Get The App

ભરતી- ઓટના વિઘ્નથી લાલબાગ ચા રાજાનું 36 કલાક બાદ વિસર્જન

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
ભરતી- ઓટના વિઘ્નથી લાલબાગ ચા રાજાનું 36 કલાક બાદ વિસર્જન 1 - image

- આટલા દાયકાઓના ઇતિહાસમાં પહેલીવાર ટેકનિકલ સમસ્યા

- દરિયાકિનારે આખો દિવસ હજારો ભક્તોએ ઉચાટ સાથે પ્રતીક્ષા કરી : મોડી રાતે ભરદરિયે જ પ્રતિમા સમક્ષ અભુતપૂર્વ આરતી

મુંબઈ: મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત મનાતા લાલબાગ ચા રાજા ગણેશોત્સવ મંડળને આ વર્ષે વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવાનો વખત આવ્યો હતો. દર વર્ષે સરળતાથી થતા લાલબાગ ચા રાજાનું વિસર્જન આ વર્ષે કલાકો સુધી અટવાઈ જતા મંડળ સહિત મુંબઈ પોલીસ અને સરકારની વિવિધ એજન્સીઓ પણ ચિંતામાં મુકાઈ ગઈ હતી. આ વખતે ગીરગાવ પાસેના અરબી સમુદ્રમાં ઊંચી ભરતી અને પાણીના પ્રચંડ પ્રવાહને કારણે લાલબાગ ચા રાજાનું વિસર્જન અટવાઈ ગયું હતું. આ હાઇટેક તરાપાની મદદથી વિસર્જન કરવાનું નક્કી થયું હતું, પણ તરાપાની ઉંચાઈ અને ભારે ભરતી તેમ જ પાણીના પ્રચંડ પ્રવાહને લીધે તે શક્ય થયું નહોતું, પણ અંતે બપોર પછી બીજા તરાપાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ બીજા તરાપા પર બાપ્પાને વિરાજમાન કર્યા બાદ રાત્રે ૯.૧૫ વાગ્યે લાલાબાગ ચા રાજાનું વિસર્જન થયું હતુ.ં

આ  સંદર્ભે વધુ વિગતાનુસાર આજે સવારે લગભગ આઠ વાગ્યે લાલાબાગ ચા રાજાની સવારી હજારો કાર્યકર્તાઓ, ભક્તો અને ભારે માનવ મહેરામણ વચ્ચે ગીરગાવ ચોપાટી પર આવી પહોંચ્યો હતો. ત્યાર બાદ લગભગ ૧૦ વાગ્યાથી નવા અત્યાધુનિક તરાપા પર બાપ્પાને વિરાજમાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે તરાપાની ઉંચાઇ વધુ હોવાથી તેમ જ દરિયામાં ભારે ભરતી અને પાણીનો પ્રવાહ પ્રચંડ હોવાથી બાપ્પાની મૂર્તિને તરાપા પર ગોઠવવામાં ભારે મથામણ કરવી પડી હતી, તેમ છતાં બાપ્પાની મૂર્તિ તરાપા પર ન ગોઠવાતા અંતે પીછેહઠ કરવી પડી હતી અને ભરતીના પામી ઓછા થયા બાદ/ઓસર્યા બાદ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

આ  રમિયાન આટલા વર્ષોની પરંપરા પહેલીવાર તૂટી હતી અને બાપ્પાનું વિસર્જન સમયસર ન થતા લોકો ચિંતિત બની ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ પોતાની ચિંતા વ્યક્ત કરી પ્રાર્થનાઓ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણાએ અમંગળ થયું હોવાનો પ્રતિભાવ પણ વ્યક્ત કર્યો હતો.

 શનિવારે લાલાબાગથી શરૂ થયેલી બાપ્પાની લાંબી શોભાયાત્રા આજે સવારે ગીરગાવ ચોપાટી આવી પહોંચી હતી. જોકે અનેક પ્રયાસો છતાં યોજના મુજબ સવારે વિસર્જન થઈ શક્યું નહોતું. લાલાબાગ ચા રાજાના વિસર્જનમાં ટેક્નિકલ ખામીઓ અને ભરતી ઓટની સ્થિતિ સહિતના અનેક કારણોસર વિલંબ થયો હતો. સવારે ૧૧.૪૦ વાગ્યે ૪.૪૨ મીટરની ઉંચાઈએ પહોંચેલી ભરતીને લીધે બાપ્પાની વિશાળ મૂર્તિનું સુરક્ષિત રીતે દરિયામાં વિસર્જન કરવું શક્યું નહોતું બન્યું.

લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના માનદ સચિવ સુધીર સાળવીએ જણાવ્યું હતું કે મૂર્તિના આગમનમાં સહેજ વિલંબ થયો હતો. આ દરમિયાન ભરતી શરૂ થઈ ગઈ હતી. ભરતીને લીધે મસમોટા મોજા કિનારા પર ફરી વળ્યા હતા. મૂર્તિને વિસર્જન માટે તરાપા પર ખસેડવાના પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. કારણ કે ભરતીના પાણીના જોરદાર મોજાઓને લીધે મૂર્તિને લઈ જતું પ્લેટફોર્મ અસ્થિર અને હાલક-ડોલક થવા લાગ્યું હતું. આ પ્રકારની પરિસ્થિતિને કારણે વિસર્જનની કામગીરી સ્થગિત કરી દીધી હતી અને ભરતી ઓછી થાય ત્યાં સુધી રાહ જોવાની ફરજ પડી હતી.

એક  સમયે પાણીનું સ્તર બાપ્પાની મૂર્તિના કમર સુધી વધી જતા પ્લેટફોર્મ તરતું રહ્યું અને તરાપા સાથે સુમેળ સાધવાનું મુશ્કેલ બન્યું હતું. ત્યાર બાદ લગભગ ત્રણ કલાક સ્વયંસેવકો અને સ્થાનિક માછીમારો મૂર્તિને સંતુલિત અને સ્થિર રાખવા સંઘર્ષ કરવો પડયો હતો. અંતે સાંજે ૪.૪૫ વાગ્યે કલાકોની જહેમત બાદ સેંકડો સ્વયંસેવકોની મદદથી મૂર્તિને કાળજીપૂર્વક ખાસ બનાવાયેલા તરાપા પર ખસેડવામાં આવી હતી. બાપ્પાની મૂર્તિ સફળતાપૂર્વક ખાસ તરાપા પર ગોઠવાઈ જતા ઉત્સુકતાથી રાહ જોઈ બેઠેલા ભક્તોમાં આનંદની લાગણી ફરી વળી હતી અને તમામે ગણપતિ બાપ્પા મોર્યાની ગર્જનાઓથી ચોપાટી ગજાવી મૂકી હતી.

લાલાબાગ  ચા રાજાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર  બાપ્પાની ભરદરિયે રાત્રે આરતી કરવામાં આવી હતી. ફરીથી દરિયાના પાણીનું સ્તર વધુ અને તરાપો તરવા લાગ્યો હતો. રાત્રે આઠ વાગ્યા બાદ સરળતાથી તરાપો દરિયામાં ખેંચવામાં આવ્યો હતો અને અંતે રાત્રે ૯.૧૫ કલાકે ગગનભેદી જયકારાઓ અને ફટાકડાની આતશબાજી વચ્ચે બાપ્પાનું ૩૬ કલાક બાદ વિસર્જન શાંતિપૂર્વક પાર પડયું ત્યારે ભક્તોએ 'ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા' કહી બાપ્પાને ભારે હૈયે વિદાય આપી હતી.