Mumbai

ક્રાઈમ બ્રાન્ચમાં સ્થાપિત માતાજીની પ્રતિમા સાથે આ છેલ્લી નવરાત્રિ

By GS TEAM
27 Sep 20252 mins read
ક્રાઈમ બ્રાન્ચમાં સ્થાપિત માતાજીની પ્રતિમા સાથે આ છેલ્લી નવરાત્રિ

હાલની ઈમારત તોડી પાડવાની હોવાથી  પ્રતિમા કમિશનર ઓફિસમાં લઈ જવાશે

1989 માં ચોરીના મુદ્દામાલ સાથે પ્રતિમા મળી હતીઃ થોડા સમય સ્ટોરરુમમાં રહ્યા બાદ 1991થી પ્રતિષ્ઠા કરાઈઃ ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓને ઊંડી આસ્થા 

સમગ્ર દેશના લોકો સાથે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના મુખ્યાલયમાં પણ નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. મૂળ ૧૯૮૯માં ચોરીના એક કેસમાં જપ્ત થયેલી માતાની પ્રતિમા બાદમાં પોલીસ કર્મચારીઓએ બહાર લાવી વિધિવત્ત તેની પ્રતિષ્ઠા કરી હતી અને ત્યારથી તેઓ આ માતાજીનું પૂજન કરી નવરાત્રિ મનાવે છે. જોકે, આ વખતે આ ઈમારતમાં આ પ્રતિમા સાથે  છેલ્લો ઉત્સવ હશે. ક્રાઈમ બ્રાન્ચની હાલની ઈમારત તોડી પાડવામાં આવવાની હોવાથી આ પ્રતિમાનું પોલીસ કમિશનર ઓફિસમાં સ્થળાંતર કરાશે.  ૧૯૮૯માં ચોરીના એક કેસમાં જપ્ત થયેલી કેટલીક ચીજો સાથે માતાજીની સાડાત્રણ ફૂટ ઊંચી પ્રતિમા પણ પોલીસને મળી હતી. આ પ્રતિમા પંચધાતુની બનેલી છે અને વજનમાં બહુુ ભારે છે. પોલીસે   અન્ય ચીજો  સાથે તેને સ્ટોર રુમમાં મૂકી દીધી હતી. ચર્ચા અનુસાર એક પોલીસ અધિકારીને સપનામાં માતાજી દેખાયાં હતાં તે પછી આ પ્રતિમાને સ્ટોર રુમમાંથી બહાર કાઢી તેની વિધિવત્ત પ્રતિષ્ઠા કરાઈ હતી. ૧૯૯૦-૯૧થી તેની નિયમિત પૂજા થાય છે. 

જે કેસમાં આ પ્રતિમા જપ્ત થઈ હતી તે કેસના મૂળ ફરિયાદીએ જ પોલીસને આ પ્રતિમા ત્યાં રાખવા જણાવ્યું હોવાનું પણ કહેવાય છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને આ દેવીમાં બહુ  આસ્થા છે. તેઓ દરેક મહત્વના કેસની તપાસ શરુ કરતી વખતે માતાજીના આશીર્વાદ અચૂક લે છે. 

ક્રાઈમ બ્રાન્ચમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ માતાજીનાં  દર્શન માટે આવતા રહે છે.