Get The App

મહામુંબઈને બીજું એરપોર્ટ મળ્યુંઃ નવી મુંબઈથી ફલાઈટ્સ શરુ

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
મહામુંબઈને બીજું એરપોર્ટ મળ્યુંઃ નવી મુંબઈથી ફલાઈટ્સ શરુ 1 - image

એરપોર્ટ માટે જમીન આપનારા ખેડૂતોના પરિવારોને જોયરાઈડ કરાવાઈ

પહેલી ફલાઈટમાં આવેલા પ્રવાસીઓનું  સ્વાગત કરાયું ઃ હાલ સવારના આઠથી રાતના આઠ  સુધી જ એરપોર્ટ કાર્યરત 

મુંબઈ -  નવી મુંબઈ એરપોર્ટ પરથી આજથી ફલાઈટ્સ શરુ થઈ હતી. સવારે આઠ વાગ્યે બેંગ્લુરુથી ફલાઈટ નંબર ૬ઈ૪૬૦ નવાં રન વેના એરપોર્ટ પર ઉતરી હતી. આ ફલાઈટનું પ્રથા મુજબ વોટર કેનનથી સ્વાગત કરાયું હતું. તે પછી ૮.૪૦ કલાકે ૬ઈ૮૮૨ નંબરની ફલાઈટ હૈદરાબાદ જવા  રવાના થઈ હતી. આ સાથે મહામુંબઈને નવું એરપોર્ટ મળ્યું છે. તેના કારણે હાલનાં મુંબઈ એરપોર્ટ પરનું ભારણ ઘટવાની અપેક્ષા છે. 

પહેલી ફલાઈટસમાં આવેલા પ્રવાસીઓનું ટર્મિનલ પર સ્વાગત કરાયું હતું. એરલાઈન્સના સ્ટાફે કેક કાપીને ખુશી મનાવી હતી. પહેલી ફલાઈટમાં આવેલા પ્રવાસીઓએ પોતપોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 

દરમિયાન, આજે  પહેલા દિવસે આ એરપોર્ટ માટે જમીન આપનારા ખેડૂત પરિવારોનું પણ સન્માન કરાયું હતું. આ પરિવારોનાં સભ્યોને એક ફલાઈટમાં બેસાડી જોયરાઈડ પણ કરાવવામાં આવી હતી. 

હાલ ઈન્ડિગો, અકાસા એર, સ્ટાર એર તથા એર ઈન્ડિયા એક્સપ્રેસ  દ્વારા જ ફલાઈટ્સનું સંચાલન કરાઈ રહ્યું છે. આ એરપોર્ટથી દેશનાં નવ જુદાં જુદાં શહેરો પર આવાગમન થઈ શકશે. આજના દિવસે ૧૫ ડિપાર્ચર નિર્ધારિત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

હાલ આ એરપોર્ટ સવારના આઠથી આઠ જ કાર્યરત રહેશે. રોજના આશરે ૨૪ જેટલાં ડિપાર્ચર થશે. આગામી ફેબુ્રઆરીથી આ એરપોર્ટ ૨૪ કલાક ધમધમતું થશે તેવો દાવો કરાઈ રહ્યો છે. 

૧૯૬૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલાં આ એરપોર્ટનું ઉદ્ધઘાટન ગત ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયું હતું. તે પછી બે મહિના બાદ આજથી કમર્શિઅલ ફલાઈટ્સ શરુ કરાઈ હતી. હાલ એરપોર્ટનો પહેલો  ફેઝ કાર્યરત કરાયો છે. તમામ પાંચ ફેઝ કાર્યરત થયા બાદ અહીંથી રોજના નવ કરોડ પ્રવાસીઓ અવરજવર કરશે  તેવો અંદાજ છે. 

હાશ મુંબઈ એરપોર્ટ પરનાં સ્લમ્સ જોવાનું ટળ્યું ઃ પ્રવાસીઓના પ્રત્યાઘાત

દિવસભર સંખ્યાબંધ લોકોએ નવી મુંબઈ એરપોર્ટ વિશે પોતાના પ્રતિભાવો સોશિયલ મીડિયા પર રજૂ કર્યાં હતા. અનેક પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તેમને નવી  મુંબઈ ફલાઈટમાં પહોંચતાં જેટલો  સમય લાગ્યો તેના કરતાં વધારે સમય નવી મુંબઈથી મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં પહોંચતાં લાગ્યો હતો. એક પ્રવાસીએ પોતે નવી મુંબઈથી પાલઘર કેવી રીતે સાડા ત્રણ કલાકે પહોંચ્યા તેનો ચિતાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલ આ એરપોર્ટ જવા માટે ખાનગી કે વ્યક્તિગત કાર અથવા બસનો જ સહારો લેવો પડે તેમ છે. સૌથી નજીકનાં તારઘર રેલવે સ્ટેશનેથી નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને  પણ બસો જ શરુ કરી છે. જોકે, આ રેલવે સ્ટેશને પહોંચવા માટે પણ સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી. 

દરમિયાન, કેટલાક પ્રવાસીઓએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે મુંબઈનાં હાલનાં એરપોર્ટ પરથી ઉડ્ડયન કે ઉતરાણ વખતે તેમણે વિન્ડોમાંથી વિશાળ સ્લમ્સ જ નજરે પડતાં હતાં. સારાં નસીબે નવી મુંબઈ એરપોર્ટ પરથી ઉડ્ડયન કે ઉત્તરાણ વખતે પહાડીઓ, સમુદ્ર , સુવિકસિત નવી મુંબઈ સિટીની સ્કાયલાઈન જ નજરે ચઢે છે.