બીજી મેથી સ્કૂલોમાં રજા પડશે
નવા વર્ષે સ્કૂલો ૧૫મી જૂનથી શરુ થશે
મુંબઈ - રાજ્યની જિલ્લા પરિષદની
સ્કૂલો સહિત અન્ય ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના ધો.૧ થી ૯ના વિદ્યાર્થીઓની
અંતિમ સત્રની પરીક્ષા ૨૦ થી ૩૦ એપ્રિલ દરમ્યાન લેવાનું કહેવાયું છે.
દર વર્ષે ૨૮ જાહેર રજા, પર (બાવન) રવિવાર અને ૪૪ દિવસનું ઉનાળું વેકેશન મળી કુલ
૧૨૪ દિવસ સ્કૂલો બંધ હોય છે. તેમાં સત્રાંત પરીક્ષાના પણ કેટલાંક દિવસનો સમાવેશ
હોય છે. પરંતુ શૈક્ષણિક વર્ષના ૩૬૫માંથી ઓછામાં ઓછા ૨૨૦ દિવસ વિદ્યાર્થીઓનું
શિક્ષણ થવું જોઈએ, એવો એક માપદંડ છે. તેમ છતાં દરવર્ષે
માર્ચના અંતમાં સ્કૂલો સત્ર પરીક્ષા લેતી હોય છે.
પરીક્ષા પૂર્ણ થતાં એપ્રિલ મહિનાથી જ વિદ્યાર્થીઓ સ્કૂલોમાં આવવાનું બંધ
કરે છે. આથી એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં અંતિમ સત્રની પરીક્ષા લેવાનો નિર્ણય
સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એસસીઈઆરટી)એ લીધો છે.
પરીક્ષાનું પરિણામ પહેલી મેના રોજ જાહેર કરી બીજી મેથી સ્કૂલોને ઉનાળાની રજા પડશે, એવું પણ
સ્કૂલ શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે.
સ્કૂલ શિક્ષણ વિભાગના નિયોજન મુજબ પહેલાંથી નવમા ધોરણના વિદ્યાર્થીઓના અંતિમ સત્રની
પરીક્ષા એપ્રિલમાં થયા બાદ બીજી મેથી વિદ્યાર્થી-શિક્ષકોને રજા પડશે. ત્યારબાદ ૧૫ જૂનથી
સ્ટેટ બોર્ડની સ્કૂલો શરુ થશે. જ્યારે સીબીએસઈની સ્કૂલોનું નવું વર્ષ પહેલી એપ્રિલથી
શરુ થશે અને પહેલી મેથી ૧૪ જૂન સુધી વિદ્યાર્થીઓને રજા રહેશે.


