Get The App

પુણે યુનિ.ના ગોદામમાં રાખેલી લાખો ઉત્તરવહી પલળી ગઈ

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
પુણે યુનિ.ના ગોદામમાં રાખેલી લાખો ઉત્તરવહી પલળી ગઈ 1 - image

વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ હોવાનો આરોપ

મુંબઇ -  મહારાષ્ટ્રની સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીમાં પ્રશાસનિક બેદરકારીનો એક ગંભીર મામલો સામે આવ્યો છે, જ્યાં પરીક્ષા વિભાગના ગોડાઉનમાં રાખવામાં આવેલી લાખો ઉત્તરપત્રિકાઓ અચાનક પડેલા કમોસમી વરસાદમાં ભીંજાઈ ગઈ હતી. જણાવવામાં આવ્યું છે કે, આ પત્રિકાઓને સુરક્ષિત રાખવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું. આ ઘટનાએ યુનિવસટીની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ  ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે આ મુદ્દો તેમની આખા વર્ષની મહેનત સાથે જોડાયેલો છે. વિદ્યાર્થી સંગઠનોએ આને ગંભીર બેદરકારી ગણાવીને જણાવ્યું છે કે, આવી ઘટનાથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર અસર પડી શકે છે. વિવિધ સંગઠનોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આંદોલનની ચેતવણી પણ આપી છે.

જોકે , યુનિવસટી પ્રશાસને સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, જે ઉત્તરપત્રિકાઓને નુકસાન થયું છે, તે પહેલાં જ  તપાસાઈ ચૂકી હતી અને પુનર્મૂલ્યાંકન પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને તેમને નષ્ટ કરવા માટે રાખવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટરને સોંપવાની પ્રક્રિયા દરમિયાન જ અચાનક વરસાદ પડતા કેટલીક પત્રિકાઓ ભીંજાઈ ગઈ.

યુનિવસટીએ અવી પણ ખાતરી આપી છે કે, આ ઘટનાથી કોઈપણ વિદ્યાર્થીના પરિણામ અથવા શૈક્ષણિક રેકોર્ડ પર કોઈ અસર નહીં પડે. તેમ છતાં, આ ઘટનાએ પરીક્ષા વ્યવસ્થાપન અને દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે અને પ્રશાસન પાસેથી વધુ જવાબદારી અને સુધારાત્મક પગલાં લેવાની માંગ તેજ થઈ છે.