Mumbai

ગર્લફ્રેન્ડના કારણે 3 વર્ષ વધુ જીવ્યો, હવે નહિઃ પોસ્ટ મૂકી ટોપર વિદ્યાર્થીનો આપઘાત

By GS TEAM
7 Oct 20252 mins read
ગર્લફ્રેન્ડના કારણે 3 વર્ષ વધુ જીવ્યો, હવે નહિઃ પોસ્ટ મૂકી ટોપર વિદ્યાર્થીનો આપઘાત

નાસિકમાં વિદ્યાર્થીએ કોલેજના ચોથા માળેથી ઝંપલાવ્યું

ધો. ૧૦નો ટોપર અને ધો. ૧૨માં ૯૫ પર્સન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીએ લખ્યું, મારે હવે જીવનમાં કોઈ સપનાં કે ધ્યેય બાકી રહ્યાં નથી 

મુંબઈ -  નાસિકમાં દસમાં ધોરણનો ટોપર અને બારમાં ધોરણમાં ૯૫ ટકા પર્સન્ટાઈલ મેળવ્યા બાદ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા ૧૭ વર્ષીય તરુણે કોલેજના ચોથા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આપઘાત કરતાં પહેલાં તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે હું ધો. ૧૦માં હતો ત્યારથી જ જીવવામાં કોઈ રસ ન હતો પરંતુ મારી ગર્લફ્રેન્ડના કારણે હુું ત્રણ વર્ષ વધારે જીવ્યો છું. હવે મારે જિંદગીમાં જે કરવું છે તે જ કરીશ. 

પ્રાપ્ત માહિતી મુજબ, ૧૭ વર્ષીય વિદ્યાર્થી તેના માતા પિતા સાથે પાથર્ડી ફાટામાં વિસ્તારમાં રહેતો હતો. તેના પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તે પરિવારમાં એકનો એક પુત્ર હતો. તેણે બારમાં ધોરણની પરીક્ષામાં ૯૫ પર્સન્ટાઈલ મેળવ્યા હતા.થોડા દિવસો પહેલા તેણે મેરિટ લિસ્ટ મુજબ ગંગાપુર રોડ પર સ્થિત એક એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ૧૭ વર્ષીય વિદ્યાર્થીએ ચાર ઓક્ટોબરના રોજ સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ એન્જિનિયર કોલેજના ચોથા માળેથી ઝંપલાવી દીધું હતું.  

આ ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 

આત્મહત્યા કરતા પહેલા પીડીતે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ લખી હતી. તેણે જણાવ્યું હતું કે, નમસ્તે, તમે બધા છેલ્લી વાર મારી વાત  સાંભળી રહ્યા છો. મારો જીવનમાં રસ ખતમ થઈ ગયો છે. મારા જીવનમાં હવે કોઈ ધ્યેય કે સપનાઓ બાકી નથી રહ્યા. મારા કારણે ઘણા લોકોએ દુઃખ સહન કર્યું છે.  હું ત્રણ વર્ષ પહેલા જ મરવાનો હતો. પરંતુ મારી ગર્લફ્રેન્ડને કારણે હું વધુ ત્રણ વર્ષ જીવ્યો.

હવે હું મારા જીવનમાં જે કરવું છે તે કરીશ. આપ સૌનો આભાર. મારા પરિવાર, મિત્રો અને શુભેચ્છકોને ખૂબ ખૂબ પ્રેમ. તો જીવનમાંથી વિદાય લઉં છું. ગુડબાય. હું તમામ અને મારા માતા પિતાના  પ્રયત્નોને  બરબાદ કરી દેવા બદલ માફી માંગુ છું. તમે કંઈ ખોટું કર્યું નથી. હું તેને લાયક નહોતો. 

આ પોસ્ટ અપલોડ કર્યા બાદ ઝંપલાવી દીધું હતું. દરમિયાન આ પોસ્ટ પર તેના મિત્રોએ કમેન્ટ કરીને ભણવામાં ધ્યાન આપ.. આવું બધું કંઈ કરવાની જરુર નથી. એમ જણાવ્યું હતું.

જો કે, વિદ્યાર્થીએ આ આત્યંતિક પગલું કેમ ભર્યું તે હજુ અસ્પષ્ટ છે. ગંગાપુર પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને વિદ્યાર્થીના છેલ્લી પોસ્ટના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.