Get The App

ભાયંદરના ગીચ વિસ્તારમાં ઘૂસેલા દીપડાનો ઉત્પાતઃ હુમલામાં 7 ઘાયલ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
ભાયંદરના ગીચ વિસ્તારમાં ઘૂસેલા દીપડાનો ઉત્પાતઃ હુમલામાં 7 ઘાયલ 1 - image

સમગ્ર વિસ્તારમાં ગભરાટઃ ગીચ  વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યો તે સવાલ

પહેલા માળના ફલેટમાં ઘૂસી ગયોઃ યુવતીએ બેડરુમમાં લોક કરી દીધોઃ સાત કલાક બાદ જેર કરાયો

મુંબઈ - ભાયંદર-ઈસ્ટમાં  શુક્રવારે સવારે બીપી રોડ પર એક  ભારે ગીચ વિસ્તારમાં આવેલી રહેણાંક ઇમારતમાં શુક્રવારે સવારે ઘૂસી ગયેલા એક દીપડાએ સાત લોકોને ઘાયલ કરતાં હાહાકાર મચી ગયો હતો.  વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમે લગભગ સાત કલાકની મહેનત બાદ દીપડાને પકડી લેવામાં સફળતા મેળવી હતી. દીપડો આટલા ગીચ વિસ્તારમાં કેવી રીતે આવી ગયો અને ગઈ રાત કે આજે વહેલી સવારે પણ કેમ કોઈના ધ્યાનમાં ન આવ્યો તે અંગે સવાલો જાગ્યા છે. વન વિભાગ તથા સ્થાનિક પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ ચાલુ કરી છે.

આ દીપડો મધ્યરાત્રિની આસપાસ ભાયંદર ઈસ્ટના તળાવ રોડ વિસ્તારમાં આવ્યો હોવાનું મનાય છે. સવારે સાત વાગ્યે આ દીપડો બીપી રોડ પરની પારિજાત ઇમારતમાં ઘૂસી ગયો હતો. દીપડાને જોતાં જ હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતા. લોકોની ધમાલથી ગભરાયેલો દીપડો  દીપડો પહેલા માળે એક ફલેટનો દરવાજો ખુલ્લો હતો ત્યાં ઘૂસી ગયો હતો. ફલેટમાં રહેતા ટાક પરિવારના સભ્યો હજુ કાંઈ જુએ કે સમજે તે પહેલાં જ તેણે બેડરૃમમાં સૂતી ૨૨ વર્ષની અંજલી ટાક પર હુમલો કર્યો હતો.દીપડાએ અન્ય લોકો પર પણ હુમલો કર્યો હતો. કેટલાક પડોશીઓ પણ આ હુમલામાં ઘાયલ થયા હતા.  અંજલિએ સાવચેતી દાખવી દીપડાને બેડરુમમાં બંધ કરી દીધો હતો.

 ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઘરની વિન્ડો તોડીને જખમી અંજલિને બહાર  કાઢી હતી.  હુમલામાં ટાકના પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ સાત લોકો જખમી થયા હતા.   તમામ ઘાયલોને  ભાયંદરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર  માટે દાખલ કરાયા છે.

સાત કલાક ઓપરેશન ચાલ્યુું

સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમો સવારના આઠ  વાગ્યાથી ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોને એકઠા થતાં અટકાવવા પોલીસ પણ ખડકી દેવાઈ હતી. આ વિસ્તારના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. દીપડો ઘરના બેડરૃમમાં બંધ હતો. તેને બારીમાંથી જ ડાર્ટ અપાયું હતું. બપોરે ૩ વાગ્યે, દીપડો ઇન્જેક્શનને કારણે બેભાન થઈ ગયો હતો. ઓપરેશન ૭ કલાક સુધી ચાલ્યું હતું. બેભાન થયેલા દીપડાને વન વિભાગ દ્વારા પાંજરામાં પૂર્યા બાદ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં લઈ જવામાં આવ્યો હતો. દીપડો પકડાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર કામગીરી દરમિયાન  ધારાસભ્યો તથા મ્યુનિસિપલ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ગીચ વિસ્તારમાં મધરાતથી હાજરીની શંકા

ભાઈદર-ઈસ્ટ રેલવે સ્ટેશન નજીક બીપી રોડ ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે. તેથી, પ્રશ્ન એ ઊભો થાય છે કે દીપડો ત્યાં કેવી રીતે પહોંચ્યો હતો. ઘણા લોકોએ મધ્યરાત્રિએ દીપડાને રસ્તા પર ફરતો જોયો હતો. તે ત્યાં કેવી રીતે પહોંચ્યો? કમિશનર શર્મા અને પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજ ચકાસીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પ્રયાસો કરવામાં આવશે.

ઘાયલ અંજલિનાં ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે

દીપડો ૨૨ વર્ષની અંજલિ ટાકના ઘરમાં ઘૂસી ગયો હતો. અંજલિ બેડરુમમાં હતી ત્યારે તેના પર ત્રાટક્યો હતો. જોકે, ઘાયલ થવા છતાં પણ અંજલિએ સાવચેતીપૂર્વક રીતે બેડરુમનો દરવાજો બંધ કરી દેતાં દીપડો અંદર પૂરાઈ ગયો હતો. જો તે બહાર જ છૂટો ફરતો રહ્યો હોત તો હજુ વધારે લોકોને ઘાયલ કરી શકે તેમ હતો. અંજલિની થોડા સમય પહેલાં જ સગાઈ થઈ છે અને હવે ટૂંક સમયમાં તેનાં લગ્ન થવાનાં છે. જોકે, હાલ તો દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી અંજલિને કેઈએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Tags :