app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

અલીબાગમાં બ્રાંચ મેનેજર સહિત સ્ટાફનું લોન કૌભાંડઃ 27 સામે ગુનો

Updated: Nov 19th, 2023


- બોગસ દસ્તાવેજોને આધારે બેફામ લોનની લ્હાણી કરી

- બેન્ક ઓડિટમાં જાણ થયા બાદ ફરિયાદ અપાઈઃ થાણે ઉપરાંત ગુજરાતના આરોપીઓનો પણ સમાવેશ

મુંબઈ : અલીબાગના શ્રીબાગ બ્રાન્ચમાં કામ કરતા બેન્કના મેનેજર અને અન્ય સ્ટાફે મળી એક્સપ્રેસ ક્રેડિટ લોન હેઠળ નિયમો ચાતરીને લોન મંજૂરી કરી બેન્ક સાથે ૪૧ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ પ્રકરણે  અલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે બેન્કના સ્ટાફ સહિત લોન લેનાર એમ કુલ મળી ૨૭ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. આરોપીઓમાં થાણે જિલ્લાના અમુક લોકો સહિત ગુજરાતના લોકોનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.

આ સંદર્બે બેન્કના બ્રાન્ચ મેનેજર સંતોષ યેમગેકરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ૨ જુલાઈ, ૨૦૧૮થી ૨૪મે ૨૦૨૧ના સમયગાળામાં નલાવડે નામની વ્યક્તિ શ્રી બાગ એસબીઆઈના બ્રાન્ચ મેનેજર તરીકે  કાર્યરત હતી. આ સમયે ગુંજન રિજનલ ઓફિસર તરીકે કામ કરતા હતા. આ બન્નેએ આ સમયગાળામાં એક્સપ્રેસ ક્રેડિટ લોન યોજના હેઠળ ૬૫ વ્યક્તિઓને અલગ-અલગ રકમની લોન મંજૂર કરી હોવાનું જણાયું હતું. 

જો કે લોન મેળવનાર વ્યક્તિઓ કોઈ રીતે નિયમમાં બેસતા ન હોવા છતા તેમની લોન મંજૂર કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. આમાંથી અમુક લોન લેનારાઓએ ખોટા સેલેરી સર્ટિફિકેટ, બેન્ક સ્ટેટમેન્ટ રજૂ કરી  બેન્કને ગેરમાર્ગો દોરી હતી. લોન લેનાર ૩૮ વ્યકિતઓએ લોનની રકમ પૂર્ણપણે ભરી તેમના બેન્ક ખાતા બંધ કરી દીધા હતા. જ્યારે  ૨૭  જણે ખોટા દસ્તાવેજોની મદદથી લોન મેળવી હતી.

આ ૨૭ જણનાં કાગળીયાઓની કોઈ યોગ્ય તપાસ કર્યા વગર જ તેમની લોન મંજૂર કરવામાં આવી હતી. નલાવડે અને ગુંજને મિલીભગત  કરી બેન્કની આર્થિક છેતરપિંડી કરી હોવાનું  પણ બહાર આવ્યું હતું. આ પ્રકાર ૨૦૧૮થી ૨૦૨૧ દરમિયાન બન્યો હોવાનું યેમગેકરે ફરિયાદમાં જણાવ્યું હતું. બેન્કના ઓડિટમાં પણ આ રીતે   લોનની લ્હાણી કરી ૪૧ લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર  આવ્યા બાદ બ્રાન્ચ મેનેજર યમગેકરે ૨૭ જણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે પણ કોઈની ધરપકડ કરવામાં આવી નથી.


Gujarat