પુણેના ગ્રામ્ય વિસ્તારોમાં આતંક મચાવનારો દીપડો આખરે ઠાર

દીપડાનો ગોળીથી વિંધાયેલો મૃતદેહ ગ્રામજનોને દેખાડવામાં આવ્યો
પિંપરખેડમાં ૧૩ વર્ષના બાળકનો ભોગ લીધો તે સ્પોટથી ૪૦૦ મીટરના અંતરે શાર્પશૂટરે દીપડાને ઠાર કર્યો
મુંબઈ - પુણે જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ત્રણ જણનો બોગ લઇ ચૂકેલા માનવભક્ષી દીપડાને ગઇ રાત્રે શાર્પશૂટરે ઠાર માર્યો હતો. આને લીધે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પુણે જિલ્લાના પિંપરખેડા વિસ્તારમાં દીપડાએ બે સગીર અને એક પુખ્ત વયના શખસ સહિત ત્રણનો ભોગ લેતા વ્યાપેલી દહેશત વચ્ચે ગ્રામજનોએ દીપડાને ઠાર મારવામાં આવે એવી માગણી સાથે બે દિવસ આંદોલન ચલાવ્યું હતું. આંદોલનને પગલે ફોરેસ્ટ ખાતાએ માનવભક્ષી દીપડાને ઠાર કરવાનો આદેશ આપ્યો હતો અને શાર્પશૂટર્સ સાથેની પાંચ ટીમો જંગલને ધમરોળવા માંડી હતી.
પિંપરખેડમાં રોહન નામના બાળકનું દીપડાના હુમલામાં મોત થયું હતું એ જગ્યાએથી ૪૦૦ મીટરના અંતરે મંગળવારે મોડી રાત્રે દીપડો દેખાયો હતો તરત જ શાર્પશૂટરે રાઇફલમાંથી ડાર્ટ (ઘેનની દવા સાથેનું ટચુકડું તીર) છોડયું હતું પણ ડાર્ટ નિશાન ચૂકતા દીપડો છંછેડાયો હતો અને જંગલ ખાતાની ટીમ પર હુમલો કરવા ધસી ગયો હતો. આથી બીજા શાર્પશૂટરે ગોળી ચલાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. ગોળીથી વિંધાયેલા દીપડાના મૃતદેહને ગામડાવાળાને દેખાડવામાં આવતા તેમને ખાતરી થઇ હતી કે દીપડો ઠાર થયો છે. એટલે તેમનો ફફડાટ ઓછો થયો હતો.
આ પહેલા મંગળવારે બીજો એક દીપડો છટકાંમાં સપડાયો હતો. પરંતુ આ દીપડો જ ત્રણ જીવલેણ હુમલા માટે જવાબદાર હતો તેની ખાતરી નહોતી થઇ.
દરમ્યાન મોડી રાત્રે દીપડાને ઠાર કરવામાં આવ્યા પછી માણિકડોહ રેસ્ક્યૂ સેન્ટરમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો.
દીપડાના હુમલાથી બાળક બચી ગયો
પુણે જિલ્લામાં દીપડાની વધેલી રંજાડના વિરોધમાં ગામેગામમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે જિલ્લાના ખેડ તાલુકાના કાળેચીવાડી ગામે એક બાળકનો દીપડાના હુમલામાંથી આબાદ બચાવ થયો હતો. દસેક વર્ષનો બાળક ઘરના આંગણામાં બાંધેલા હિંચકા પર ઝુલતો હતો ત્યાં અચાનક કૂતરાનો પીછો કરતો દીપડો કમ્પાઉન્ડની અંદર ધસી ધસી આવ્યો હતો. બાળકની ઉપર તરાપ મારવાની તૈયારીમાં હતો ત્યાં બાળક સમયસૂચકતા વાપરી ઘરમાં દોડી ગયો હતો. બૂમરાણ મચી જતા દીપડો જંગલમાં ભાગી ગયો હતો.
દીપડાને ઠાર કરવા સામે પ્રાણી પ્રેમીઓનો વિરોધ ઃ પીએમને પત્ર
મુંબઇ, તા.૪
છેલ્લાં એક મહિનામાં ત્રણ જણનો ભોગ લેનારા દીપડાને વન વિભાગે ઠાર કર્યો તેની સામે પ્રાણીપ્રેમીઓએ વિરોધ દર્શાવ્યો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પ્રાણીઓને બચાવવા માટે લાંબાગાળાની જંગલનીતિ ઘડવાની અપીલ કરી છે.
ે યોગ્ય વન નીતિ ઘડો, જંગલો કપાય છે એટલે પ્રાણીઓ માનવવસતીમાં આવે છે
પર્યાવરણની રક્ષા માટે કાર્યરત નેટ- કનેક્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર બી.એન કુમારે પી.એમને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે માનવજીવની રક્ષા કરવાનું બેશક જરૃરી છે, પણ આને માટે પ્રાણીઓને ઠાર કરવાનું યોગ્ય નથી. માનવ- પ્રાણી સંઘર્ષ ટાળવા માટે લાંબા ગાળાની વનનીતિ ઘડવી જોઇએ. આડેધડ જંગલો કપાતા જાય છે. જંગલોની અંદર અતિક્રમણ કરી લોકો વસવા માંડયા છે. આમ જંગલો કપાતા જાય છે એટલે પ્રાણીઓએ ના છૂટકે શિકારની શોધમાં માનવવસ્તીમાં ઘૂસે છે અને હુમલાની ઘટના બને છે. આમ માનવ- પ્રાણી સંઘર્ષ ટાળવા માટે યોગ્ય વન નીતિ ઘડવાની જરૃર છે. પણ સરકાર આ રીતની નીતિ ઘડવામાં સદંતર નિષ્ફળ ગઇ છે.

