ઉંઘ ઓછી થાય તો વજન વધ્યા વિના પણ ડાયાબિટીસ વધી જવાનું જોખમ રહે છે

- ઉજાગરાં શરીરની સિરકાડિયન રિધમ ખોરવી નાંખે છે
- અપૂરતી ઉંઘને કારણે રક્તમાં સુગરને નિયંત્રણમાં રાખવાની શરીરની ક્ષમતા ખોરવાઇ જઇ શકે છે
વિવિધ સંશોધનો દર્શાવે છે કે અપૂરતી ઉંઘને કારણે રક્તમાં સુગરને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા ખોરવાઇ જાય છે. જેને કારણે વજન ન વધે તો પણ ડાયાબિટીસ થઇ શકે છે. ઉજાગરાં કરવાથી શરીરની સિરકારડિયન રિધમ ખોરવાઇ જાય છે જેને કારણે ઇન્શ્યુલિનની કામગીરી ખોરવાઇ જાય છે અને જેના કારણે સ્ટ્રેસ વધે તેવા હોર્મોન શરીરમાં વધી જાય છે. ડાયાબિટીસનું જોખમ ઘટાડવું હોય તો સાતત્યપૂર્ણ રીતે ઉંઘ લેવી જકૂરી છે. ઉંઘ સારી હોય તો સમગ્રપણે માનસિક અને શારિરીક તંદુરસ્તી સુધરે છે. ચયાપચયની ક્રિયા વિના અવરોધે ચાલે અને તને કારણે બહેતર પાચન થાય તે માટે સારી ઉંઘ જકૂરી છે.
શરીરમાં હોર્મોનના સ્ત્રાવ, શરીરનું તાપમાન અને પાચન પર સિરકાડિયન રિધમની મોટી અસર હોય છે. જ્યારે ઉંઘ ઘટી જાય અથવા અનિયમિત થઇ જાય ત્યારે આ સિરકાડિયન રિધમ ખોરવાઇ જાય છે. આ રિધમ ખોરવાઇ જવાને કારણે ઇન્શ્યુલિનની અસરકારકતા ઘટે છે. જ્યારે ઇન્શ્યુલિનનું કામ ખોરવાય ત્યારે રક્તમાં સુગરનું પ્રમાણ વધી જાય છે.
આ ઉપરાંત ઉજાગરાંને કારણે કોર્ટિસોલ જેવા તંગદિલી વધારે તેવા હોર્મોનનો સ્ત્રાવ વધે છે. જેના કારણે ઇન્શ્યુલીનની કામગીરી પર વિપરીત અસર પડે છે. લાંબા સમયે એક એવું ચક્ર સર્જાય છે જેમાં શરીરને ગ્લુકોઝનું નિયંત્રણ અસરકારક રીતે કરવામાં મુશ્કેલી પડે છે. જેને કારણે ટાઇપ ટુ ડાયાબિટીસ થવાની સંભાવનાઓ વધી જાય છે.
આ અભ્યાસને કારણે જાણવા મળ્યું છે કે વજન વધું હોય તે એક મહત્વનું પરિબળ છે જ પણ ઉંંઘ અપૂરતી હોય તો તે પણ ડાયાબિટીસ વધારવાનું કામ કરે છે. ઉજાગરાં કરનારી વ્યક્તિ વધારે નાસ્તા કરે છે અને તેને સુગર વધારે હોય તેવી ચીજો ખાવાની ટેવ પડે છે જેના કારણે ડાયાબિટીસ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આમ, સત્વહીન ખોરાક અને ઉજાગરાં ઝડપથી માણસને ડાયાબિટીસ ભણી ધકેલે છે.








