Get The App

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓની જાહેરાત આવતા અઠવાડિયે થવાની શક્યતા

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓની જાહેરાત આવતા અઠવાડિયે થવાની શક્યતા 1 - image

246 નગરપાલિકાઓ, 42 નગરપંચાયતોની ચૂંટણીનું મુહૂર્ત

ચૂંટણીમાં ત્રણ તબક્કામાં યોજાશે, મુંબઈ મહાપાલિકાની ચૂંટણી 15થી 20 જાન્યુઆરી 2026 સુધીમાં થવાની શક્યતા

મુંબઈ -  રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ વોર્ડ રચના અને ઓબીસી વર્ગો માટે અનામત જેવા વિવિધ મુદ્દાઓને કારણે પોણાચાર વર્ષથી વિલંબિત છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ૩૧ જાન્યુઆરી પહેલા ચૂંટણી કરી લેવાના આદેશને પગલે રાજ્ય ચૂંટણીપંચ ૨૪૬ નગરપાલિકાઓ, ૪૨ નગરપંચાયતોની ચૂંટણીના પ્રથમ તબક્કાની જાહેરાત આવતા અઠવાડિયે કરાશે એવું જાણવા મળ્યું છે.

રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મહાપાલિકા, નગરપાલિકા, નગરપંચાયતી, જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિ વગેરેની ચૂંટણીઓ ત્રણ તબક્કામાં પાર પાડવાનું આયોજન કરશે.

પ્રથમ તબક્કામાં નગર પાલિકા અને નગર પંચાયતની ચૂંટણી યોજાશે બીજા તબક્કામાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ અને ત્રીજા તબક્કામાં મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે એવું જાહેર કરાશે.

મુંબઈ સહિત રાજ્યની ૨૯ મહાનગર પાલિકાની ચૂંટણી ૧૫થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ની અંદર યોજવાનો રાજ્ય ચૂંટણી પંચનો પ્રયાસ રહેશે. નગરપાલિકા અને નગરપંચાયતની ચૂંટણીની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે અથવા મતદાન બાદ તાબડતોબ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.

ભારે વરસાદ અને પૂરને કારણે સરકારી તંત્ર હજી પણ ગ્રામીણ વિસ્તારોમાં રાહત કાર્યમાં રોકાયું છે. તેથી એવું માનવામાં આવે છે. આ ચૂંટણીઓ ડિસેમ્બરમાં યોજાશે.

જિલ્લા પરિષદની ચૂંટણીઓ ચાલતી હશે ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ પહેલા યોજવાની સમયમર્યાદા આપી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કોર્ટ કેસ ઊભા થવાથી સંભાવનાને ધ્યાનમાં રાખીને મહાગનરપાલિકા ચૂંટણીઓ નિર્ધારિત ૧૦ દિવસ વહેલા યોજાશે.

મતદાન મશીનો માટે મધ્ય પ્રદેશ સરકાર સાથે કરાર

રાજ્યમાં પહેલી વખત મોટી સંખ્યામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીઓ માટે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન (ઇવીએમ)ની અછત રહે તે માટે રાજ્ય ચૂંટણી પંચે મશીનોના પુરવઠા માટે મધ્ય પ્રદેશ સરકાર સાથે કરાર કર્યા છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ૫૦ હજાર ઈવીએમ ખરીદવામાં આવ્યા છે.