ઓનલાઈન વાઈનનો ઓર્ડર આપવામાં 7 લાખ ગુમાવ્યા

ઈન્ટરનેટ પર સર્ચ કરતાં નજીકની શોપને બદલે ગઠિયો ભટકાયો
વિલે પાર્લેની ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં દિવાળી પાર્ટી માટે ૫૦ ટકા એડવાન્સ પેમેન્ટ છતાં ડિલિવરી થઈ જ નહિ
મુંબઈ - દિવાળી દરમિયાન લોકો ઓનલાઈન ઓર્ડર કરીને તમામ વસ્તુઓ મંગાવતા હોય છે. ત્યારે વિલેપાર્લેમાં એક ફિલ્મ પ્રોડક્શન કંપનીના એડમિન હેડે ઓફિસમાં દિવાળી ઉજવણી કાર્યક્રમ દરમિયાન જથ્થાબંધ ઓનલાઈન વાઈન ઓર્ડર કરતા રુ. ૬.૭૫ લાખની છેતરપિંડી થઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, વિલેપાર્લેમાં ફિલ્મ પ્રોડક્શન કપંનીના એડમિન હેડ તરીકે કામ કરતા ફરિયાદી ભાવેશ મહેતાએ ૧૫ ઓક્ટોબરના રોજ કર્મચારીઓ માટે દીવાળી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઉજવણી માટે તેમણે જથ્થાબંધ વાઈનનો ઓનલાઈન ઓર્ડર આપવાનું નક્કી કર્યું હતું.
આથી ફરિયાદીએ સોશિયલ મિડીયા પર લિસ્ટેડ નજીક વાઈન શોપની શોધખોળ કરતી વખતે તેમને એક વાઈન શોેપનો નંબર મળી આવ્યો હતો. આ બાદ એડમિન હેડે આ નંબર પર સંપર્ક કર્યો હતો. ત્યારે અજય નામના શખ્સે સામેથી જવાબ આપ્યો હતો. આ બાદ ફરિયાદીએ તેને નવ લાખની વાઈનનો ઓર્ડર આપ્યો હતો. જો કે, આ સમયે અજયે ં અગાઉ પ૦ ટકા રકમ ચૂકવવી રહેશે. બાકીની રકમ ડિલવરી સમયે ચૂકવણી કરવાની રહેશે, એમ જણાવ્યું હતું.
વધુમાં ફરિયાદનો વિશ્વાસ મેળવવા માટે આરોપીએ પીકે વાઈન શોપ નામની શોપ સાથે જોડાયેલ એક બિલ અને જીએસટી નબંર પણ મોકલ્યો હતો. જીએસટી નંબર હોવાથી ફરિયાદીને ખાતરી થતા તેણે વ્યવહાર માટે સંમતિ દર્શાવી હતી.
આ બાદ આરોપીએ ફરિયાદી પાસેથી બેંક ખાતાની વિંગતો મેળવી અને શરુઆતમાં રુ. ૪.૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ બીજા રુ૨.૨૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. ચૂકવણી થતાં આરોપીએ ૯૦ મિનિટમાં ઝડપી ડિલવરીનું વચન આપીને ફોન મૂકી દીધો હતો. જો કે, ડિલીવરી મળી ન હોવાથી ફરિયાદીએ ફરી આરોપીને સંપર્ક કરતા આરોપીએ જણાવ્યું હતુ ંકે પાર્સલ રવાના થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ તમારા સરનામે પહોંચી જશે તેમ જણાવ્યુ હતું. જો કે, રાત સુધી કોઈ ડિલવરી મળી ન હતી.
તેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ફરિયાદીએ તાત્કાલિક વિલેપાર્લે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.








