Mumbai

મુંબઈ સહિત રાજ્યના મહત્ત્વનાં ધોરીમાર્ગો પર વાહનોની લાંબી કતારો

By GS TEAM
26 Oct 20252 mins read
મુંબઈ સહિત રાજ્યના મહત્ત્વનાં ધોરીમાર્ગો પર વાહનોની લાંબી કતારો

દિવાળીની રજાઓ પૂરી થતાં ફરી ઘર તરફ પ્રયાણ 

મુંબઈ - પુણે એક્સપ્રેસ વે, પુણે બેંગ્લોર નેશનલ હાઈવે, પુણે-નાસિક હાઈવે, 

મુંબઈ-અમદાવાદ હાઈવે શનિવાર સવારથી વાહનોનું ભારણ વધ્યું

મુંબઇ -  દિવાળીની રજાઓ પૂર્ણ થતાં ફરી મુંબઈ અને પુણે તરફ પરત ફરતાં લોકોનો ધસારો વધ્યો છે. વિકેન્ડ હોવાથી અને સોમવારથી લોકોને ફરી કામધંધે વળગવાનું હોવાથી લોકો પોતાના શહેરમાં પાછા ફરવા માંડતાં રાજ્યને ભારતના વિવિધ શહેરો સાથે જોડતાં મહત્ત્વના ધોરીમાર્ગો પર શનિવારે લાંબો ટ્રાફિક જોવા મળ્યો હતો. જેને કારણે ફરી પાછી લોકોએ ટ્રાફિકની સ્થિતિમાં અનેક મુશ્કેલીઓ પણ વેઠવી પડી હતી અને ટ્રાફિકના વિવિધ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં.

ઘણાં લોકો મહાબળેશ્વર, લોનાવાલા, સિંહગઢ, ભીમાશંકર, ગોવા જેવા પ્રખ્યાત પર્યટનસ્થળોથી મુંબઈ, પુણે, ગુજરાત, બેંગ્લોર તરફ ફરી રવાના થતાં શનિવારે સવારથી જ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે, પુણે-બેંગ્લોર નેશનલ હાઈવે, પુણે-નાસિક હાઈવે, સોલાપુર રોડ, નગર રોડ અને હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ જેવા મહત્ત્વના માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે કેટલાંક મુખ્ય અવરોધક વાહનોને દૂર કરવામાં કલાકથી વધુનો સમય વિત્યો હતો. જોકે રવિવારે પણ આજ સ્થિતિ રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે.

ખાસ કરી, પુણેથી બેંગ્લોરના નેશનલ હાઈવે નં.૪ પર અનેક વિકાસકામો થઈ રહ્યા છે અને ત્યાં કરાડ, ઈશ્વરપુર અને સાતારા જેવા મુખ્ય શહેરોની નજીક ડાયવર્ઝન મૂકવામાં આવ્યા છે. જેથી સામાન્ય પાંચ કલાકની મુસાફરીને બદલે પર્યટકોએ સાતથી આઠ કલાકનો સમય ટ્રાફિકમાં વેડફવો પડે છે. મુંબઈ અને પુણેમાં વસતાં અનેક લોકો દિવાળી મનાવવા પોતાના વતન ગયા હતા અને તેઓ પણ પાછા ફરતાં મુંબઈ-પુણે તરફના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. 

દરમ્યાન પિંપરી-ચિંચવડ અને પુણે ગ્રામ્યના ટ્રાફિક પોલીસે તેમના અધિકારક્ષેત્ર હેઠળના હાઈવે પર ગંભીર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પગલાં લીધાં છે અને સ્થાનિકોને પણ ધીરજ સાથે વાહન હંકારવા જણાવ્યું છે.