સ્થાનિક ચૂંટણીઓનાં નગારાં વાગ્યાં : 2જીએ નગર પરિષદો-પંચાયતો માટે મતદાન

મુંબઈ સહિતની મહાપાલિકાની તારીખો હવે પછી
ચૂંટણી જાહેર થઈ તે શહેરોમાં આચાર સંહિતા લાગુ ૧.૭ કરોડ મતદારો મતદાન કરશેઃ ૩જીએ પરિણામ
મુંબઈ - મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ તારીખ ૩૧મી જાન્યુઆરી સુધી યોજી દેવાના સુપ્રીમ કોર્ટના આદેશને અનુલક્ષીને રાજ્ય ચૂંટણી પંચે તબક્કાવાર સ્થાનિક ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે. તેના પહેલા તબક્કા રુપે આજે આજે ૨૪૬ નગર પરિષદો તથા ૪૨ નગર પંચાયતો માટે બીજી ડિસેમ્બરે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. આ ચૂંટણી માટે મતગણતરી ત્રીજી ડિસેમ્બરે યોજાશે. તારીખો જાહેર થતાં આજથી સંબંધિત નગર પરિષદો અને નગર પંચાયતોમાં આચાર સંહિતા આજથી લાગુ થઈ ગઈ છે.
મુંબઈના મંત્રાલય જીમખાનામાં યોજાયેલી રાજ્ય ચૂંટણી પંચની પત્રકાર પરિષદને સંબોધતાના રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારે જણાવ્યું હતું કે મુંબઈ મહાનગર પાલિકા સહિત ૨૯ મહાનગર પાલિકા, ૩૨ જિલ્લા ૫ પરિષદો અને ૩૩૬ પંચાયત સમિતિઓ માટ તારીખો હવે પછી જાહેર થશે.
ચૂંટણી જાહેર થઈ છે તે નગર પરિષદો અને નગર પંચાયતોમાં મતદારોની સંખ્યા ૧.૭ કરોડ છે. જેમાં પુરુષ ૫૩,૭૯,૯૩૧, મહિલા ૫૩,૨૨, ૮૭૦ અને તૃતીય પંથ ૭૭૫ મતદારોનો સમાવેશ થાય છે. ૧૩,૩૫૫ મતદાન કેન્દ્રો હશે અને કુલ વોર્ડની સંખ્યા ૩૮૨૦ હશે.
આ ઠેકાણે ચૂંટણીમાં ૬,૮૫૯ સભ્યોમાં ૩,૪૯૨ મહિલાઓ માટે અનામત બેઠકો, ૮૯૫ અનુસૂચિત જાતિ માટે ૩૩૮ અનુસૂચિત જનજાતિ અને ૧૮૨૧ ઓ.બી.સી. વર્ગોનો સમાવેશ થાય છે.
વાઘમારેએ જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચે ઉમેવારી ફોર્મ અને સોગંદનામા ઓનલાઈન સબમિશન માટે એક વેબસાઈટ શરૃ કરી છે. જ્યારે બીજુ પોર્ટલ મતદાર તેમના નામ અને મતદાન મથક શોધી શકશે. આ ઉપરાંત મતદાન માટે ૧૩, ૭૨૬, ઈવીએમ યુનિટ અને ૨૭,૪૫૨ બેલેટ યુનિટની વ્યવસ્થા કરાઈ હોવાનું વાઘમારેએ ઉમેર્યું હતું.
કમિશનરે તમામ જિલ્લા કલેક્ટરો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના વડાઓને મતદાનની ટકાવારી સુધારવા માટે પરંપરાગત અને ડિજિટલ માધ્યમો દ્વારા મતદાર જાગૃતિ ઝુંબેશને વધુ તીવ્ર બનાવવા આદેશ આપ્યો છે.
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આચારસંહિતા અમલમાં રહેશે. જે વિસ્તારોમાં મતદારોને પ્રભાવિત કરી શકે એવા કોઈપણ પોલીસી નિર્ણયો અથવા જાહેરાતોને પ્રતિબંધ મૂક્યો છે.
મતદારોની યાદીની કટ ઓફ તારીખ ૧ જુલાઈ ૨૦૨૫ છે. અમે કેન્દ્રીય ચૂંટણી કમિશન પાસેથી ૧૫ ઓક્ટોબર સુધીની મતદાર યાદી માંગી છે. જો અમને યાદી મળશે તો અમે કટ-ઓફ-તારીખ લંબાવવાનું વિચારીશું કમિશનરે જણાવ્યંુ હતું.

