ખાનગી સંસ્થા તરીકે કારભારનો કારસો હોવાની અરજી
એનસીપી(એસપી)ના ધારાસભ્ય રોહિત પવાર તથા સાંસદ સુપ્રિયા સૂળેના પરિવારજનોને ઉતાવળે સભ્ય બનાવાયા
મુંબઈ - મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એમસીએ)ની એપેક્સ કાઉન્સિલની ચૂંટણી પર સ્થગિતી આપીને બોમ્બે હાઈ કોર્ટ સવાલ કર્યો હતો કે પ્રમુખ અને અનેસીપી (એસપી) ધારાસભ્ય રોહિત પવારના સંબંધીઓ સહિત ૪૦૦ નવા સભ્યોને કઈ રીતે સમાવિષ્ટ કરાયા છે.
જે રીતે નવા ઉમેદવારોને સમાવી લેવાયા છે એ દર્શાવે છે કે બધું બહું ઉતાવળે કરવામાં આવ્યું છે.સુપ્રીમ કોર્ટના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરીને કરાયેલી અરજીઓ પર આદેશ અપાયો હતો. ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જારી મતદારોની યાદીમાં વધારાના સભ્યો ઉમેરીને તરફેણ કરાઈ હોવાનો આરોપ અરજીમાં કરાયો હતો.
નવા સભ્યોમાં રોહિત પવારની પત્ની કુંતી અને સસરા સતિષ મગર, એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સૂળેના પુત્રી રેવતીનો પણ સમાવેશ હોવાનું અરજીમાં જણાવાયું હતું.
માજી ક્રેકિટર કેદાર જાધવ સહિતના અરજદારોએ આરોપ કર્યો છે કે નવા સભ્યોને ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી અન ે તેમને એટલા માટે ઉમેર્યા છે કેમ કે એમસીએને ખાનગી સંસ્થા તરીકે ચલાવી શકાય. જૂના સભ્યોને વાંધો ઉઠાવવાની તક અપાઈ નહોતી કેમ કે તેમને જનરલ મીટિંગ અને એપેક્સ કાઉન્સિલની મીટિંગની મિનિટ્ અપાઈ નહોતી.
આવા સંજોગોમાં કોર્ટ હાથ પર હાથ રાખીને છઠ્ઠી જાન્યુઆરીએ થનારી ચૂંટણીને મંજૂરી આપી શકે નહીં, એમ જણાવીને કોર્ટે વધુ આદેશ સુધી ચૂંટણી નહીં યોજવાનો ચૂંટણી અધિકારીને આદેશ આપ્યો છે. વધુ સુનાવણી ચોથી ફેબુ્રઆરી પર રખાઈ છે.
એમસીએ વતી દલીલ કરાઈ હતી કે નવા સભ્યોએ કરોડોનું દાન આપીને સ્પોર્ટ્સમાં ધરખમ યોગદાન આપ્યું છે અને કાયદામાં માત્ર ક્રિકેટર કે સ્પોર્ટ્સ સંબંધી વ્યક્તિ સભ્ય બની શકે એવું ફરજિયાત નથી. આ મુદ્દો વાદવિવાદને પાત્ર હોવાનું કોર્ટે જણાવ્યું હતું.


