા. જ્યારે આ ફાઈવ પર મલ્ટીપ્લાન અનુસાર તેમાં ઘટાડો થશે. સરકાર દ્વારા ૧૭ એમઓયુ કરાયા છે. તેનો અમલ થશે તો ૩૩,૦૦૦ નોકરીની તક ઊભી થશે. તેવો અંદેજ મૂકવામાં આવ્યો છે. ઉત્તર મહારાષ્ટ્ર, પુણે વિદર્ભ અને કોંકણ ક્ષેત્રમાં નવા ઔદ્યોગિક કેન્દ્રો ઊભા કરાશે.
મહારાષ્ટ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યૂહાત્મક લોકેશન, કુશળ કર્મચારીઓ, સરકારની પ્રોત્સાહક નીતિઓ, વિગેરે મહત્વના કારણો છે. જેએનપીટી અને મુંબઈ પોર્ટ જેવા મહત્વના બંદર છે. ટુંક સમયમાં નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૃ થશે. દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઈસી) પણ ટુંક સમયમાં શરૃ થશે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અને સમૃદ્ધિ કોરિડોર જેવા એક્સપ્રેસ વે રાજ્યમાં કનેક્ટિવિટી પૂરી પાડે છે. એન્જિનિયરિંગ, આઈટી, ફાયનાન્સ અને મેન્યુફોક્ચરિંગ ક્ષેત્રો માટે રાજ્યમાં કૌશલ્ય ધરાવતા કારીગરો અને આઈટી નિષ્ણાતો સહેલાઈથી મળે છે.