કુમાર સાનુએ એક્સ વાઈફ રિટા ભટ્ટાચાર્યને નોટિસ ફટકારી

મુંબઈ: વિખ્યાત સિંગર કુમાર સાનુએ તેની એક્સ વાઈફ રિટા ભટ્ટાચાર્યને લીગલ નોટિસ ફટકારી છે. રિટાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કુમાર સાનુ પર અનેક આક્ષેપ કર્યા હતા.
રિટાએ દાવો કર્યો હતો કે કુમાર સાનુએ ક્યારેય એક પતિ તરીકે ફરજ બજાવી ન હતી. તે પ્રેગનન્ટ હતી ત્યારે કુમાર સાનુએ તેને પર્યાપ્ત દૂધ કે ભોજન મળે તેની પણ દરકાર રાખી ન હતી. કુમાર સાનુએ બાળકો પર પણ ભારે અત્યાચાર ગુજાર્યા હતા. તેણે બાળકોને નાની નાની ચીજો માટે પણ ટટળાવ્યા હતા. કુમાર સાનુના વકીલે આ તમામ આક્ષેપો નકારી કાઢતાં કહ્યુું હતું કે કુમાર સાનુને બદનામ કરવાના પ્રયાસોનો કાનૂની રીતે જવાબ અપાશે.
કુમાર સાનુ 'આશિકી' ફિલ્મના ગીતોથી સ્ટાર સિંગર બન્યો તે પહેલાં ૧૯૮૦ના અરસામાં તેના અને રિટાનાં લગ્ન થયાં હતાં. જોકે, બંને વચ્ચે સુમેળ રહ્યો ન હતો. આખરે ૧૯૯૪માં તેઓ છૂટા પડી ગયાં હતાં. તે પછી કુુમાર સાનુનું નામ એક્ટર કુનિકા સાથે સંકળાયું હતું. જોકે, બાદમાં કુમાર સાનુએ સોનાલી ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યાં હતાં.