અકોલા જિલ્લામાં તંગદિલી ફેલાતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
હિદાયતુલ્લા પટેલ મસ્જિદમાં નમાઝ પઢીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ હુમલાખોર તૂટી પડયો ઃ જૂની અદાવતની શક્યતા
મુંબઈ - મહારાષ્ટ્ર કોંગ્રેસના ઉપપ્રમુખ હિદાયતુલ્લાહ પટેલની અકોલા જિલ્લાની એક મસ્જિદમાં ચાકુથી હુમલો કરી હત્યા કરતા ચકચાર જાગી હતી.આ મામલામાં કથિત હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.હત્યાના લીધે પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઈ હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,એમ અધિકારીએ જણાવ્યું હતું.
અકોટ તાલુકાના મોહલા ગામમાં એક મસ્જિદમાં નમાજ અદા કર્યા પછી મંગળવારે બપોરે ૧-૩૦ વાગ્યે જૂની અદાવતને કારણે આરોપીઓએ પટેલ (ઉ.વ.૬૬) પર ધારદાર શથી હુમલો કર્યો હતો.
ભૂતપૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને ગરદન અને છાતીમાં ઈજા થઈ હતી.જેના કારણે ભારે રક્તાવ થયો હતો.તેમને તાત્કાલિક અકોટની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં બુધવારે સવારે તેમનું મૃત્યુ થયું હતું.
મસ્જિદમાંથી બહાર નીકળતા પટેલના કપડાં લોહીથી લથપથ દેખાતા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા હતા. પટેલ મંગળવારે બપોરની નમાજ માટે મોહલાની જામા મસ્જિદમાં હતા.તેઓ બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ નમાજ પઢીને મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતા.ત્યારે હુમલાખોરે તેમના ગળા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.સ્થાનિક રહેવાસીઓએ બાદમાં તેમને હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી પુરાવા એકત્રિત કર્યા હતા.
આરોપી ઉબેદ ખાન કાલુ ખાન ઉર્ફે રઝીક ખાન પટેલ (ઉ.વ.૨૨) ને પકડવા માટે પોલીસની છ ટીમો બનાવવામાં આવી હતી.છેવટે મંગળવારે રાત્રે આઠ વાગ્યે આકોટ તાલુકાના પંજ ગામમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ બી. ચંદ્રકાંત રેડ્ડીએ જણાવ્યું હતું.
આ ઘટના બાદ મોહલા અને અકોટ શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.ડિસ્ટ્રિક્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અધિક્ષક અચત ચાંડંજ પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરી હતી.


