Mumbai

ઘાટકોપરની કચ્છી યુવતીનું શિમલામાં ટેન્કરની અડફેટે મોત

By GS TEAM
8 Oct 20252 mins read
ઘાટકોપરની કચ્છી યુવતીનું શિમલામાં ટેન્કરની અડફેટે મોત

ટ્રેકિંગ અને બાઈક રાઈડિંગનો શોખ હતો 

મૂળ કચ્છના મુદ્રા તાલુકાની વતની રચનાના પિતરાઈ ભાઈને પણ અકસ્માતમાં ગંભીર ઈજા

મુંબઈ -  ઘાટકોપર ઈસ્ટની કચ્છી યુવતી રચના વોરા-સોેમાનીને શિમલામાં બાઈક અકસ્માતમાં મોત  નીપજ્યું હતું. રચનાની બાઈકને એક ટેન્કરે ટક્કર મારી હતી. 

 કચ્છના મુંદ્રા તાલુકાના નવિનાર ગામની મૂળ વતની રચના તેમના પરિવારના કઝીન ભાઇઓ સાથે હિમાચલ પ્રદેશના શિમલા પ્રવાસે ગઈ હતી. સોમવારે શિમલાથી કલ્પા તરફ બાઈક યાત્રા દરમિયાન ટેન્કર સાથે થયેલી ટક્કરમાં રચનાનું મોત થયું હતું.  જ્યારે બાઈક ચલાવી રહેલા ૪૨ વર્ષના પિતરાઈ ભાઈ ચિરાગ કેનિયાને ઈજા થઈ હતી.

 અકસ્માત શિમલા જિલ્લાના જીઓરી વિસ્તારમાં નેશનલ હાઇવે-૫ પર થયો હતો. પેટ્રોલ પંપ નજીક બાઇક ચાલકે ટેન્કરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે બાઈક ટેન્કરના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ હતી અને ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અથડામણ બાદ બાઈક રસ્તા પર પડી જતાં પાછળ બેસેલી રચના વોરા પટકાઈ ગયા અને ટેન્કરના પાછળના ટાયર નીચે તેમનું માથું આવી જતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

 મુત્યુ પામેલાં રચના ઘાટકોપરના પંતનગર વિસ્તારના રાજશ્રી સ્ટેટ્સમાં પોતાના પરિવાર સાથે રહેતા હતી. તેમના પિતા જવાહર કાનજી સોમાની (વોરા) અને માતા દીકરીના અચાનક નિધનથી દુઃખના આઘાતમાં છે. રચના અપરિણીત હતી, જ્યારે નાની બહેન સેજલ પરિણિત છે અને હાલ અમેરિકામાં રહે છે. રચના સોમાની (વોરા) મુંબઈની એલ એન્ડ ટી કંપનીમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર (સોફ્ટવેર એન્જિનિયર) તરીકે કાર્યરત હતી. તેમને ટ્રેકિંગ, મેરેથોન અને બાઈક રાઇડિંગનો ભારે શોખ હતો. તેઓ અનેક સાહસિક યાત્રાઓમાં ભાગ લેતી હતી. મંગળવારે બપોરે મુંબઈમાં તેમની અંતિમવિધિ સંપન્ન થઈ હતી.