FOLLOW US

જાહેર હોસ્પિટલોમાં મેડિકલ ખરીદી માટે કાયદો ઘડનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય

Updated: Mar 18th, 2023


દવા અને ઉપકરણોની ખરીદી સક્ષમ અને પારદર્શી બનાવવા

હાફકીન દ્વારા મેડિકલ ખરીદીની યોજના નિષ્ફળ જવાથી અલાયદો વિભાગ રચવાની માગણી લાંબા સમયથી થઈ હતી

મુંબઈ: જાહેર હોસ્પિટલો અને મેડિકલ કોલેજો માટે તબીબી પુરવઠો મેળવવા માટે કાયદો પસાર કરનાર મહારાષ્ટ્ર સંભવતઃ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. મહારાષ્ટ્ર મેડિકલ ગુડ્સ પ્રોક્યોરમેન્ટ ઓથોરિટી એક્ટ, ૨૦૨૩ ગવર્નરની સંમતિ પછી શુક્રવારે પસાર થઈ ગયો. એના અંતર્ગત માત્ર મેડિકલ ઉપકરણો અને દવાઓની ખરીદી સંભાળે તેવી એક સમર્પિત શાખા બનાવીને પ્રાપ્તિ પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવામાં આવશે.

આ નવા કાયદા અંતર્ગત મહારાષ્ટ્રમાં મેડિકલ ખરીદી વધુ સક્ષમ, વ્યવહારુ અને પારદર્શી બનાવવા સમર્પિત વિભાગની રચના કરવામાં આવશે. તબીબી શિક્ષણ અને જાહેર આરોગ્ય વિભાગ સંયુક્તપણે દર વર્ષે રૂા. ૧,૮૦૦થી ૨,૦૦૦ કરોડની ખરીદી કરે છે. ૨૦૧૭માં હાફકીન બાયોફાર્માસ્યુટીકલ હેઠળ ખરીદી કેન્દ્રિત કરવાનો નિર્ણય નિષ્ફળ નીવડયો હતો. ત્યાર પછી મહારાષ્ટ્રમાં ડેડિકેટેડ પ્રોક્યોરમેન્ટ ઓથોરિટીની લાંબા સમયથી માંગ થઈ રહી છે.

સંપૂર્ણ ગાઈડલાઈન્સ હજી જાહેર નથી કરાઈ પણ મુખ્ય મંત્રી આ એજન્સી પર દેખરેખ રાખશે અને જાહેર આરોગ્ય વિભાગના મંત્રી તેના મુખ્ય સભ્ય રહેશે. એક આઈએએસ અધિકારી તેના સીઈઓ તરીકે કામ કરશે. રાજ્યની બાયોમેડિકલ એન્જિનીયરીંગ, ફાર્મસી, કાયદો, આઈટી અને સંપાદનમાં નિષ્ણાંતો સહિત ૭૦ પદો રચવાની યોજના છે.

આ સ્વતંત્ર સંપાદન ઓથોરિટી જાહેર સંસ્થાઓ માટે સંપાદન અને પૂરવઠા યંત્રણાને સક્ષમ બનાવશે જેથી દવાઓની આપૂર્તિ એક જ છત હેઠળ સુગમ અને કેન્દ્રિત રહેશે.

અન્ય સરાકરી વિભાગો પણ આરોગ્ય સુવિધાઓમાં નિદાન અને સારવાર માટે આવશ્યક દવાઓ અને ઉપકરણો, સર્જિકલ અને અન્ય વસ્તુઓની ખરીદી માટે જવાબદાર આ વિભાગનો સંપર્ક  કરી શકશે.

ઉલ્લેખનીય છે કે લાંબી ટેન્ડરીંગ પ્રક્રિયાઓને કારણે સરકારી કોલેજો અને હોસ્પિટલોએ ઉપકરણો માટે બેથી ચાર વર્ષની રાહ જોવી પડતી હતી. એના કારણે દરદીઓની સારવારને અસર થતી હતી. હાફકીન રાજ્યની તમામ મેડિકલ કોલેજો, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો માટે ખરીદી કરે છે પણ તેની પાસે જરૂરી માનવબળ, જાણકારી અને સ્રોત નથી. એક અહેવાલ મુજબ જાહેર આરોગ્ય વિભાગના લગભગ રૂા. ૭૦૦ કરોડની રકમ હાફકીન પાસે પડી છે.


Gujarat
News
News
News
Magazines