વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ પરીક્ષા આપવા આવ્યા
મુંબઈની કેટલીક કોલેજોએ નૃત્ય શિક્ષણના ભાગરુપે ગરબાને સિલેબસમાં સામેલ કર્યાઃ વિદ્યાર્થીઓને અલગ ક્રેડિટ મળે છે
મુંબઈ - ગરબા ગુજરાતીઓના લોહીમાં છે અને તે શીખવવાની કોઈને જરુર હોતી નથી. જોકે, મહારાષ્ટ્રમાં ગરબાને નૃત્ય શિક્ષણના સિલેબસમાં સ્થાન અપાયું છે અને તાજેતરમાં ઘાટકોપરની રામજી આશર વિદ્યાલયમાં ગરબાની પરીક્ષા પણ યોજાઈ હતી.
મુંબઈમાં કેટલીક કોલેજોમાં ગરબાના સરકાર માન્ય કોર્સીસ ચાલે છે. મીઠી બાઈ કોલેજ જુહુ, એનએમ કોલેજ, ઠાકુર કોલેજ, વિવેક કોલેજ ગોરેગાંવ, રામજી આસર સ્કૂલ ઘાટકોપર, અમુલક અમીચંદ સ્કૂલ માટુંગા સ્કૂલે ગરબા શીખવાડાય છે અને વિદ્યાર્થીઓને તેના માર્ક્સ પણ મળે છે.
ધો. ચારથી આઠના સિલેબસમાં ગરબા નૃત્યનો વિષય રખાયો હતો. તેની પહેલી પરીક્ષા શુક્રવારે યોજાઈ હતી. તેમાં ૩૫૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વાઈવા તથા પ્રેક્ટીકલ પરીક્ષા આપી હતી. તે માટે તમામ વિદ્યાર્થી ગરબા રમવાના ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. ગરબા પ્રશિક્ષકો જીગર અને સુહૃદ સોનીએ આ પરીક્ષા માં સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે સહયોગ આપ્યો હતો.
આ પરીક્ષા પાસ કરનારાને ધો. ૧૦માં ત્રણ ટકા એડિશનલ માર્કસ મળી શકે છે. બહાર ભણવા જતી વખતે એડિશનલ ક્રેડિટ પણ મળી શકે છે એમ આ પરીક્ષા લેનારા સેન્ટરના કિરણભાઈ સોનીએ જણાવ્યું હતું.


