મહારાષ્ટ્રમાં ત્રિભાષી ફોર્મ્યૂલા મુદ્દે પીછેહઠ : ફરજિયાત હિંદીનો આદેશ રદ
ઉદ્ધવ-રાજ ઠાકરે એક થઈ જતાં મહાયુતિ સરકાર ઝૂકી
મહાપાલિકા ચૂંટણીઓ પહેલાં ઠાકરે બંધુઓને મોટો મુદ્દો મળી જતો ખાળવા વિધાનમંડળના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ જાહેરાત
રાજ્યમાં મુંબઈ સહિતની મહાપાલિકાઓની ચૂંટણી માથે છે તેવા સમયે મહારાષ્ટ્રમાં ત્રીભાષા ફોર્મ્યુલાના વિરોધમાં ઉદ્ધવ અને રાજે દાયકાઓ બાદ પહેલીવાર હાથ મિલાવી આગામી તા. પાંચમી જુલાઈએ ફરજિયાત હિંદીના નિર્ણય સામે સંયુક્ત મોરચો યોજવાની જાહેરાત કરી હતી. ઠાકરે બંધુઓની એકતાની રાજકીય અસરો ખાળવા માટે મહાયુતિ સરકારે પારોઠના પગલાં ભરી આવતીકાલથી શરુ થઈ રહેલાં વિધાનમંડળના ચોમાસુ સત્ર પૂર્વે જબંને જીઆર પાછા ખેંચી આ મુદ્દે નવેસરથી કમિટી રચવાની જાહેરાત કરી હતી. હવે ઠાકરે બંધુો દ્વારા તા. પાંચમીએ વિજય મોરચો નહિ યોજાય. જોકે, આ દિવસે વિજય રેલી યોજાવાનો સંકેત ઉદ્ધવ ઠાકરેેએ આપ્યો છે.
વિધાન મંડળ સત્રની પૂર્વસંધ્યાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હિંદી ભાષા બાબત અગાઉ લેવાયેલા બન્ને નિર્ણયો કેબિનેટની બેઠકમાં પાછા ખેંચવામાં આવ્યાની જાહેરાત કરી હતી. અગાઉ ગઈ તા. ૧૬મી એપ્રિલે સરકારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ત્રિભાષી ફોર્મ્યૂલાનો અમલ કરી પહેલાં ધોરણથી ફરજિયાત હિંદીનો નિર્ણય જાહેર કર્યો હતો. બાદમાં ભારે વિરોધ થતાં ગઈ તા. ૧૭મી જૂને સરકારે સુધારેલો જીઆર પ્રગટ કરી હિંદી ત્રીજા વિષય તરીકે ફરજિયાત રહેશે અને જ્યાં ૨૦થી વધુ વિદ્યાર્થીઓ મળે ત્યાં અન્ય વૈકલ્પિક ભારતીય ભાષા ભણાવી શકાશે એમ જાહેર કર્યું હતું. હવે આ બંને જીઆર રદ કરાયા છે.
આ સાથે જ દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષી નેતા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે હિંદી ભાષા શીખવવા બાબત અમે સખ્તાઈ કરી રહ્યા છીએ એવો ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો. હકીકતમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે જ આ રાજ્યમાં ત્રિભાષી ફોર્મ્યૂલાના નિર્ણયને બહાલી અપાઈ હતી. મનસે નેતા રાજ ઠાકરેએ ઉદ્ધવને સવાલ કરવો જોઈએ કે તમે સત્તા પર હતા ત્યારે શું કામ આ નિર્ણય લીધો હતો? બીજી તરફ ઉદ્ધવે આ આક્ષેપનો એવો જવાબ આપ્યો હતો કે તેમની સરકાર વખતે કોઈ આખરી જીઆર પ્રગટ કરાયો ન હતો પરંતુ એક કમિટી રચવાનું નક્કી થયું હતું.