પવઇમાં પોલીસ એન્કાઉન્ટરમાં રોહિત આર્યને ઠાર કરવાની મેજિસ્ટ્રેટ તપાસ શરૃ

કાયદા તથા સુપ્રીમ કોર્ટના વખતોવખતના ચુકાદા અનુસાર તપાસ
સંબંધિત મેજિસ્ટ્રેટ સાક્ષીઓને બોલાવશે, નિવેદન રેકોર્ડ કરી રિપોર્ટ રજૂ કરશે
મુંબઇ - પવઇના સ્ટુડિયોમાં ૧૭ બાળકો સહિત ૧૯ જણને બંધક બનાવનારા અને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા રોહિત આર્યના મૃત્યુની સ્વતંત્ર મેજિસ્ટ્રેટ તપાસ શરૃ કરવામાં આવી છે. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ સામે મેજિસ્ટ્રેટ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.
સોમવારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતુંમ કે સંબંધિત મેજિસ્ટ્રેટ સાક્ષીઓને બોલાવશે, નિવેદન રેકોર્ડ કર્યા બાદ રિપોર્ટ રજૂ કરશે. પવઇ વિસ્તારમાં મહાવીર ક્લાસિક બિલ્ડીંગમાં આરએ સ્યુડિયોની અંદર ગુરુવારે બપોરે રોહિત આર્ય (ઉં.વ.૫૦)ને પોલીસે ગોળી મારીને તેણે બંધક બનાવેલી તમામ લોકોને બચાવી લીધા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, પરંતુ રોહિતનું મોત નિપજ્યું હતું.
જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરીએ સોમવારે પુષ્ટિ આપી હતી કે કાયદા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ મુજબ આર્યના મૃત્યુની મેજિસ્ટ્રેટ તપાસ શરૃ કરવામાં આવી છે. મેજિસ્ટ્રેટ તપાસ સ્વતંત્ર છે. સંબંધિત મેજિસ્ટ્રેટ સાક્ષીઓને બોલાવશે, નિવેદન રેકોર્ડ કરી રિપોર્ટ સબમિટ કરશે.
બંધકની પરિસ્થિતિ બાબતે ચૌધરીએ કહ્યું કે બાળકો અને બે પુખ્ત વયના લોકોની સુરક્ષા પોલીસની એકમાત્ર પ્રાથમિક્તા હતા. આર્ય પાસેથી બંધકોને છોડાવવા માટે બે કલાકના નિષ્ફળ પ્રયાસ બાદ પોલીસે બળજબરીથી સ્યુડિયોમાં ઘૂસવાનો નિર્ણય લીધો હતો. બે કલાકથી વધુ સમય સુધી પોલીસની ટીમે આર્ય સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને બાળકોને છોડી દેવા અને આત્મસમર્પણ કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કોઇની વાત માનવા તૈયાર નહોતો તે સતત બાળકોને નુકસાન પહોંચાડવાની ધમકી આપતો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
આર્ય પાસે જવલનશીલ પદાર્થો જેવી ખતરનાક અને હાનિકારક વસ્તુઓ હતી. તેમજ બંધકોને મુક્ત કરવાનો ઇનકાર કરતો હોવાથી પોલીસે સ્ટુડિયોમાં ઘૂસીને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. ચૌધરીએ દાવો કર્યો હતો કે આર્ય બે તેની એરગનમાંથી પહેલા ગોળીબાર કર્યો હતો જેના કારણે એક પોલીસ અધિકારીએ બચાવમાં તેને ગોળી મારી દીધી હતી.
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ના ભાગરૃપે આર્યના મૃત્યુની ઔપચારિક તપાસ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે. ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યુ ંહતું કે બંધક બનાવેલા લોકોના રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ પોલીસકર્મીઓ આવી સાત્યતિક પરિસ્થિતિને સંભાળવા માટે યોગ્ય રીતે તૈયાર હતા.
અમારા વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય પોલીસ કાર્યવાહીઓને બંધક બનાવવાની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે બાબતની તાલીમ આપવામાં આવી છે. આર્યએ મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગ પાસેથી એક પ્રોજેક્ટ માટે બાકી રહેલા પૈસાને લીધે આ કાવતરું ઘડયું હોવાનું કહેવાય છે. જો કે સરકારે આ દાવાને ફગાવી દીધો હતો.
૨૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ શિક્ષણ વિભાગના સરકારી ઠરાવ મુજબ આર્ય પ ્રોજેક્ટ લેટસ ચેન્જના ડિરેક્ટર હતો. તેણે ૨૦ જુલાઇથી બીજી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી સ્વચ્છતા મોનિટર પહેલ ચલાવી હતી. આ પહેલ હેઠળ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા પર નજર રાખવાની હતી. લોકોને જાહેર સ્થળોએ થૂંકવાનું નહી અને કચરો ફેંકવો નહી આ બાબતે સતર્ક કરવાના હતા.
૬૪ હજાર સ્કૂલો અને ૫૯ લાખ વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ વેબ સિરીઝ માટે ઓડિશનબહાને બાળકોને સ્ટુડિયોમાં બોલાવ વામાં આવ્યા હતા. પછી ગત ગુરુવારે આર્યએ બાળકો અને અન્યને બંધક બનાવ્યા હતા. તેણે પોતાની માંગણી માટે વીડિયો પોસ્ટ કર્યો હતો.
આર્યના વીડિયોગ્રાફ અને સાક્ષી રોહન આહેરને પણ રોહિતે બાળકોને બંધક બનાવવાના કાવતરાની ખબર પડવા દીધી નહોતી. તેણે શૂટિંગના બહાને રોહનને પેટ્રોલ અને ફટાકડા લાવવા કહ્યું હતું. પરંતુ રોહને તેની સૂચનાને અવગણી હતી. જ્યારે આર્યએ સ્ટુડિયોની અંદર રબરની સોલ્યુશનમાં આગ લગાવી ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઇ હતી. જેના કારણે આહેર મદદ માટે બહાર દોડી ગયો અને બંધક બનાવેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી આર્યએ તેના પરિવાર સાથે બહુ ઓછો સંપર્ક રાખ્યો હતો.

