Get The App

મેજિસ્ટ્રેટ આઈટી રુલ હેઠળ ઓનલાઈન સામગ્રી બ્લોક ન કરી શકેઃ હાઈકોર્ટ

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
મેજિસ્ટ્રેટ આઈટી રુલ હેઠળ ઓનલાઈન સામગ્રી બ્લોક ન કરી શકેઃ હાઈકોર્ટ 1 - image

ગુગલ સામે ની કન્ટેમ્પટ અરજીમાં હાઈકોર્ટનું નિરીક્ષણ

યુ ટયુબ પરના પાંચ વિડીયો હટાવવા મેજિસ્ટ્રેટ કોર્ટે આપેલો આદેશને ફગાવ્યોઃ સક્ષમ સત્તાધિકારીને જ આવી સત્તા છે

મુંબઈ -   બોમ્બે હાઈ કોર્ટે તાજેતરના ચુકાદામાં ઠેરવ્યું હતું કે માહિતી તંત્રજ્ઞાાન (આઈટી) રુલ ૨૦૦૯ના નિયમ ૧૦  મેજિસ્ટ્રેટને ઓનલાઈન  સામગ્રીને બ્લોક કરવાનો નિર્દેશ આપવાની સત્તા આપતો નથી.

પશુ કલ્યાણ માટે કાર્યરત સ્વયંસેવી સંસ્થા ધ્યાન ફાઉન્ડેશન  દ્વારા ટેક જાયન્ટ ગુગલ એલએલસી સામે કરેલી બે અરજીમાં આ નિરીક્ષણ કરાયું હતું.

યુ ટયુબ પર પાંચ બદનક્ષી ભર્યા વિડિયોથી માઠી અસર થતાં તેણે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સંપર્ક કરીને ગુગલ સામે  સામગ્રી  પ્રસારિત કરતાં અટકાવતો આદેશ મેળવ્યો હતો. ગુગલે આદેશ નહીં પાળતાં સ્વયંસેવી સંસ્થાએ અવમાનની કાર્યવાહી શરૃ કરી હતી જેને મેજિસ્ટ્રેટે લાગુ કરી હતી.

ગુગલે આ પગલાંને સેશન્સ કોર્ટમાં  પડકાર્યું હતું.  સેશન્સ કોર્ટે ૧૧૬ દિવસના વિલંબને માફ કરીને અવમાનની કાર્યવાહી પર સ્થગિતી આપતાં ધ્યાન ફાઉન્ડેશને બંને આદેશને હાઈકોર્ટમાં પડકાર્યા હતા.

ગુગલે દલીલ કરી હતી કે આઈટી કાયદાની કલમ ૬૯એ હેઠળ કેન્દ્ર અથવા ચોક્કસ નિયુક્ત અધિકારીને જ ખાસ કારણોસર અનોલાઈન  સામગ્રી બ્લોક કરવાનો અધિકાર છે.

કોર્ટે નોંધ કરી હતી કે મેજિસ્ટ્રેટે અધિકારક્ષેત્ર બાહ્ય આદેશ આપ્યાનો પ્રથમદર્શી કેસ છે. જાહેરમાં  સામગ્રીને બ્લોક કરવાથી વ્યક્તિની વાણી અભિવ્યક્તિ અને માહિતી મેળવવાના જનતાના અધિકારનો ભંગ થાય છે અને આવા નિયંત્રણો સ્પષ્ટ કાયદા હેઠળ જ શક્ય છે.

હાઈકોર્ટે સ્ટે કાયમ રાખીને અપીલ કરવામાં વિલંબને માફી આપતા નીચલી કોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો હતો.