સૌરાષ્ટ્રના દરિયામાં બોટ ડૂબી મહારાષ્ટ્રની એજન્સીઓની દોડધામ
જાફરાબાદ અને ઉનાથી નીકળેલા માછીમારોની બોટ ડૂબી
જાફરાબાદથી દૂર દરિયામાં ૨૮ માછીમારોની ૩ બોટ ડૂબી, ૧૧ લાપતા થયાઃ મહારાષ્ટ્રમાં વિડીયો વાયરલ થતાં મુંબઈની એજન્સીઓએ તપાસ ચલાવી
મુંબઈ - ગુજરાતના સૌરાષ્ટ્રના જાફરાબાદ તથા ઉનાના માછીમારોની બોટ રાયગઢ પાસે ડૂબી હોવાના વિડીયો વાયરલ થતાં મહારાષ્ટ્રની પોલીસ, કોસ્ટ ગાર્ડ તથા મુંબઈની કોલાબા પોલીસ સહિતની એજન્સીઓમાં દોડધામ મચી હતી. આખરે મહારાષ્ટ્ર પોલીસે દાવો કર્યો હતો કે બોટ ડૂબ્યાની ઘટના ખરેખર બની છે પરંતુ તે મહારાષ્ટ્ર નહિ પરંતુ ગુજરાતના દરિયાની હદમાં બુધવારે બની છે. બોટ પર સવાર તમામ માછીમારોને અન્ય જહાજે બચાવી લીધા હોવાનું પણ મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યુું હતું.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરાયો હતો કે રાયગઢના કરંજા ગામે સૌરાષ્ટ્રના માછીમારોની બોટ ડૂબી છે. બોટ ડૂબી ત્યારે કેટલાક ખલાસી દરિયામાં કૂદી ગયા હતા.
આ વિડીયો વાયરલ થતાં મહારાષ્ટ્રના રાયગઢની મોરા પોલીસ, મુંબઈની કોલાબા પોલીસ ઉપરાંત કોસ્ટ ગાર્ડની બોટ્સ દરિયો ખૂંદી વળી હતી.
રાયગઢના જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આંચલ દલાલે મોડી રાતે કન્ફર્મ કર્યું હતું કે બોટ ડૂબી ગયાની ઘટના સાચી છે પરંતુ આ બનાવ ગુજરાતના દરિયા કાંઠા નજીક બન્યો છે. મહા રાષ્ટ્રની હદમાં બનાવ બન્યો નથી. મહારાષ્ટ્ર પોલીસ પાસે આ બોટ દુર્ઘટનાની ઝાઝી વિગતો નથી પરંતુ તેમાં સવાર તમામ ખલાસીઓને અન્ય જહાજે બચાવી પણ લીધા છે.
સમાચાર સંસ્થાઓના અહેવાલ અનુસાર અમરેલી જિલ્લાના દરિયાકાંઠેથી નીકળેલી બોટ ડૂબી જતાં તેમાંથી ૧૭ માછીમારોને બચાવી લેવાયા હતા જ્યારે ૧૧ હજુ પણ લાપતા છે. અમરેલી જિલ્લા કલેક્ટરને ટાંકીને અહેવાલોમાં જણાવાયું હતું કે જાફરાબાદ ટાઉનથી ૧૯ નોટિકલ માઈલના અંતરે ૨૮ માછીમારો સાથેની ત્રણ બોટ ડૂબી ગઈ હતી . તેના પર ૨૮ માછીમારો હતા. તેમાંથી ૧૧ માછીમારો લાપતા છે. કોસ્ટ ગાર્ડ વેસલ તથા બે હોવરક્રાફટ સર્ચ અભિયાનમાં જોડાયાં છે.
જોકે, અમરેલીના માછીમારોની બોટ દુર્ઘટના અને મહારાષ્ટ્રમાં વહેતા થયેલા વિડીયો એક જ બોટ દુર્ઘટનાને લગતા છે કે કેમ તે કન્ફર્મ થઈ શક્યું ન હતું.