- મહારાષ્ટ્ર સહિત દેશભરના રાજકારણમાં હડકંપ : 'દાદા' ચૂંટણી પ્રચાર માટે મુંબઈથી રવાના થયા અને બારામતી પહોંચતા જ કરૂણાંતિકા સર્જાઈં

- પૂઅર વિઝિબિલિટીના કારણે રન વે નહિ દેખાયો હોવાની પાયલોટની ફરિયાદ બાદ પહેલું લેન્ડિંગ ફેઈલ ગયું, બીજા પ્રયાસ વખતે વિમાન તૂટી પડયું
- અકસ્માતમાં પાયલોટ, કો-પાયલોટ સહિત અન્ય ચારનાં પણ મોત
- ચાર્ટર્ડ વિમાન દિલ્હીની વીએસઆર વેન્ચર્સ કંપનીની માલિકીનું હતું
મુંબઈ : મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશ માટે ભારે આંચકાજનક એક ઘટનામાં આજે સવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પુણે જિલ્લામાં તેમના વતન બારામતી ખાતે એક વિમાન દુુર્ઘટનમાં મોત નીપજ્યું હતું. અજિત પવારે મહારાષ્ટ્રમાં આગામી ફેબુ્રઆરીમાં યોજાઈ રહેલી જિલ્લા પરિષદ તથાત પંચાયતોની ચૂંટણીના પ્રચાર માટે મુંબઈથી સવારે રવાના થયા હતા. જોકે, બારામતીમાં ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પુઅર હોવાથી વિમાનને પહેલીવાર લેન્ડિંગમાં મુશ્કેલી નડી હતી. એક લાંબો ફેરો લીધા બાદ પાયલોટે બીજીવાર લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માટે ક્લિયરન્સ મળ્યાની એક જ મિનિટમાં વિમાન તૂટી પડયું હતું. વિમાનમાં અજિત પવાર ઉપરાંત પાયલોટ, કો પાયલોટ, ક્રૂ મેમ્બર અને અજિત પવારના સિક્યોરિટી ગાર્ડ એમ કુલ પાંચ લોકો હતા. પાંચેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અજિત પવારનાં નિધનથી મહારાષ્ટ્રમાં ભારે શોક છવાયો છે. તેમના અવસાનને પગલે હવે રાજ્યમાં ફરી રાજકીય સમીકરણો બદલાવાની અટકળો થઈ રહી છે. દરમિયાન, તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે બારામતીમાં યોજાશે.
આ દુર્ઘટનામાં માર્યા ગયેલા કેપ્ટન સુમિત કપૂરને ૧૫,૦૦૦ કલાક અને સહ-પાયલટ કેપ્ટન શામ્ભવી પાઠક ૧,૫૦૦ કલાક ઉડાનનો અનુભવ હતો.મૃતકમાં પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) વિદીપ જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માળીનો સમાવેશ થાય છે.
ડીજીસીએ તથા સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓએ આપેલા ઘટનાક્રમ મુજબ સવારે ૮.૧૦ કલાકે મુંબઈથી વિમાન રવાના થયું હતું. સવારે ૮.૧૮ કલાકે તે બારામતીના આકાશમાં પહોંચ્યું હતું. જોકે, વાતાવરણ ધૂંધળું હોવાથી તત્કાળ લેન્ડ થઈ શક્યું ન હતું. આ તબક્કે પાયલોટે જણાવ્યું હતું કે તેમને રન વે દેખાતો નથી. વિમાને આકાશમાં એક ચકરાવો લીધો હતો. બાદમાં ૮.૪૩ કલાકે વિમાનને ઉતરાણની મંજૂરી અપાઈ હતી. પરંતુ, તે પછી પાયલોટ દ્વારા કોઈ વળતો મેસેજ મળ્યો ન હતો. એક મિનિટમાં જ પ્લેન ક્રેશ થયું હતું. રનવેની સમીપ જ પ્લેન અગનગોળામાં ફેરવાયું હતું અને ધડાકાભર તૂટી પડયું હતું. ફ્લાઇટ રડાર મુજબ વિમાને સવારે ૮.૧૦ વાગ્યે મુંબઈથી ઉડાન ભરી હતી અને ૮.૪૫ વાગ્યે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે એક મિનિટ પછી વિમાન ક્રેશ થયું.
આ વિમાન દિલ્હીની વીએસઆર વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની માલિકીનું બોમ્બાર્ડિઅર લિયરજેટ ૪૫ હતું. વીએસઆર વેન્ચર્સના કાફલામાં સાત લિયરજેટ ૪૫ એરક્રાફ્ટ (દુર્ઘટનામાં સામેલ એક સહિત), પાંચ એમ્બ્રેર ૧૩૫બીજે એરક્રાફ્ટ, ચાર કિંગ એર બી૨૦૦ એરક્રાફ્ટ અને એક પિલાટસ પીસી-૧૨ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ પુણેમાં પત્રકારોને જણાવ્યું હતું કે પુઅર વિઝિબિલિટી છતાં પણ લેન્ડ કરવા પ્રયાસ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ થવાના સંજોગો અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ તપાસ હાથ ધરી છે.
ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિમાનમાં પવાર, તેમના અંગત સુરક્ષા અધિકારી અને એક સહાયક, બે ક્ સભ્યો (પાયલોટ ઇન-કમાન્ડ અને ફર્સ્ટ ઓફિસર) સવાર હતા. સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે દુર્ઘટના પછી વિમાનમાં આગ લાગી હતી. વિમાનમાં પ્રવાસ કરનારા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, દુર્ભાગ્યપૂર્ણ વિમાન હવામાં થોડું અસ્થિર લાગ્યું અને જમીન પર ક્રેશ થતાં જ એમાં વિસ્ફોટ થયો હતો. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ક્રેશ થયા પછી વિમાનમાં આગ લાગી ગઈ.
મહારાષ્ટ્ર સરકારે ૩૦ જાન્યુઆરી સુધી ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.આ દરમિયાન તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. અજિત પવારના અંતિમ સંસ્કાર ગુરુવારે બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું હતું કે મોદી અને શાહ અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.અંતિમવિધિ સવારે ૧૧ વાગ્યે વિદ્યા પ્રતિાન મેદાનમાં યોજાશે. એનસીપી (એસપી)ના વડા શરદ પવારે બારામતી એરપોર્ટ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી જ્યાં અજિત પવારના મૃતદેહને ક્રેશ સ્થળ પરથી લઈ જવામાં આવ્યો હતો.
૬૬ વર્ષીય અજિત પવારનાં નિધનથી મહારાષ્ટ્રે ભારે મોટો આંચકો અનુભવ્યો છે. અજિત પવાર કાકા શરદ પવારની છત્રછાયા હેઠળ રાજકારણમાં આવ્યા હતા. તેઓ કુલ છ વખત નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. ૨૦૨૩માં તેમણએ કાકા શરદ પવાર સામે બળવો કરતાં એનસીપીના ફાડિયાં થયા હતાં. જોકે, તાજેતરમાં મહાપાલિકાની ચૂંટણીમાં બંને એનસીપી વચ્ચે જોડાણ થતાં ફરી વિલિનીકરણની અટકળો શરુ થઈ હતી. અજિત પવારનાં પવારના પરિવારમાં તેમના પત્ની સુનેત્રા (રાજ્યસભાના સભ્ય) અને બે પુત્રો, પાર્થ અને જય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય ઘણા નેતાઓએ પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો. બારામતી પહોંચેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારના દુથખદ મૃત્યુને અવિશ્વસનીય ગણાવ્યું અને કહ્યું કે તેમણે એક સારો મિત્ર ગુમાવ્યો છે.
8.18 વાગ્યે બારામતીમાં પહેલો સંપર્ક, 26 મિનિટ બાદ પ્લેન ક્રેશ
- ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખરાબ હતી : 8.44 વાગ્યે સંપર્ક તૂટયો, 8.45 કલાકે જવાળાઓ દેખાઈ
મુંબઈ : અજિત પવારનું વિમાન બોમ્બાર્ડિઅર લિઅર જેટ ૪૫ ( વીટી-એસએસકે) મુંબઈ એરપોર્ટથી ૮.૧૦ કલાકે રવાના થયું હતું. બારામતીના આકાશમાં તે પહોંચ્યું હોવાનો પહેલો મેસેજ ૮.૧૮ કલાકે મળ્યો હતો. જોકે, તે પછી ૨૬ મિનિટ સુધી બારામતીના આકાશમાં જ રહેલું પ્લેન છેવટે ક્રેશ થઈ ગયું હતું. પાયલોટ દ્વારા ૮.૩૦ કલાકે લેન્ડિંગનો પહેલો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં પાયલોટે આકાશમાં એક મોટો ચકરાવો લીધો હતો અને ૮.૪૨ વાગ્યે તેણે લેન્ડિંગ માટે બીજો પ્રયાસ કર્યો હતો. ૮.૪૩ કલાકે એટીએસ દ્વારા પાયલોટને રન વે ૧૧ પર લેન્ડિંગ માટે ક્લિયરન્સ અપાયું હતું. પરંતુ, તે પછી પાયલોટ દ્વારા કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. ૮.૪૪ કલાકે પ્લેન રડાર પર દેખાતું બંધ થયું હતું. એક મિનિટ બાદ ૮.૪૫ કલાકે રન વે ૧૧ની સીમા પર આગની જવાળાઓ જોવા મળી હતી. જોતજોતામાં વિમાન અગનગોળામાં પલ્ટાઈ ચૂક્યું હતું. તેના અનેક કટકા થયા હતા અને રન વે આસપાસ વિખેરાયા હતા. આસપાસના લોકોના જણાવ્યા અનુસાર આ સમયે તેમણે મોટો ધડાકા જેવો અવાજ સાંભળ્યો હતો.
નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર વિમાન રન વેથી માંડ ૧૦૦ મીટર દૂરનાં અંતરે તૂટી પડયું હતું.
પ્લેનમાં સામેલ તમામનાં મોત, પણ દસ્તાવેજો સલામત
પ્લેન ક્રેશ થતાં જ અગનગોળામાં ફેરવાયું : બે ટુકડા થઈ ગયા
મુંબઈ : રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને સાહસિક નેતા તરીકે જાણીતા અજિતદાદા પોતાના બધા કામ પૂર્ણ કરીને સવારે ૮.૧૦ વાગ્યે મુંબઈથી નીકળ્યા હતા. બારામતીમાં ઉતરતી વખતે સવારે ૮.૪૬ વાગ્યે તેમનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માતથી સમગ્ર મહારાષ્ટ્ર સ્તબ્ધ થઈ ગયું છે.
જિલ્લા પરિષદની ચૂંટણીની પૃભૂમિમાં બુધવારે અજિત પવારે બારામતીમાં ચાર સભાઓ રાખી હતી. તેઓ આ સભાઓ માટે હંમેશની જેમ વહેલી સવારે નીકળી ગયા હતા.વિમાન આજે સવારે મુંબઈથી બારામતી માટે રવાના થયું હતું. આ દરમિયાન બારામતીમાં ઉતરતી વખતે વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના એટલી ભયાનક હતી કે તેમાં અજિત પવાર સહિત બધાના મોત થયા હતા.
રન વેની લગોલગ પ્લેન ક્રેશ થયું
બારામતી એરપોર્ટથી બે થી ત્રણ કિલોમીટર દૂર અજિત પવારનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં અચાનક ખામી સર્જાવાથી વિમાન રનવે પર ઉતરી શક્યું નહીં. વિમાન એરપોર્ટથી બે થી ત્રણ કિલોમીટર દૂર ઢાળ પર ક્રેશ થયું હતું. જ્યાં વિમાન ક્રેશ થયું ત્યાં એક ઊંડી ખીણ છે તેમજ આસપાસ વૃક્ષો અને શેરડીના ખેતરો છે. નજીકમાં કેટલાક ઘરો છે. વિમાન બળીને રાખ થઈ ગયું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે વિમાનમાં રહેલા દસ્તાવેજો અકબંધ રહ્યા હતા. કદાચ જમીન પર પટકાયા પછી વિમાન બે ટુકડા થઈ ગયું અને દસ્તાવેજો બહાર ફેંકાઈ ગયા હતા.
અજિત પવારની એનસીપીનું પ્રતીક ઘડિયાળ છે
ક્રૂર સંયોગ: ઘડિયાળ પરથી જ અજિતનો મૃતદેહ ઓળખાયો
- એરસ્ટ્રીપ નજીક રહેલી મહિલાએ મૃતદેહોને બ્લેન્કેટ અને ચાદર ઓઢાડી હતી
મુંબઇ : બારામતી એરપોર્ટ પર આજે પ્લેનના ઉતરાણ વખતે થયેલા ગોઝારા અકસ્માતનો ભોગ બનેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો ક્ષતવિક્ષત અવસ્થામાં અને બળેલી હાલતમાં પડેલો મૃતદેહ તેમની ઘડિયાળ પરથી ઓળખી શકાયો હતો. વિધિની કેવી વક્રતા કહેવાય કે સદ્ગતના પક્ષ એનસીપીનું પ્રતીક પણ ઘડિયાળ જ છે અને ઘડિયાળથી અજિત પવારનો મૃતદેહ ઓળકી શકાયો હતો.
પ્લેન પ્રચંડ ધડાકા સાથે તૂટી પડયું અને આગના ગોળામાં ફેરવાઇ ગયું ત્યારે ૧૦૦ ફૂટ દૂર રહેતી એક મહિલાએ અરેરાટીપૂર્ણ અકસ્માતનું વર્ણન કરતા જણાવ્યું હતું કે અમે બધા મદદ કરવાના આશયથી દોડી ગયા હતા. ઘરમાં પાણી ભરેલી બાલદીઓ લઇને ગયા અને પાણી પણ છાંટયું પણ એટલી વારમાં તો પ્લેન અગનગોળામાં ફેરવાઇ ગયું હતું. તરત જ પોલીસ અને બંબાવાળા દોડી આવ્યા હતા. અજિત પવારનો મૃતદેહ તેમની ઘડિયાળ અને થોડા બચેલા કપડાં પરથી ઓઢી કઢાયો હતો. મે અને આસપાસમાં રહેતા લોકોએ અકસ્માતનો ભોગ બનેલાના મૃતદેહ વેરવિખેર પડયા હતા એમને બ્લેન્કેટ અને ચાદર ઓઢાડી હતી.


