મહારાષ્ટ્ર બોર્ડની ધો. 12ની પરીક્ષા 10 ફેબુ્., ધો. 10ની 20 ફેબુ્.થી

વિદ્યાર્થીઓ પ્લાન કરી શકે તે માટે આગોતરી જાહેરાત
ફેબુ્રઆરી અને માર્ચ ૨૦૨૬ દરમિયાન પ્રેકિટકલ અને લેખિત પરીક્ષાઓ યોજાશે
મુંબઈ - મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (સ્ટેટ બોર્ડ) એ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓની તારીખ જાહેર કરી છે. તે મુજબ, ધોરણ ૧૨ ની પરીક્ષા ૧૦ ફેબુ્રઆરીથી શરુ થશે. તો ધોરણ ૧૦ ની પરીક્ષા ૨૦ ફેબુ્રઆરીથી શરુ થશે. અગાઉથી જારી કરાયેલા આ સમયપત્રક મુજબ શાળાઓ અને જુનિયર કોલેજો તથા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસનું આયોજન કરવામાં મદદ કરશે.
રાજ્ય બોર્ડના સંયુક્ત સચિવ પ્રમોદ ગોફાણેએ આ જાહેરાત કરી હતી. રાજ્ય બોર્ડના નવ વિભાગીય બોર્ડ પુણે, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર અને કોકણ ધોરણ ૧૦ અને ૧૨માં માટે લેખિત, પ્રેક્ટિકલ અને અન્ય પરીક્ષાઓનું આયોજન કરે છે.
તે મુજબ, ધોરણ ૧૨ માટે લેખિત પરીક્ષા ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૬થી ૧૮ માર્ચ દરમિયાન લેવામાં આવશે. તેવી જ રીતે પ્રેકિટકલ પરીક્ષાઓ, મૌખિક પરીક્ષાઓ, આંતરિક મૂલ્યાંકન પરીક્ષાઓ ૨૩ જાન્યુઆરીથી ૯ ફેબુ્રઆરી દરમિયાન લેવામાં આવશે. આમાં માહિતી ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાાન માટેની પ્રેક્ટિકલ અને ઓનલાઈન પરીક્ષાઓ પણ આ જ સમયગાળા દરમિયાન લેવામાં આવશે.
દરમિયાન ધોરણ ૧૦ માટે લેખિત પરીક્ષાઓ ૨૦ ફેબુ્રઆરી ૨૦૨૬થી ૧૮ માર્ચ દરમિયાન લેવામાં આવશે. તો પ્રેક્ટિકલ પરીક્ષાઓ, મૌખિક પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકન પરીક્ષાઓ બે ફેબુ્રઆરીથી ૧૮ ફેબુ્રઆરી દરમિયાન લેવામાં આવશે. તેમાં એનાટોમી, આરોગ્ય અને ગૃહ વિજ્ઞાાન માટેની પ્રેક્ટિકલ પરીક્ષાઓનો પણ સમાવેશ થાય છે.
બોર્ડના જાહેરનામામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ તારીખો ખૂબ જ અગાઉથી જાહેર કરવામાં આવી રહી છે. જેથી શાળાઓ અને જુનિયર કોલેજો તેમના અભ્યાસક્રમનું આયોજન કરી શકે અને વિદ્યાર્થીઓના પરીક્ષા સંબંધિત તેમના મન પરનો તણાવ પણ ઘટાડી શકે. જો કે,પરીક્ષાઓનું વિગતવાર વિષયવાર અંતિમ સમયપત્રક બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જલ્દી જ પ્રકાશિત કરવામાં આવશે.