252 કરોડના ડ્રગ કેસના સૂત્રધાર કુબ્બાવાલા મુસ્તફાનું યુએઈથી પ્રત્યાર્પણ
ઈન્ટરપોલ, સીબીઆઈની મદદથી પ્રત્યાર્પણ
મૂળ સુરતના કુબ્બાવલા મુસ્તફાએ મુંબઇમાં શિક્ષણ પૂર્ણ કર્યું, અમદાવાદથી કાચોમાલ મેળવતો હતો
મૂંબઈ - 252 કરોડના મેફેડ્રોન ડ્રગ રેકેટમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) ઇન્ટરપોલ- મુંબઇ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ભાગેડૂ માસ્ટર માઇન્ડ કુબ્બાવલા મુસ્તફાને યુએઇથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. મૂળ સુરતના આરોપી સામે રેડકોર્નર નોટિસ જારી કરવામાં આવ્યા બાદ મુસ્તફાની અબુધાબીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ૨૫૨
મહારાષ્ટ્રના સાંગલીની એક ફેકટરીમાંથી રૃા.૨૫૨ કરોડના મેફેડ્રોન જપ્ત કરવાના કેસમાં વોન્ટેડ આરોપી કુબ્બાવલા મુસ્તફા (ઉ.વ.૪૪)નો યુએઇથી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાત્રે લગભગ એક વાગ્યે લાવવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાંગલીની એક ફેકટરીમાં દરોડો પાડીને આશરે ૧૨૬ કિલો મેફેડ્રોન (મ્યાઉ મ્યાઉ)નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. મુસ્તફા આ ગુનામાં મુખ્ય આરોપી સલીમ ડોલાનો ભત્રીજો છે અને મેફેડ્રોન બનાવવા તેમજ વેચાણનું સંચાલન કરતો હતો.
મુસ્તફા વિદેશથી તેના પિતરાઇ ભાઇ તાહેર સલીમ ડોલા સાથે મેફેડ્રોન મેન્યુફેકચરિંગ સિન્ડિકેટ ચલાવતો હતો. ૧૩ જૂને યુએઇથી દેશનિકાલ થતા મુંબઇ પોલીસે તાહેર ડોલાની ધરપકડ કરી હતી.
આરોપી મુસ્તફા મૂળ સુરતનો રહેવાસી છે. અને કાકા સલીમ ડોલા સાથે જોડાતા પહેલા મુંબઇથી શિક્ષણ પૂર્ણ કર્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે મુસ્તફા ઉચ્ચ ગુણવત્તાવાળા મેફેડ્રોન બનાવવા માટે મુખ્ય સામગ્રી અને કેમિકલ સપ્લાયર હતો. અમદાવાદથી તે કાચો માલ મેળવતો હતો.
મુંબઇ પોલીસના અધિકારીએ માહિતી આપી હતી કે તે મુસ્તફા ગુજરાતમાં તેના સિન્ડિકેટના આરોપીઓને ડ્રગ સપ્લાય કરતો હતો. મેફેડ્રોનના વેચાણમાંથી મળેલી રકમ હવાલા દ્વારા વિદેશમાં મોકલવામાં આવતા હતા. આ મામલામાં અગાઉ એક આંગડિયાની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી મુસ્તફાને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ રેકેટમાં અત્યારસુધીમાં કુલ ૧૨ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઇમાં મુસ્તફા સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. કોર્ટ તેની ધરપકડ માટે વોરંટ જારી કર્યુ ંહતું. અગાઉ મુસ્તફા અને અન્ય આરોપીઓ વિરૃદ્ધ મુંબઇ પોલીસ કેસ નોંધ્યો હતો. તે વિદેશથી સાંગલીમાં મેફેડ્રોન બનાવવાની ફેકટરી ચલાવતા હોવાનો આરોપ છે.